મહુવાના ચમત્કારી અને ‘પ્રેક્ટિકલ’ ડોક્ટર…..

આમ તો કોઈની નકારાત્મક બાજુ તરફ આંગળી ચીંધવી એ મારો સ્વભાવ નથી, પરંતુ ગત અઠવાડીયે થયેલ અનુભવે આ લખવા મજબૂર કર્યો છે. ખાસ કરીને મારા બાળકોને નિશાન બનાવી કમાવા માંગતા ડોક્ટરો વિશે હું અહીં લખી રહ્યો છું. બીજુ કાંઈ કરી શકાય તેવી શક્યતાને અભાવે આ બળાપો અહીં કાઢ્યો છે.

મહુવામાં આમ પણ ડોક્ટરો ખૂબ ઓછા છે, તેમાંય સારા અને જેમના ઈલાજ પર ભરોસો કરી શકાય તેવા ડોક્ટરો આંગળીના વેઢે ગણી શકાય એટલા જ છે. બાળકોના ડોક્ટરો વિશે પણ ચિત્ર એવું જ છે.

ગયા અઠવાડીયે મારા સવા વર્ષના પુત્ર ક્વચિતને એક દિવસ સવારે અચાનક જ ખૂબ ઝાડા શરૂ થઈ ગયા. લગભગ કલાકમાં ચારેક વખત, હું ત્યારે નોકરી પર જવા નીકળ્યો હતો એટલે એ સવા કલાકના રસ્તે ચાર વખત ફોન આવ્યો કે તેની તબિયત ખરાબ થઈ રહી હોય એમ લાગે છે. સામાન્ય રીતે તે એકલો અથવા તેની બહેન સાથે રમ્યા કરતો હોય છે, પણ એ દિવસે ચિત્ર અલગ હતું, એ સતત રડ્યા કરતો. લગભગ બે-ત્રણ કલાક એવું ચાલ્યુ એટલે અમારા મકાનમાલિક અને આસપાસના લોકો ઘરે આવ્યા અને તેને ડોક્ટરને બતાવવા લઈ જવા કહ્યું.

દરમ્યાનમાં હું ઓફિસમાં પહોંચી ચૂક્યો હતો, ફોનથી મને મારી પત્નિએ કહ્યું કે અપોઈંટમેંટ લઈ લેવી જેથી ત્યાં જઈને બેસવું ન પડે, બેસી શકાય અને રાહ જોઈ શકાય એવી સ્થિતિ ન હતી ક્વચિતના અને અમારા કપડા ન બગડે એ વાતને લીધે મેં ડોક્ટરને ફોન કર્યો. કહ્યું કે હું પીપાવાવથી બોલું છું, પુત્રને સવારથી ઝાડા છે અને મારી પત્ની પુત્રને લઈને ઈલાજ માટે દવાખાને આવે તે માટે અપોઈંટમેંટ જોઈએ છે. તેમણે કહ્યું હમણાં જ મોકલી આપો, અત્યારે જરાય ભીડ નથી.

ખરો ચમત્કાર તો તે પછી થયો. ક્વચિતને લઈને પ્રતિભા દવાખાને પહોંચી ત્યારે તેને કહેવાયું કે તમારા નામની કોઈ અપોઈંટમેંટ નથી, એમણે ક્વચિતને બદલે કવરિત લખેલું, એ પછી મારા નામથી શોધ કરાઈ અને મળ્યું એટલે તેને ડોક્ટર પાસે લઈ જવાઈ.

ડોક્ટરને મારી પત્નીએ કહ્યું કે ક્વચિતને સવારથી છએક વખત સાવ પાણી જેવા ઝાડા થઈ ગયા છે અને નબળાઈ પણ દેખાઈ રહી છે. તેને ઓઆરએસ પીવડાવ્યું છે જેથી ડીહાઈડ્રેશન ન થઈ જાય. મારા પતિએ તમને ફોન કરેલો.

ડોકટર કહે, હા, પેલો ચાર સાતડા વાળો નંબર તમારા પતિનો જ છે ને? મારે તેમની સાથે બધી વાત થઈ ગઈ છે, બાબાને તરત દાખલ કરવો પડશે, ત્રણ ચાર બોટલ ચડાવવા પડશે, તેને કોલેરાની અસર છે. ઉપરના માળે લઈ જઈને તેને એડમિટ કરી દો.

આ સાંભળીને મારી પત્ની ગભરાઈ, બહાર આવીને તેણે મને ફોન કર્યો. ક્વચિતને કમળો છે એવી ફોન પર તમને કઈ રીતે ખાત્રી થઈ? અને તેને દાખલ કરવાની હા કોઈ પણ ચેક અપ વગર કઈ રીતે પાડી એ પણ પૂછ્યું.

મેં કહ્યું અપોઈંટમેંટ લેવા સિવાય મારે બીજી કોઈ વાત થઈ નથી. એ ફરી ડોક્ટર પાસે ગઈ અને કહ્યું કે મારા પતિ આવે પછી ક્વચિતને દાખલ કરવા વિશે નિર્ણય લેશે, ત્યાં સુધી ઝાડા રોકી શકાય એવી કોઈ પ્રાથમિક સારવાર તો કરી આપો.

