૨૯ ઓગસ્ટ ૨૦૦૭ના રોજ પીપાવાવ શિપયાર્ડમાં સિનીયર એન્જીનીયર તરીકે જોડાયો હતો, એ જોડાણને આજે આઠ આઠ વર્ષ પૂરા થયા. આમ તો પીપાવાવ પોર્ટમાં કન્સલ્ટન્સી આપતી સ્કોટ વિલ્સનમાં ૧૭ જૂન ૨૦૦૬ના રોજ સાઈટ એન્જીનીયર તરીકે આવ્યો હતો, એટલે સ્થળ તરીકે પીપાવાવમાં નવ વર્ષ પૂરા થઈને આ દસમું વર્ષ ચાલે છે, પણ હવે પીપાવાવ ડિફેન્સ એન્ડ ઑફશોર એન્જીનીયરીંગ કંપની (અને ટૂંક સમયમાં રિલાયન્સ ડિફેન્સ) સાથેના આ મારા જીવનના સૌથી મોટા વ્યવસાયિક કાર્યકાળની વાત જ અલગ છે. મહુવામાં અમારા નિવાસને પણ આ સમયમાં જ આઠ વર્ષ થશે…
અમે બેચલર્સ (અને માસ્ટર્સ) ડિગ્રી કરીને નીકળ્યા ત્યારે લોકો કહેતા, કે હવે એક જ કંપનીમાં દસ – વીસ વર્ષ રહેતા ‘કંપનીને વફાદાર’ લોકોનો સમય નથી, હવે તો એક કંપનીમાં ત્રણ વર્ષ રહી ગયા તોય ઘણું. એની સામે અને સતત નોકરી બદલવા શરૂઆતના ત્રણ વર્ષોમાં બદનામ એવા મને આ આઠ વર્ષનો મારો સમયગાળો ખરેખર આશ્ચર્યજનક લાગે છે.
સિવિલ એન્જીનીયરને જે જોઈએ એ પ્રકારના બધા જ પ્રકારના પડકારભર્યા પણ કામને અંતે સ્વસંતોષ આપે એવા પ્રોજેક્ટ્સમાં મહત્વનો ભાગ ભજવવાનો સતત અવસર મને પીપાવાવ શિપયાર્ડમાં મળતો રહ્યો છે. ઉપરીઓનો અને મેનેજમેન્ટનો મારા પર એ માટે મૂકાયેલો ભરોસો મહત્વની વાત છે. આવનારા સમયમાં પણ એ જ રીતે સંતોષપ્રદ કામ કરવા મળશે એવા ચિહ્નો દેખાઈ રહ્યાં છે. અવરોધો અને મુશ્કેલીઓ તો કામનો અભિન્ન હિસ્સો છે, એની સામે સતત ટકી રહેવાની હિંમત મળતી રહે એ જ અપેક્ષા સાથે આ નવમાં વર્ષમાં આગળ વધી રહ્યો છું. અહીંથી નોકરી બદલીને વધુ પગાર અને ઊંચી પોસ્ટ પર બહાર જવાનો ખૂબ લલચામણો વિકલ્પ ત્રણેક વખત મળ્યો છે, એ લાલચને રોકવી ખૂબ મુશ્કેલ થઈ પડી હતી, પણ છતાંય આજે અહીં રોકાઈ રહ્યો / શક્યો એ માટે મારા પરનો સિનીયર્સ અને પ્રમોટર્સનો દ્રઢ વિશ્વાસ વધુ મોટો ભાગ ભજવી ગયો.
જીવનનો એક ખૂબ મોટો ભાગ જીવાઈ ચૂક્યો છે. હું ખૂબ દ્રઢપણે માનું છું કે હું કાંઈ સિત્તેર પંચોતેર વર્ષ જીવવાનો નથી, પણ જેટલું જીવન બાકી રહ્યું છે એમાં ‘વર્ક સેટિસફેક્શન’ મહત્વનું રહેશે. એ મને રાત્રે શાંતિની ઊંઘ અને દિવસે મહેનત કરવાનો જુસ્સો આપે છે. આમ પણ રોજબરોજ જીવાતા જીવનના આ મોટા વ્યવસાયિક ભાગમાં બીજુ શું જોઈએ? આંતરીક રાજકારણ ન હોય અને પારદર્શક સ્પર્ધાત્મક્તા મળે તો બીજુ શું જોઈએ? તમારું કામ જ તમારો સંતોષ છે, એની સામે બીજી બધી વસ્તુઓ ગૌણ થઈ જાય છે.
અને જીવન છે ત્યાં સુધી… થિચ ન્હાટ હાન્હ કહે છે તેમ…. ઉંડો શ્વાસ લેતા રહીએ અને સ્મિત વેરતા રહીએ…
વધુ પગાર અને ઉંચી પોસ્ટ પર બહાર જવાના ખુબ લલચામણા ત્રણેક વીકલ્પો મળ્યા હોવાં છતાં પીપાવાવ શીપયાર્ડમાં સીનીયર એન્જીનીયર તરીકે આશ્ચર્યજનક આઠ વર્ષ સતત ટકી રહીને નવમાં વર્ષના પ્રવેશ ટાણે આપને હાર્દીક અભીનન્દન અને અનેકોનેક શુભકામનાઓ…
LikeLike
મારાથી તો ત્રણ વર્ષ થાય ને મન ઊંચું નીચું થવા લાગે 😀 અભિનંદન!!
LikeLike
જીગ્નેશભાઈ, એંજીનીઅર અને લેખક એ બન્નેને ભેગા કરી, તમારા કામ દર્મ્યાન થયેલા અનુભવો લખો અને એન અક્ષરનાદમાં મૂકો (દાવડાનું આંગણુંમાં પણ મૂકી શકો છો ઃ) ). મેં મારા અનુભવો વિષે થોડા લેખ લખ્યા છે જે મિત્રોને ખૂબ જ ગમ્યા છે.
LikeLike