‘સર્જન’ વોટ્સએપ ગૃપના નિયમો (અપડેટેડ)

Sarjan Whatsapp group logo

નિયમો –

 1. સર્જન વોટ્સએપ ગૃપ માઇક્રોફિક્શન વાર્તા પ્રકારને વિકસાવવા તેમજ એ પ્રકારને શીખવા માટે સર્જન ગૃપની રચના કરવામાં આવી છે. માટે અહીં બીજા કોઈ પણ પ્રકારના સાહિત્ય સ્વરૂપ મૂકીને ગૃપને રંજાડશો નહીં.
 2. ગૃપમાં સક્રિય રહો. નિષ્ક્રીય મેમ્બરોને ગૃપમાં સ્થાન નથી. નવા મેમ્બરોને શિખવા, જાણવા, માણવા પુરતો સમય ગાળો ફાળવવામાં આવે છે. ગૃપમાં જોડાયેલા સભ્યોએ અઠવાડીયે ઓછામા ઓછી એક માઈક્રોફિક્શન મૂકવી જરૂરી છે, અપવાદરૂપ કિસ્સાઓને બાદ કરતા એક વોર્નિંગ પછી આવા સભ્યને બંને ગૃપમાંથી દૂર કરાશે.
 3. ‘ગ્રુપમાં કઈ થીમ ચાલે છે?’ એ જાતે જાણ્યા બાદ એજ થીમની પોસ્ટ મૂકવી. એ સિવાયની બીજી કોઇ પોસ્ટ વચ્ચે મૂકવી નહીં. ગૃપની થીમ અને આયોજન મુજબ માઈક્રોફિક્શન સર્જન કરવું અને. અપાયેલ ફોર્મેટ મુજબ અને સમયે સબમિટ કરવી.
 4. ગૃપમાં કોઈ પણ મેમ્બર, એડમિન, મૉડરેટરના જન્મદિવસના, કોઈની કંઈ સિધ્ધીના, હોળી, દિવાળી કે બીજા કોઈ તહેવારોના તેમજ ગુડ મોર્નીંગ, આફ્ટરનુન, કે શુભરાત્રી વગેરેના મેસેજ મૂકવા નહીં. ગૃપમાં માઈક્રોફિક્શન સિવાયની ચર્ચા ન કરવી.
 5. જેમ બને તેમ ઓછી પોસ્ટમાં વધુ વાતો કરવાનો પ્રયત્ન કરવો. ઇમોજીનો વધુ ઉપયોગ કરવો નહીં.
 6. અન્ય મેમ્બરોની વાર્તા પર પ્રતિભાવ આપવામાં કંજૂસી ના કરશો. આહ, વાહ, ઉત્તમ, સરસ જેવા એકાક્ષરી શબ્દો કે ઇમોજી મૂકવાને બદલે તમને શું ગમ્યું? કેમ ગમ્યું? એ વિસ્તારપૂર્વક લખીને તમારી કલમને ધાર કાઢજો. ભૂલ હોય તો વિનમ્રતા સે.. બતાવજો. તમારી માઈક્રોફિક્શન મૂકવાની સાથે અન્ય સભ્યોની રચનાઓ વિશે ચર્ચા કરશો અને તમારો મત આપશો તો સર્જન એક ગૃપ તરીકે વધુ ખીલશે.
 7. કોઈ પણ મેમ્બર પાસેથી પર્સનલ મેસેજમાં પ્રતિભાવ કે સુઝાવ માંગવો નહીં. ગૃપમાં તમારી વાર્તાને પ્રતિભાવ સામેથી, સ્વેચ્છાએ મળે તો આનંદ માણવો. પ્રતિભાવ નથી મળ્યો એટલે મુંઝાવું નહીં.
 8. પ્રશંસા કે ટીકા થાય તો એ માત્ર વાર્તા માટે થતી હોય છે. મેમ્બરોએ બંધબેસતી પાઘડી પહેરીને મનદુઃખ કરવું નહીં.
 9. ગૃપમાં કોઈ મહત્વની ચર્ચા (લંબાણપૂર્વકની) થવાની હોય એની આગોતરી જાણ કરવામાં આવે છે. એ ચર્ચામાં ભાગ લો. દરમ્યાન અધવચ્ચે બીજી પોસ્ટ મૂકીને ખલેલ પહોંચાડશો નહીં. ચર્ચામાં તમારા પ્રશ્નનો ખાતરીપૂર્વક સંતોષજનક ઉત્તર આપવામાં આવશે.
 10. જોડણી દોષ, વાક્ય દોષ પર આંખ આડા કાન કરી લેવામાં નહીં આવે. બે થી ચાર વાર ચકાસીને વાર્તા પોસ્ટ કરવી. ત્રણથી વધુ ભૂલો વાળી વાર્તાનો સ્વીકાર કરવામાં નહીં આવે.
 11. ‘૧. સર્જનઃ’ આ મુળ ગૃપ ફક્ત માઈક્રોફિક્શન ફાઇનલ પોસ્ટ કરવા માટે છે, જ્યારે ‘૨. સર્જન – ચર્ચા’ આપની કૃતિઓ પર મિત્રોના પ્રતિભાવો લેવા, તેમાં સુધારા વધારા કરવા, વ્યાકરણ, વાક્યરચના અને અન્ય ચર્ચાઓ માટે છે.
 12. તમારી માઈક્રોફિક્શન વિશે ચર્ચા કરવી હોય કે પ્રતિભાવ જોઈતા હોય તો તેને ‘૨. સર્જન – ચર્ચા ગૃપ’માં મૂકવી. એ પછી સુધારા વધારા સાથેની કૃતિ ફક્ત એક જ વખત ફાઈનલ સબમિશન વખતે મૂળ ‘સર્જન’માં, અંતિમ પરિણામરૂપ જ મૂકવી. ત્યાં ચર્ચાઓ કરવી નહીં. એકની એક માઈક્રોફિક્શન સુધારા વધારા સાથે કોઈ પણ ગૃપમાં એકથી વધુ વખત ન મૂકવી.
 13. ‘સર્જન’ગૃપ વિશે અથવા અહીંની રચનાઓ મીડીયામાં કે અન્ય ક્યાંય પણ પ્રકાશન કરતા પહેલા એડમિનની પરવાનગી લેવી જરૂરી છે. ગૃપની રચનાઓ ફેસબુક કે વોટ્સએપના અન્ય ગૃપમાં કે અન્યત્ર ક્યાંય પણ એડમિનની પરવાનગી વગર ન વહેંચવી. જાણકારી વગર આમ થવાથી એ સભ્યને વગર ચેતવણીએ ગૃપમાંથી દૂર કરાશે.
 14. પસંદગીની રચનાઓ http://aksharnaad.com પર મૂકાશે, અને એમાંથી પસંદગીની રચનાઓ સર્જન ઈ-સામયિક, અન્ય પ્રિન્ટ સામયિકો / મીડિયા, સર્જન પ્રિન્ટ પુસ્તક અથવા અન્ય પ્રકાશન વિકલ્પ મળ્યે પ્રકાશિત કરાશે.