જક્કી ડોક્ટરે એ જ રટણ ચાલુ રાખ્યું, ‘ના, તમે જો છોકરાને દાખલ ન કરીને લઈ જવા માંગતા હોવ તો તમારી જવાબદારી પણ કેસ સીરીયસ છે (!).

પ્રતિભા વળી ગભરાઈ અને મને ફોન કર્યો, દરમ્યાનમાં અમારા મકાનમાલિકને કહીને મેં બીજા ડોક્ટર પાસે તેને મોકલવાની વ્યવસ્થા કરાવી.

ત્યાંથી નીકળીને પ્રતિભા બીજા ડોક્ટર પાસે પહોંચી, તેમણે ક્વચિતને વ્યવસ્થિત ચેક કર્યો અને કહ્યું કે દાંત આવી રહ્યા હોવાથી તેને ઝાડા થયા છે. દવા આપી અને તેને લઈને મારી પત્ની ઘરે આવી. સાંજ સુધીમાં તે નોર્મલ થઈ રહ્યો હોય એમ લાગ્યું, ઝાડા અટકી ગયા અને બે દિવસમાં તદ્દન રીકવર થઈ ગયો.

આટલી પૂર્વભૂમિકા પછી મારે એ ડોક્ટરને કેટલાક પ્રશ્નો પૂછવા છે, અને મને ખાત્રી છે કે આ પોસ્ટ તેમના સુધી પહોંચશે જ. એ પોતાની જાતને તો ઓળખી ગયા હશે જ. હવે કેટલાક મૂળભૂત પ્રશ્નો –

શું પીપાવાવનો ક્લોઝ યૂઝર ગૃપનો ફોન નંબર જોઈને ગમે તે બીમારી હોય પણ મેડીક્લેઈમ હોવાને લીધે બધા નિયમ નેવે મૂકીને મહત્તમ ખર્ચો કરાવવાની ડોક્ટર બન્યા ત્યારે તમે પ્રતિજ્ઞા લીધી છે?

થોડાક રૂપિયા કમાવા માટે થઈને એક વર્ષના બાળકને દાખલ કરી બાટલા ચડાવવાની તદ્દન બિનજરૂરી સલાહ આપવાનું મેડીકલ અભ્યાસના કયા વર્ષમાં શીખવવામાં આવે છે?

ફોન પર અને દર્દીને જોયા વગર પણ તમે તેને કોલેરા છે એ નક્કી કરી શકો છો? તો તો તમારા અનુભવને વર્લ્ડરેકોર્ડમાં સ્થાન મળવું જોઈએ. એ માટે એપ્લાય કર્યું?

સ્ટેથોસ્કોપ પણ અડાડ્યા વગર કે નાડી પકડ્યા વગર – દર્દીને અડક્યા વગર તમને ખબર પડી ગઈ કે તેને બોટલ ચડાવવાની જરૂર છે અને સીરીયસ કેસ છે?

અને આ પહેલા જ્યારે એક વખત તેમની પાસે જઈને અમે હાર્દીને ચેક કરાવેલી અને બિલ માંગ્યુ હતું ત્યારે તેમનો જવાબ હતો, ‘અમારે થોડા બિલ હોય?’ કેમ ભાઈ? તમારે ટેક્સ જેવી વસ્તુ ભરવાની આવતી નથી?

આવા ડોક્ટરો ગામડાની અભણ અને સરળ પ્રજાને કેટલું બેફામ લૂંટતા હશે? મહુવા જેવા અર્ધગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક સારવારની સુવિધાઓનો પણ અભાવ છે. સુવિધાના નામે અહીં હનુમંત હોસ્પિટલ છે, જેમાં વિઝિટીંગ ડોક્ટર્સ આવે છે, પરંતુ મારો અકસ્માત થાય કે કોઈ ગંભીર બીમારી અચાનક થાય ત્યારે વિઝિટીંગ ડોક્ટર હોય એની કેટલી ખાત્રી? ભાવનગર દોડીને જવા સિવાય બીજો વિકલ્પ છે ખરો? સરકારી દવાખાનામાં યોગ્ય સારવાર મળશે તેનો કેટલો વિશ્વાસ? અને શું કોઈ આવા લેભાગુ ‘પ્રેક્ટિકલ’ ડોક્ટરો પર ભરોસો મૂકીને પોતાના બાળકનો ઈલાજ કરાવી શકાય ખરો?

વડોદરામાં ક્વચિતના જન્મથી તેના ડોક્ટર તુષાર શાહ (નવકાર ચિલ્ડ્રન હોસ્પિટલ, કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલ સામે,) એટલો તો સરળ અને સરસ રીતે ઈલાજ કરે છે કે તમારા બાળકને તેમના હાથમાં સોંપતા તમને જરાય ખચકાટ ન થાય. આવા ડોક્ટર મિત્રોમાંથી કોઈ મહુવા જેવા ગ્રામ્ય વિસ્તારોને પણ પસંદ ન કરી શકે? પ્લીઝ !

