‘ઓપ્ટિમમ’ જરૂરીયાતો સાથેના જીવન તરફ પ્રથમ પગલું…

અલ્પ – ઓપ્ટિમમ – લઘુત્તમ અને મહત્તમ વચ્ચેની એક એવી સ્થિતિ જેમાં જીવન સ્થિરતાપૂર્વક જીવી શકાય એટલી જરૂરીયાતો સાથે જીવનને સરળ બનાવવાની વાત વિશે લખવાનું મન હતું જ. એક શરૂઆત રૂપે પ્રથમ પોસ્ટ “સરળ જીવનની માર્ગદર્શિકા… Smile & Breathe…” લખી હતી.

એ માટે લિઓની ઝેનહેબિટ્સનો આશરો લીધેલો એ પણ ન રાખવો જોઈએ એમ લાગે છે. આપણું જીવન અને પદ્ધતિ પશ્ચિમથી ઘણી અલગ છે તો તેમની રીતો આપણે કઈ રીતે ઉપયોગી થઈ શકે? એ તો આપણે પોતે જ નક્કી કરવું પડે. એટલે હવેથી આ ક્ષેત્રમાં વિચારપૂર્વક અને વધુ સુદ્રઢ લખવું પણ પોતાના જ અનુભવ અને વિચારધારાને વળગી રહેવું એમ નક્કી કર્યું છે. પ્રસ્તુત પોસ્ટ એ દિશામાં પ્રથમ પગલું છે.

આપણું જીવન કેટલુ કોમ્પ્લેક્સ છે? જીવનને સરળ કરવા તેમાંની ગૂંચવણભરી બાબતોને દૂર કરવી જોઈએ, સરળતામાં ઉમેરો કરવો જોઈએ અને જરૂરીયાતો બને તેટલી ઓછી કરવી જોઈએ એવા પ્રાથમિક તારણો સાથે કેટલીક ટેવો, જરૂરીયાતો, માન્યતાઓ, ઈચ્છાઓ અને પદ્ધતિઓમાં ફેરફાર જરૂરી થઈ પડે છે.

મિલિયોનેર બનવાની કે સફળ થવાની ગેરેંટી આપતા અનેક પુસ્તકો ‘પોઝિટીવ થિંકીંગ’ના નામે ઉપલબ્ધ છે, પણ એ વાંચવાથી કોને ફાયદો થાય છે એ વિશે કોઈ જાણકારી નથી. મોટાભાગના પુસ્તકો પશ્ચિમની ઉપજ છે, તેમના ભાષાંતરો આપણી પાસે ઉપલબ્ધ થઈ રહ્યા છે પણ એને જોઈને લાગે છે કે એ આપણા માટે ગૂંચવણ ઓછી કરવાને બદલે વધારે છે. અને એવા પુસ્તકો આપણા ભારતીય લેખકો દ્વારા લખાયેલ હોય તો પણ મને લાગે છે કે સમયના એક નાનકડા ભાગમાં, ખૂબ નાનકડા ભાગમાં એ પુસ્તકો પોતાનો પ્રભાવ છોડે એ શક્ય છે, પરંતુ એ પ્રભાવ કે અસર અલ્પજીવી હોય છે.

હવે વાત મારી – અમારી – આપણી. પ્રયત્ન છે જીવનને સરળ કરવાનો, આ દિશામાં ફક્ત વિચારો નહીં, અનુભવો લખવાનો હેતુ છે, અને એ અનુભવો લખતા પહેલા અમલમાં મૂકવાનો પણ પ્રયત્ન કરવો છે. આ સફરમાં આપ સર્વે વડીલો અને મિત્રોનો સાથ જરૂરી છે.

જરૂરીયાતોને મિનિમાઈઝ કરવાની વાત કરતા મને અમારા પ્રોજેક્ટ મેનેજમેન્ટ દરમ્યાન શીખવવામાં આવેલ ઓપ્ટિમાઈઝેશન ઓફ રિસોર્સીસ વધુ તર્કસંગત લાગે છે. જે જરૂરી છે એવી વસ્તુઓ ન હોય તો પણ ખરીદવી, સામે પક્ષે બિનજરૂરી વ્યય ઘટાડવો આમ જરૂરીયાતોનું સ્તર મિનિમમ કે મેક્સિમમને બદલે ઓપ્ટિમમ રાખવું.