~ એડમિન ટીમ : જીજ્ઞેશ અધ્યારૂ, ધવલ સોની, સંજય ગુંદલાવકર

જૂનાગઢમાં ભારતનું એકમાત્ર ખાનગી સાયન્સ મ્યૂઝીયમ…

એક લગ્નપ્રસંગે તા. ૧ મે ૨૦૧૬ના રોજ જુનાગઢ જવાનુંં થયેલું. એના બે દિવસ પહેલા જ શ્રી ભાવેશભાઈનો જુનાગઢથી ઈ-પુસ્તકો વિશે ચર્ચા કરવા ફોન આવ્યો, મેં કહ્યું હું બે દિવસમાં ત્યાં આવું ત્યારે મળીએ અને વિગતે વાત કરીએ..

હું લગ્નમાં હતો ત્યારથી ભાવેશભાઈ સાથે વાત થઈ, વાઘેશ્વરી માતાજી અને ભવનાથ મહાદેવના દર્શન પછી લગ્નપ્રસંગ વગેરે પૂરા કરીને તેમને મળવાનો કાર્યક્રમ ઘડ્યો. સમય અનિવાર્ય સંજોગોને લીધે પાછળ ઠેલાતો રહ્યો અને આખરે સાંજે લગભગ પાંચ વાગ્યે હું પરિવાર સાથે સાયન્સ મ્યૂઝીયમ પહોંચ્યો.

તો આ અનોખી સંસ્થાએ જૂનાગઢમાં રચ્યું છે ૧૯૯૮થી કાર્યરત ભારતનું એકમાત્ર અનોખુ ખાનગી સાયન્સ મ્યૂઝીયમ.. ઉપરાંત અહીં છે ૧૨૦ બેઠકની ક્ષમતા ધરાવતું પ્લેનેટોરીયમ, ૩ડી થિએટર જેમાંં પર્યાવરણ, ઈતિહાસ, વિઝાન અને વિશ્વના અદ્રુત સ્થાનોને આવરી લેતી ફિલ્મનો રોજ વિશેષ શો થાય છે. બહોળો અને ખૂબ વૈવિધ્યપૂર્ણ ડૉક્યુમેન્ટરી વિભાગ, ખગોળશાસ્ત્રને વિગતે સમજાવતુંં પ્રદર્શન અને મહાકાળી મંંદિર..