તા.ક. એક ડોક્ટરના આવા અનુભવને લીધે બધા ડોક્ટર્સ એવા જ હોય એમ કહેવાનો મારો કોઈ હેતુ  નથી. મારા શાળા સમયના અનેક મિત્રો, મારા મોટાભાઈ અને અનેક વડીલો આ જ પ્રોફેશનમાં છે અને ડોક્ટરો માટે મારા મનમાં ખૂબ આદર છે અને તેમના વ્યવસાય તથા સેવાઓ પ્રત્યે અત્યંત શ્રદ્ધા છે. બે ચાર આવા લોકોના લીધે તેમનું અપમાન કરવાનો મારો કોઈ હેતુ નથી. મહુવામાં જ મને એવા ડોક્ટર પણ મળ્યા છે જેમણે ક્વચિતને તરત યોગ્ય ઈલાજ આપ્યો છે અને મહુવાના જ એક ડોક્ટરે મને પણ ગંભીર બીમારીમાંથી ઉભો કર્યો છે. પણ અસલામત સારવાર સામે આંગળી ચીંધવી એ પણ એક જાગૃત નાગરીક તરીકે મારી ફરજ છે.

 

 

 

38 thoughts on “મહુવાના ચમત્કારી અને ‘પ્રેક્ટિકલ’ ડોક્ટર…..

  1. નકારાત્મક બાબતો ધ્યાન દોરવી જ જોઇએ.

    અમદાવાદમાં તો આવા ડોક્ટરો ઢગલાબંધ છે. કંઇ પણ પૂછ્યા વગર X-ray, સોનોગ્રાફી કરાવી દેવાનું અમને કહ્યું. અરે, પૂછો તો ખરા કે થયું શું છે, કેટલા સમયથી તકલીફ છે..

    અને હા, સારા ડોક્ટર્સ પણ છે. જે દરેક સારવારને વિગતે સમજાવે છે.

    Like

    • કાર્તિકભાઈ,

      આપનો પ્રતિભાવ વાંચીને એક મિત્ર સાથે થોડા સમય પહેલા વાત થઈ હતી એ યાદ આવી, એ પેથોલોજી લેબોરેટરીમાં કામ કરતા હતા, એમણે કહ્યું કે ડોક્ટરોની એક્સરે ક્લિનીક અને પેથોલોજીકલ લેબોરેટરીઓ સાથે સિસ્ટેમેટીક ‘ગોઠવણ’ હોય છે, પેશન્ટને મોકલવાનું પણ કમિશન કદાચ હશે – એટલે તમારૂ લોહી ચાખવું એમના માટે સ્વભાવિક છે.

      પ્રતિભાવ બદલ આભાર.

      Like

  2. આવું બધે જ જોવા મળવાનું. ભગવાનને એટલી જ પ્રાર્થના કરવાની કે જેમ બને તેમ ઓછી વાર ડોક્ટરને ત્યાં જવું પડે. અહીં પણ એક ટ્રસ્ટ્રની મોટી હોસ્પિટલમાં એક નવા ફિઝિશિયન આવ્યા છે જે પેશન્ટને તપાસ્યા વિના જ પોતાની ખુરશીમાં બેસીને જ દવા લખી આપે છે. અને મોઢા પર સતત માસ્ક બાંધી રાખે છે. પેશન્ટથી એટલી તકલીફ થતી હોય તો આ પ્રોફેશનમાં આવ્યા શું કામ ?- એવું પૂછવાનું મન થઈ જાય છે.

    Like

  3. ફોન પર તમારી દોડાદોડી જાણી ત્યારે આ વાત સમજાઈ નહોતી પણ આજે વાંચું છું તો મન સમસમી ઉઠે છે. કુમળાં બાળકોની સાથે પણ રમાતી આવી ક્રૂર રમતોનો કોઈ ક્યાંય જોટો જડશે ખરો ?

    પણ આપણેય આમાંથી શીખવાનું છે. કોઈના કહેવા માત્રથી ગભરાઈને હાંફળાંફાંફળાં થવાને બદલે તત્કાલ અન્યનોય સંપર્ક કરવો રહ્યો.

    (ડૉ.નો જવાબ આવે (તો) જણાવજો !)

    Like

    • પ્રિય જુ.કાકા,

      હા, મને પણ એ વાતનો આનંદ છે કે સેકન્ડ ઓપીનીયન લેવો જરૂરી થઈ ગયો છે. ખાસ કરીને આવા કિસ્સાઓમાં જ્યાં નકામી સારવારની શંકા હોય.

      આપનો ફોન કટ કરીને પીપાવાવથી ભાગવું પડેલું, વળી ઈ-મેલનો જવાબ આપવામાંય ઘણું મોડું થયેલ એ આ જ કારણે. જો કે ગોપાલકાકાને હવે મારી આવી ‘લેટલતીફી’ની ટેવ પડી ગઈ છે, એટલે દિવસમાં એક વખત તો ટપારતા જ હોય છે,

      એક આડ વાત, આવું થાય અને બધું છોડીને ઘર સંભાળવુ પડે ત્યારે અહેસાસ થાય કે આપણા વગર કાંઈ અટકી પડતું નથી, બાકી આપણી મનોસ્થિતિ તો ગાડા નીચે ચાલતા પેલા કૂતરા જેવી છે જેના માટે કહેવાયું છે ‘શકટનો ભાર જ્યમ શ્વાન તાણે…’

      પ્રતિભાવ બદલ આભાર.