બૃહદ અર્થમાં મિનિમલિઝમ અથવા લઘુત્તમ જરૂરીયાતો સાથેનું જીવન એ કરકસર નથી, એ પોતાની જરૂરીયાતોને ઓળખીને વધારાની બાબતોને કાઢી નાખવાની વાત છે. મારી આ દિશામાં વિચારધારાને મારા આ અંગત બ્લોગના માધ્યમથી અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન મારા પોતાના માટે પણ એક ‘ચેક’ પોઈન્ટ બની રહે એવી ઈચ્છા છે, એક માર્ગદર્શિકા જેનો દરેક જરૂરત સમયે ઉપયોગ કરી શકાય.

જરૂરીયાત ઓછી કરવાની દિશામાં એક એક પગલાં વિચારપૂર્વક લેવાના થાય છે, અને એમાં મારો સૌપ્રથમ પ્રયત્ન છે સમયના ઓપ્ટિમમ ઉપયોગનો.

તો બે અગત્યના નિર્ણયો…

ટીવી જોવાનો સમય ઘટાડીને ફક્ત એક કલાક કરવો, વધેલા સમયમાં પરિવાર સાથે બેસવું, ચાલવા જવું વગેરે… જો કે આ નિર્ણયમાંથી હાલમાં હાર્દીને બાકાત રખાઈ છે અને તેને તેનો એક કલાકનો સાંજે CN માટે મળતો સમય યથાવત રખાયો છે.  અને (છેલ્લા ચાર મહીનાથી કંપની તરફથી મળેલ ટવેરામાં પીપાવાવ જતા સતત વાગતા ગીતને લીધે) છૂટી ગયેલ વાંચન ફરી શરૂ કરવું. એ રીતે લખવાનો સમય પણ વધશે અને છેલ્લા થોડાક દિવસથી ખોરંભે પડેલુ પુસ્તક ‘251 અનોખી અને ઉપયોગી વેબસાઈટ્સ’ સમાપ્ત કરવાનું કામ હાથમાં લેવાશે. એ ઉપરાંત સવાઈબેટ વિશેની ડોક્યુમેન્ટરી તથા અન્ય નવા વિચારેલા પણ કદી શરૂ ન કરી શકાયેલ પ્રોજેક્ટ્સ હાથ પર લેવા.

અને

રોજ સવારે નોકરીએ / શાળાએ પહોંચવાની દોડાદોડી ટાળવા અને પ્રાત:કાર્યો સરળતાથી પૂરા કરવા પૂરતો સમય મળી રહે તે રીતે જાગવું. રોજ સવારે 6.00 વાગ્યે અચૂક ઉઠી જવું. દોડવાનું શરૂ કરવું, કાર્તિકભાઈના બ્લોગ દ્વારા દોડવાની પદ્ધતિ અને ક્ષમતાઓ વગેરે વિશે માહિતિ મળતી રહે છે, એ જ દિશામાં આગળ વધવાની ઈચ્છા છે, રોજ દોડવા જવું. નોંધવાલાયક બાબત એ છે કે દોડવા માટે ગયા અઠવાડીયે મારા જ એક સહકર્મચારી અમૃતભાઈને હા પાડ્યા પછી અને સવારે પાંચ વાગ્યે બે દિવસ તેમનો ફોન આવ્યા છતાં ઉંઘ ઉડી નહોતી અને કંટાળીને તેમણે દોડવાનું છોડી દીધું છે એ પણ ફરી શરૂ કરાવવાનો પ્રયત્ન કરવો છે. આ માટે રેફરન્સ કમ્પ્લીટ રનિંગની વેબસાઈટ પરથી તથા રનર્સ રિસોર્સ પરથી મળી રહી છે.

આ જ અનુસંધાને પિનટરેસ્ટ પર બે ઉપયોગી ફોટા અને કડી પિન કરી છે…

દોડવાનું શરૂ કરવાની તારીખ છે 15 ઓગસ્ટ….

Advertisements

13 thoughts on “‘ઓપ્ટિમમ’ જરૂરીયાતો સાથેના જીવન તરફ પ્રથમ પગલું…

  • હા, એ ખરું, વહેલા ઉઠવું એ જ પહેલો ધ્યેય છે… દોડવાનું તો પછી શરૂ થશે. અહીં મહુવાના ગાંધીબાગમાં ઘણાં દોડવીરો રોજ સવારે ભેગા થાય છે… એમને જોઈન કરવાનો વિચાર છે. પણ એ પહેલા સ્નિકર્સ, હાફપેન્ટ વગેરે જેવી થોડીક ખરીદી કરવાની પણ ઈચ્છા ખરી… 🙂

   Like

 1. તમારા નોકરીના સ્થળ અંગે જાણ્યું ત્યારે મને હતું જ કે તમે એ મુસાફરીકાળનો ઉપયોગ વાચનમાં કરતા હશો ! પણ ગીતોને બાજુ પર મૂકીને તે જ નિર્ણય પર આવ્યા તે સારું જ કર્યું…

  વર્ષો પહેલાં કોઈકે લખેલું કે દરરોજ ફક્ત બે કલાક વહેલા જાગવાથી મહીનાના ૬૦ કલાકનું આયુષ્ય મળે છે ! એટલે કે મહિને દહાડે ત્રણ દિવસનું આયુષ્ય વધે ! (દરરોજના ૧૮ કલાક જાગૃતિ ગણવાના હિસાબે) અર્થાત્ એક વરસનું ૩૬ દિવસનું આયુષ્ય–બોનસ !