      Like

  4. બીલ?

    બીલ તો ભાવનગરમાં યે કોઈ નથી આપતું.

    તેઓ અડસટ્ટે જ એકાઉન્ટ લખે છે. મહત્તમ કમાય છે. લુંટે છે, હરે છે, ફરે છે અને ઓછામાં ઓછો ટેક્સ ભરે છે. કરચોરી બાબતે તો સારા અને ખરાબ બધાં ડોક્ટરો લગભગ સરખાં છે.

    Like

    • ખરી વાત,

      જો કે દવા અને ઈલાજના બિલ ટેક્સ સેવીંગ માટે વાપરી શકાય છે એટલે શક્ય હોય ત્યાં સુધી હું દરેક ડોક્ટર અને મેડીકલ સ્ટોરમાંથી બીલ લઈ જ લઉં છું, પછી આવા ‘અલભ્ય’ વીરલાઓ મળે જેમના કોઈ એમ આર દ્વારા મફતમાં અપાયેલ દવા કંપનીઓના લેટરહેડ ફક્ત એ જ કંપનીઓની દવા લખવા – પ્રિસ્ક્રિપ્શન માટે જ વપરાતા હોય તો વાત અલગ છે. ત્યાં બિલની આશા વ્યર્થ છે, અને કોણ કમ્પ્લેઈન કરીને માથાકૂટમાં પડે અને દોડાદોડી કરે એ વિચારે ફરીયાદ પણ થતી નથી.

      પ્રતિભાવ બદલ આભાર.

      Like

  5. એક માતા-પિતા તરીકે તમારી ચિંતા અને થયેલ ખરાબ અનુભવ બાબતે લખાણ સ્વાભાવિક અને ઉચિત છે. ઘણા ડોક્ટરોની આવી પ્રેક્ટીસ ને લીધે દરેક ડોક્ટર પ્રત્યે લોકો શંકાશીલ બને છે અને એક દુર્ભાવના ફેલાય છે. ઝાડા ઉલ્ટી ના કેસમાં બાટલા ચડાવવા પડે એવા કેસ તો હવે અમે સરકારી હોસ્પીટલમાં કે જ્યાં દૂર થી ગરીબ પ્રજા આવે છે ત્યાં પણ ખૂબ ઓછા જોવા મળે છે…!! ઓ.આર.એસ. આ સદીની સૌથી મોટી શોધ છે કે જેણે આ દુનિયામાં ઝાડાથી થતા મૃત્યુ દર અને હોસ્પીટલાઈઝેશન માં 90 % ઘટાડો કરી દીધો છે. આ સાથે એક લિંક આ અંગે ગુજમોમ પર પ્રકાશિત લેખ ની છે જો શક્ય હોય તો આપના બ્લોગ થી પણ ફેલાવશો કદાચ તમારા જેવા અન્ય માતા પિતાને પણ મદદરૂપ થાય. http://gujmom.com/index.php?option=com_content&view=article&id=14%3Aart-ors&catid=13%3Acat-articles&Itemid=88&lang=gu
    – ડો. મૌલિક શાહ

    Like

    • પ્રિય ડૉ. મૌલિકભાઈ,

      મારો હેતુ ફક્ત એટલો જ કે આમ જાહેરમાં (તેમના નામ વગર પણ) તેમના ઈરાદાઓની જાણ થાય તો કદાચ લોકો ચેતતા થાય. આપના જેવા પરિસ્થિતિનું આકલન કરી સાચી માહિતિનો ફેલાવો કરતા ડૉક્ટર મિત્રો પણ છે જ. ચિંતા એ જ વાતની છે કે એ ફક્ત શહેરોમાં જ છે. તો સામે મહુવામાં લગભગ દરેક ડોક્ટરનો પ્રાથમિક ઈલાજ બાટલા ચડાવવાનો જ છે. મારા એક મિત્ર તો ડૉક્ટર પાસે બતાવવા જાય ત્યારે તેમના મેડીકલ સ્ટોરમાંથી બાટલા લઈને જ જાય એ હદની આ પ્રેક્ટિસ રૂઢ થયેલી છે. શહેરોમાં ઉપલબ્ધ સારવાર અને ગામડાઓમાં (જો હોય તો) ઉપલબ્ધ સારવાર વચ્ચે આભ જમીનનો ફરક છે.

      આભાર.

      Like

        • પ્રિય મિત્ર,

          આપની આ બ્લોગ પર પ્રથમ કમેન્ટ હશે એટલે આપોઆપ મોડરેશનમાં આવી જાય તે સ્વભાવિક છે, અને તે બે જ કલાકમાં અપ્રૂવ કરી છે.

          કાઠીયાવાડનું પાણી હવે નથી પીધું, મારો જન્મ પોરબંદરનો જ છે, કમેન્ટ નહીં આખેઆખી પોસ્ટ એ વાતની સાબિતિ છે.

          આભાર.

          Like

  6. રાજકોટમાં તો , તમે આયવા નથી કે યુરીન અને લોહીના સેમ્પલનો રીપોર્ટ કરાવ્યો નથી !

    અને સાદી શરદીની સારવારમાં તો , હવે તેઓ એન્ટી બાયોટીક્સ તરફ વળ્યા છે !

    અને મુખ્ય વાત , તમે રીકવર કરો કે ના કરો , તમને રીફંડ નથી મળતું !

    જે તે ડોકટરે , લખેલી દવા તેની સાથેના જ મેડીકલ સ્ટોરમાં થી જ મળે છે , બીજે કશેથી જ નહિ .

    Like

  7. માફ કરજો પરંતુ ગણ્યાગાંઠયા ડોક્ટર સિવાય સામન્ય સંજોગમાં આ પ્રકારની પ્રેક્ટીસ દરેક જગ્યાએ હાલ જોવા મળે છે. નિરવ ની વાત સાથે હું સહમત છું, કારણ રાજકોટમાં આવો જે એક અનુભવ અમારા પાડોશી ને થયેલ, તેમના પિતા ને થોડો દુઃખાવો ચેસ્ટ પેઈન જેવું લાગ્યું એટલે તેમણે ફેમીલી ડોક્ટરને બતાવ્યું, તો તેમણે એક કાર્ડ્યોલોજિસ્ટ રીફર કરવા સલાહ આપી અને તેની ઉપર ચિઠ લખી -ફોન પણ કરી આપ્યો. મોટી ઉંમર હોય, સ્વભાવિક છે કે આપણે તૂરત ફેમીલી ડોક્ટર ની સલાહ મુજબ જ ચાલવાના, અન્ય ની સલાહ તે સમયે ના લેવાના. બસ, ભાઈને તે હજુ નવી જ શરૂ કરેલ હોસ્પિટલ લઇ ગયાં, ડૉ. ને બતાવતા આપણા કરતાં તે વધુ ચિંતામાં અને ગભરાટ અનુભવવા લાગ્યા. જ્યારે આ બાબત તેમને પૂછવામાં આવ્યું, તો તે કહે છે કે સારું થયું તમે તેમને લઈને જલ્દી આવ્યા, તેમને તાત્કાલિક દાખલ કરવા પડશે આઈ.સી.યુ. માં અને ૩ દિવસ ઓબ્જરવેશન માં રાખવા પડશે અને ૨૫૦૦૦ રૂપિયા જમા કરાવી આપો. ૩ દિવસનો પેકજ ખર્ચ છે. રોજના ૧૦,૦૦૦ છે, પણ ૩ દિવસ ના પેકેજ લેશો તો ૨૫,૦૦૦.

    ગરજવાન ને અક્કલ તો હોય નહિ, બસ, તેમને દાખલ કર્યા, બપોરે હું ઘેર ગયો તો સમાચાર આપ્યા કે આપણા પાડોશી ને તાત્કાલિક દાખલ કરવા પડ્યા છે, તેમને હાર્ટ પ્રોબ્લેમ આવ્યો લાગે છે. હું તેમની તબિયત તપાસવા માટે તેમના દિકરા સાથે હોસ્પિટલ ગયો, દાદા ની તબિયત તે સમયે સાવ નોર્મલ હતી. તેથી મેં તેમના દીકરા ને સલાહ આપી કે તમને તકલીફ ના હોય તો મારા એક મિત્ર-સજ્જન ડોક્ટર આજ ફીલ્ડ ના છે તો તેમને કાર્ડિયોગ્રામ રીપોર્ટ બતાવીએ. આ સિવાય એક રેડિયોલોજીસ્ટ મિત્ર છે તેમને એક્ષરે પણ બતાવીએ. તેઓએ સલાહ નુસાર બતાવતા, બન્ને ડોક્ટરે જે કહ્યું તે જાણી પેલા દાદા ના દીકરાને આંચકો લાગ્યો. હકીકતમાં તે દાદા ને ગેસ ટ્રબલ જ હતી, અન્ય કોઈ મુશ્કેલી ના હતી.

    વાત જાણ્યા બાદ અમો ડોક્ટરને મળ્યાં, કે અમારે ૩ દિવસ નથી રેહવું અમને રાજા આપો. તેઓ તેમણે કહ્યું રાજા લઇ શકો છો, પરંતુ તમે પેકેજ લીધું હોય કોઈ પૈસા રીફંડ નહિ મળે. મારી તાત્કાલિક સારવાર ને કારણે તેમને સારું થયું છે, હવે તમે ૩ દિવસ પછી કે આજે જ્યારે લઇ જવાં હોય ત્યારે લઇ જઈ શકો છો.
    અમોએ કોઇપણ રીફંડ લીધાં વિના તેમને ઘરે તે જ દિવસે પાછા લઇ ગયેલ.

    (ખાસ જણાવાનું કે આ ફીલ્ડ સાથે તે સમયે હું ૨૦ વર્ષથી વધુ સમય જોડાયેલ હતો અને આજે પણ તે જ ફીલ્ડ સાથે જોડાયેલ છું.) આવા અનેક ડૉ. ના અનુભવ અમને છે.