  હું નોકરી પર હતો ત્યારથી આજથી લગભગ ૧૨–૧૩ વરસથી સવારે પાંચ વાગે જાગું છું. (છેલ્લા એકાદ વરસથી તો સવારે ૪.૫૦ મીનીટે) પછી ૫.૦૦થી ૫.૩૦ દરરોજ ઝડપથી ચાલીને ૫.૫૫ આસપાસ કમ્પ્યુટર પર !! દરરોજ લગભગ ૪૫ મીનીટ બાબારામદેવ ચીંધ્યા પ્રાણાયામ પણ ખરા જ.

  જરૂરીયાતની વાત તો આગળના તમારા હપતામાં લખીશું પરંતુ તમારા આ બહુ કિંમતી આરંભને ટાણે વિનોબાજીની વ્યસન અંગેની એક વ્યાખ્યા યાદ કરાવી દઉં –

  “જેના વિના બહુ જ સહજ ને સારી રીતે જીવી શકાય તે જ વસ્તુ વિના જીવવું અઘરું થઈ પડે તેને વ્યસન કહેવાય છે !”

  શુભેચ્છાઓ !

  Like

  • હા, છેલ્લા ચારેક મહીનાથી વાંચવાની એ આદત છૂટી ગઈ હતી, પણ આજે ડ્રાઈવરને કહેવાઈ ગયું છે કે ટેપ શક્ય હોય ત્યાં સુધી બંધ જ રાખવું, સિવાય કે સાઈટ પર એ ફ્રી હોય… આજે આ પોસ્ટ કરી અને આજે જ ગોપાલકાકાનું મોકલેલ કુમારના જૂના અંકો ભરેલ આખુંય ખોખું એસ.ટી પાર્સલ સર્વિસમાં રાજુલા આવી પહોંચ્યુ. એટલે જોગ-સંજોગ…

   થોડામાં ઘણું કહી દેતા વિનોબાજી એ થોડાને જીવી પણ બતાવતા એ હિસાબે તેમને અને ગાંધીજીને ખરા અર્થમાં મિનિમલિસ્ટ કહી શકાય. પ્રેક્ટિકલ રીતે આજના સમયમાં મિનિમલિસ્ટ નહીં તો ઓપ્ટિમિસ્ટિક જીવન તો જીવવાનો પ્રયત્ન કરી જ શકીએ.

   પ્રતિભાવ બદલ આભાર. વિચાર વિનિમયનું આ અનોખુ માધ્યમ હાથવગું અને માર્ગદર્શક થઈ પડ્યું છે એ વાતનો આનંદ છે.

   Like

 2. શ્રી જીગ્નેશભાઈ ઘણા સમય પેહલા ડાયરી લાખ તો હતો લગભગ ૪ વર્ષ પેહલા પરંતુ કોઈ ને કોઈ લખેલી ડાયરી વાંચે અને ફરી મને જ એ વાત કહે એમાં ઘરની વ્યક્તિ તો થીક પરંતુ મેહમાનો આવે તો એ પણ વાંચે, એટલે તો આવી સમસ્યાનું શું કરવું.
  અને એક વાર મને ગુસ્સો આવ્યો અને બધાજ પેઇઝ ફાડી નાખ્યા. હવે એ ડાયરી તો પડી છે પરંતુ ધૂળ ખાઈ છે.

  Like

 3. સવારે વહેલા ઉઠવું, વાંચન કરવું ,યોગ અને પ્રાણાયામ કરવા ,દોડવાં કે ચાલવા જવું આ પણ એક સરસ વસ્તુ છે અને જેમ આપણે અમુકવાર કહીએ છીએ કે “આ વ્યસન છુંટતું નથી ? ” તેમ ઉપર ની વસ્તુ ઓ પણ એક વાર ચાલુ થઇ જાય પછી એક વ્યસન (સારું વ્યસન ) બની જાય છે અને જીવન પર્યંત ઉપયોગી રહે છે .કોઈ પણ કામ ની સરુઆત થોડી કઠીન હોય છે પણ શરુ કર્યા પછી તે આસાન લાગે છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s