    Like

    • આપની વાત સાચી છે, ખરાબ અનુભવોની ચર્ચા વધુ થાય છે – મારી આ પોસ્ટ જ જુઓ, એ ડોક્ટરે વ્યવસ્થિત ઈલાજ કર્યો હોત અને ક્વચિત વ્યવસ્થિત થઈ ગયો હોત તો પોસ્ટ લખવાની જરૂર જ ન પડી હોત, કે એ ડોક્ટરની સારી બાજુ વિશે ભાગ્યે જ લખવાનું વિચાર્યું હોત કારણ કે આપણે એમ માનીને ચાલીએ છીએ કે ઈલાજ કરવો તેમની ફરજ છે.

      પરંતુ પોતાની ફરજ વ્યવસ્થિત રીતે બજાવતા સારા ડોક્ટરો પણ એટલા જ છે, એમના વિશે પણ ચર્ચા અને ઉદાહરણો આપવા જોઈએ જેથી લોકો એવા ડોક્ટરો તરફ વધુ જાય. આ ફીલ્ડ સાથે જોડાયેલા હોવ તો આપનો એ દિશામાં પ્રયાસ હોવો ઘટે.

      પ્રતિભાવ બદલ આભાર.

      Like

  8. આવા અનુભવ દરેક શહેર અને ગામમાં થતા જ રહે છે. આજના સમયમાં મોટા ભાગના ડૉકટરો બિલકુલ પૈસા અને માત્ર પૈસા પાછળ જ દોડે છે અને બિમાર અને તેના સગા વ્હાલાઓને એવા બિવડાવે કે તે ગમેતે ખર્ચ કરવા અરે કરજ કરીને પણ તૈયાર થઈ જતા હોય છે. અહિ જામનગરમાં પણ સુપર હોસ્પિટલને નામે કસાઈખાના ખુલ્યા છે તેમાં દાખલા થયા એટલે કતલ માટે તૈયાર જ રહેવાનું. હજારો રૂપિયાની સગવડ કરવાની અને જો મેડી ક્લીઈમ હોય તો ડોકટરેને બખા ! આ વિષે તો જેટલું લખાય તે ઓછું પડે તેમ છે.

    Like

    • મેડીક્લેઈમ એ હવે સર્વગુણસંપન્ન દર્દીની નિશાની છે – એવા દર્દી જેને માટે બધા ડોક્ટરો માનતા રાખતા હશે – મેડીક્લેઈમ હોય, અને ઈલાજ વિશે ખબર ઓછી પડતી હોય…
      અમારી કંપનીના બધા જ કર્મચારીઓના મેડીક્લેઈમ છે અને એ વળી કેશલેસ નથી, ઈલાજ થયા પછી એમને લગભગ રોજ ઈ-મેલ કરો ત્યારે અને જાતજાતના સવાલ જવાબ પછી નસીબ સારૂ હોય તો માંડ અમુક ટકા મંજૂર કરે, જાણે ઉપકાર કરતા હોય તેમ. સુવિધા વધારવા લીધેલ મેડીક્લેઈમ તકલીફમાં વધારો જ કરે છે.

      આપની વાત સાચી છે, આ વિશે લખાય એટલું ઓછું છે.

      પ્રતિભાવ બદલ આભાર.

      Like

  9. લેભાગુ ડૉક્ટરોની આખી ફોજ ઊતરી પડી છે અને દર્દીને ડરાવી ધમકાવીને ખર્ચાના ખાડામાં ઊતારવાની જાણે હોડ લાગી છે.

    થોડાં વર્ષો પહેલા વરસાદના દિવસોમાં મારા પપ્પાને અશક્તિ આવી ગઈ હતી ત્યારે એક ડૉકટરે કાર્ડિયોગ્રામ કાઢીને તરત જ આઈસીયુમાં એડમિટ કરવા અને નહીં કરો તો ગંભીર પરિણામ (પપ્પા થોડા દિવસના મહેમાન એ અર્થમાં…!) ભોગવવાની તૈયારી કરવાની વાત કરીને મને ડરાવાનો પ્રયત્ન કર્યો હતો.

    હું ડરવાને બદલે પપ્પાને બીજા ડોકટર પાસે લઈ ગયો અને તેમણે મને કહ્યું કે ડરવાની જરૂર નથી. શરીરમાં પાણી ઓછું (ડિહાઈડ્રેશન) થયું છે તેથી અશક્તિ છે અને ખાંડ+મીઠાવાળું પાણી થોડી થોડી વારે પીવડાવવાનું કહ્યું અને દવા લખી આપી જે જરૂર પડે તો જ આપવાનું કહ્યું.

    કહેવાની જરૂર ખરી કે બીજા ડોકટરની વાત સાચી પડી…

    સારા ખરાબ લોકો બધે જ હોય છે. બ્લૉગ જગતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલા બ્લૉગ કન્ટેન્ટ થેફ્ટ કે કોઈ બીજા ગુના સર વર્ડપ્રેસ વાળાએ ડિલિટ કર્યા તેની યાદી વર્ડપ્રેસ પાસેથી મળી શકે છે પણ એમ સી આઈ પાસેથી કેટલા ડૉકટરોના લાયસનસ જપ્ત થતા તે માહિતી નહીં મળે, કારણ કે થયા જ નથી!

    Like

    • વિનયભાઈ,

      ગત વર્ષોની અને અત્યારની સરખામણી કરો તો ચિત્ર ધરમૂળથી બદલાઈ ગયું છે, પહેલા બે ત્રણ ડોક્ટરોના નામ આખા શહેરમાં ગૂંજતા અને તેમનો જ ઈલાજ આખાય શહેરને સાચવતો જ્યારે હવે ગલીએ ગલીએ ડોક્ટરો છે, સેવાનો વ્યવસાય ધંધો થઈ જાય તો સાથેની બદીઓ પણ આવવાનીજ. એમ સી આઈ જેવી સંસ્થાઓમાં જ એટલુ રાજકારણ હોય છે કે તેમને બીજાઓ વિશે વિચારવાની ક્યાં ફુરસદ છે?

      પ્રતિભાવ બદલ આભાર.

      Like

  10. દાખલો ૧
    એક મિત્રનો ફોન આવ્યો કે આપડા પેલા મિત્રનો નાનો આદમી ગુજરી ગયો છે, બોરિવલીના સ્મશાને પહોંચી જાઓ. હું પહોંચી ગયો. બીજા પંદર વીસ માણસો પણ અલગ અલગ પરામાં થી પહોંચી ગયા હતા. બે કલાક રાહ જોઈ લાશને લઈને આવવાવાળ આવ્યા નહી. કોઇએ ફોન કર્યો હશે તો ચર્ચા ચાલુ થઈ ગઈ. વાત એમ બની હતી કે ૨૨ વરસના આ છોકરાને પડી જવાથી માથામાં તકલીફ થઈ ગઈ હતી અને મોટી હોસ્પિરઅલમાં દાખલ કરેલો પણ બચી શક્યો નહી. ઘરે લાશ આવ્યા પછી ખબર પડી કે આનું શરીર આટલુ ખાલી કેમ લાગે છે ? સ્થાનિક ડોક્ટરે કિધુ કે અંદરના અંગો કાઢી લેવામાં આવ્યા છે. શું કરવું મુજાઈ ગયા. એના સોની સમાજના આગેવાનોએ હોસ્પિટલમા અને પોલિસમાં ઘણા ફોન કર્યા. બીજા વગદાર માંણસો પાસે ફોન કરાવ્યા. પણ કાંઈ વળ્યુ નહી. પછી નક્કી કર્યુ કે જે થઈ ગયુ ઈ થઈ ગયુ. પરાણે અંગદાન થઈ ગયું એમ માનો. હવે કેસ કરી છાપે ચડવાની જરૂર નથી. ભરે હૈયે અંતિમ વિધી કરી નાખી.
    આ હતુ મહાનગરી મુંબઈ ની પ્રતિષ્ઠિત હોસ્પિટલની ચોરી નું કૌભાંડ.
    ———————
    દખલો ૨
    અમારા પરામા એક ડો. છે. મહારાષ્ટ્રમા ગર્ભનું જાતિપરિક્ષણ ગેર કાનૂની છે. આ ડો. એટલો સાહસી કે એણે પરિક્ષણ ચાલુ રાખ્યુ અને પ્રોપર મુમ્બઈ થી અને બીજા પરામાં થી લોકો એની પાસે ખાનગીમાં આવવા લાગ્યા. સ્થાનિક લોકો ને તકલીફ પડી. કોઇ ને કોઇ સગપણ યા ઓળખાણને નાતે આવી ટપકે અને સ્ત્રી વર્ગને કહે કે ચાલો અમારી સાથે ડૉ.ને મળવા. ઘણું ચાલ્યુ, પણ એક બે દરોડા પછી અને હવે તંત્ર કડક થવા થી બંધ થઈ ગયુ હોય એવુ લાગે છે.
    આ હતો ડો.નો લોભ જે માનવતા અને કાયદાને પણ ઘોળીને પિય જાય છે.
    ———-
    દાખલો ૩
    ભાવનગરમાં એક ડો. હતા. જેને પણ પેટમાં દુખે એને એપેન્ડિક્સનુ ઓપરેશન કરી નાખતા. મોટી ઉમરની સ્રી હોય તો જાત જાતના બહાને ગર્ભાશયની કોથળીનું ઓપરેશન કરી નાખતા. એની ઉમરની ગણતરી કરતા એ હવે રિટાયર્ડ કે પછી મરી ગયા હશે.
    દરેક ક્ષેત્રમાં ભષ્ટાચાર તો છે જ. પણ આ ક્ષેત્રમાં તો ન જ હોવો જોઈએ.

    Like

    • આ ક્ષેત્ર પણ હવે એક મોટો વ્યાપાર બનીને ઉભર્યું છે, પહેલા ડીગ્રી માટે લાખો ખર્ચવાના અને પછી દર્દીઓ પાસેથી એ જ રીતે વસૂલ કરવાના. આશા રાખીએ કે આ ક્ષેત્ર એવી બદીઓને દૂર હટાવીને આગળ આવે – લોકોને વ્યવસ્થિત રીતે ઈલાજ જેવી પ્રાથમિક સુવિધા તો મળે.

      Like

  11. ‘ડો’ શબ્દ પરથી મને એક વાત યાદ આવી ગઈ. મારા એક મિત્ર ઉચ્ચ શિક્ષણમાં નાની પોસ્ટ પર હતા. આખા ડિપાર્ટમેન્ટનાં બધાંનાં શૈક્ષણિક કામો કરી આપે. પછી એમને પીએ.ડી કરવાની ઈચ્છા થઈ. કેટલાકે મશ્કરી કરી કે હવે રહીરહીને ?!

    મિત્રે જવાબ આપેલો કે બધાંનું કામ કરીકરીને આજ સુધી ‘પાછળ’ ડો લગાડાતો હતો…હવે નામની આગળ ‘ડૉ.’ લગાડવાની ઈચ્છા છે !!

    Like

    • 🙂

      એ રીતે તો આવનારા વર્ષોમાં મારા નામની આગળ પણ ડૉ. લાગવાની શક્યતાઓ છે.

      તમારી વાત પરથી પેલી ‘ખીચડી’ સીરીયલ યાદ આવી ગઈ જેમાં પ્રફુલ્લને તેના પિતાજી ઈલાજ માટે ડોક્ટર લઈને આવવાનું કહે છે અને એ ફિઝિક્સમાં પી એચડી વાળાને લઈ આવે છે.

      Like

  12. TAMARI VYATHA VAANCHI.DUKH THAYU,PAN NAVAI NA LAGI.
    tame aa maadhyam thi tamaru dukh vyakt kari shako chho,pan garib,abhan,agyanio aa rite mari jaai,to pan koi ne padi nathi.
    ” THE WHOLE THING IS THAT K,BHAIYA SABSE BADA RUPAIYA.”
    HU AYURVEDIC Dr.CHHU.MARI 5 Yrs.PRIVATE PRACTICE + 30Yrs.Govt.JOB(P.H.C.+AYURVED DISPENSARY)MA ADADHI RATRE TATHA KHADHA-PIDHA VAGAR PAN SERVICE+SEVA KARI CHHE.
    Dr.NA VYAVSAY MA GHAR,FAMILY NE BHULI NE,DARDI NI VYATHA SATHE VANAI JAAV,TO J TAMNE LOKO SWIKARE CHHE.BAKI GOVT.JOB MA SARKAR PAGAR AAPE CHHE,CHHATTA PAN NIYAM VIRUDHH PRACTICE KARTA Dr,s PAN CHHE J.
    UPRANT KHANGI CLINIC,LEB,MEDI.STORE,M.R.,DRUGS COMPANY,HEALTH/DRUGS OFFICERs;NI YUTI GOTHVAYELI J CHHE.BHRASHTACHHAR ANANT CHHE.
    MARI SALAH CHHE K, JARURI AYURVEDIC+MODERN EMERGENCY DAVAO KOI NAJIK NA Dr.NE PUCHHI NE SAATHE J RAKHO,K JETHI AAPATTI SAMAYE UPYOGI THAI.
    — Dr.BHUPENDRA RAMANANDI.

    Like

  13. વર્ષ કયું હતું ખબર નથી કેમકે મારા જન્મ ની વાર હતી,મારો મોટા ભાઈ ણે અચાનક સ્વાસ ની તકલીફ થય ગય,બાજુ મા ઉના હતું ત્યાં ગયા,ડોક્ટરે ચેક કર્યું અને હાથ ઉંચા કરતા કહ્યું આપની પાસે હવે ૨૪ કલાક છે..વિચાર કરો એક બાપ કે જેનો એકનો એક દીકરો હોય એની માથે કેવું આભ તૂટી પડે..ભાંગેલી હાલતે મારા પાપા એ મહુવા ના એના જુના મિત્ર ડોક્ટર ને ફોન કર્યો..ત્યાં જઈ ને એમને ચેક કર્યું..બે દિવસ રોકવા કહ્યું…અને મારો ભાઈ સાજો થય ગયો..મુદ્દા ની વાત એ કે પોતાના બાળક ને સાજો કરવા માણસ જેટલો ડેસ્પરેટ હોય એ મુજબ એને હેરાન કરવા મા આવે છે…

    Like

  14. I am from Mumbai. I went to my native palce , a small town in Saurashtra, with family.
    My younger son of 3 year age was not well so we consulted a Child Specialist who runs a big hospital. He himself took an X-ray in his hospital and got some tests conducted and diognised that the child had T.B. and gave medicines to treat the disease. I was not happy with the way Doctor was treating. Worried, took flight from Rajkot to Mumbai. Consulted a padaeatrician. He sent me to a radiologist to read an X-ray. No trace of T.B. in the report. He got a small test conducted which rejcted T.B. The child got OK in few days with medicines for cough and fever.
    My padaetrician said that these greedy Doctors in small places want to earn from all sources and act themselves as radiologists, pathologists, chemists etc. and patient is last on their priority. I feel pity for the children who are being treated by such doctors and their parents coming from nearby villages.

    Like

Leave a comment