સ્વભાવે ખૂબ જ સરળ અને લાગણીશીલ ભાવેશભાઈ સાથે લગભગ ત્રણેક કલાક સમય ગાળ્યો, એ દરમ્યાનમાં હાર્દી અને ક્વચિતને સાયન્સ મ્યૂઝીયમ અને બ્રહ્માંડ સફર પ્રદર્શનમાંં મજા આવી ગઈ, તો ૩ડી ફિલ્મ પણ તેમને ખૂબ ગમી ગઈ. અંતે તેમના જ ગાર્ડન કેફેમાંં દહીંવડાની જ્યાફત ઉડાવાઈ. કદાચ આ પ્રથમ એવું કેફે જોયું જેની સ્વચ્છતા ઉડીને આંખે વળગે, સ્વાદ પણ અનેરો તથા જાળવણી ખૂબ જ કાળજીપૂર્વકની.. પાસે જ સરસ આંબાવાડીયું, કૉન્ફરન્સ વગેરે માટે સરસ ડૉમની વ્યવસ્થા અને ખૂબ જ શાંંતિ..

Continue reading

ઓપરેશન Vs ડાન્સ : યોગાનુયોગ

તા. ૪ નવેમ્બર ૨૦૧૫ના રોજ મારો અકસ્માત થયો, જેમાં પગનું હાડકું ભાંગ્યું, અને તા. ૫ નવેમ્બરના રોજ ઑપરેશન હતું જેમાં પગમાં પ્લેટ બેસાડી હાડકું સાંધવામાં આવ્યું. બરાબર એ જ દિવસે અને એ જ સમયે ક્વચિતની શાળાના વાર્ષિક દિવસની ઉજવણીમાં તેનો ડાન્સ હતો. ક્વચિત પ્રથમ હરોળમાં અને સેંટર સ્ટેજ પર હતો એટલે તેને મોકલવો લગભગ જરૂરી હતું, તો વળી મારી પત્નીએ ઑપરેશન વખતે હોસ્પિટલમાં હાજર રહેવું હતું.

આખરે સમજાવીને તેને ક્વચિત સાથે એ ફંક્શનમાં મોકલી, ક્વચિત પણ પપ્પા માટે રડતો ત્યાં ગયેલો. મારું ઑપરેશન ચાલુ થયું એ ફોન પ્રતિભાને ગયો એ જ સમયે ક્વચિતનો ડાન્સ શરૂ થવામાં હતો. અમે ક્વચિત નાનો હતો ત્યારથી જ તેના ડાન્સના ફેન રહ્યા છીએ, એટલે હું એકાદ દિવસ પછી જોઈ શકું એ માટે થઈને તેને મોબાઈલ દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો. આજે ફરીથી એ જ વિડીયો જોવા મળ્યો એટલે તેને વહેંચવાનું મન થયું..

જો કે અમારા બાપ દિકરા વચ્ચે આ અજબનો યોગ રચાતો રહ્યો છે. આ પહેલા પણ ક્વચિતનો જન્મ થયો એ દિવસે અમે શોર્ટફિલ્મ ગાંધી વર્સિસ મોહનનું શૂટીંગ કરેલું જેમાં મેં ગાંધીની ભૂમિકા ભજવી હતી..

એટલે બાપ દિકરામાંથી એક હોસ્પિટલમાં હોય ત્યારે બીજો પરફોર્મ કરતો હોય એવી ગોઠવણ અનાયાસ જ થઈ જાય છે એ પણ કેવો યોગાનુયોગ..

સૂરત પુસ્તકમેળામાંથી પુસ્તકોની ખરીદી..

તો આ વખતે સૂરત પુસ્તક મેળો ૨૦૧૬, જેમાં મેં સોશિઅલ મીડિયામાં સાહિત્ય અને પત્રકારત્વ એ વિષય પર મારા વિચારો જૂથચર્ચામાં પ્રસ્તુત કર્યા, એ પહેલા પાંચેક કલાક અનેકવિધ ડોમમાં ફરવા મળ્યું. લાકડીને ટેકે ધીમે ધીમે ચાલતા બધા જ ડોમની મુલાકાત લીધી અને અનેક પુસ્તકોની ખરીદી કરવામાં આવી, જેમાં

 • સંજય ચૌધરીની ‘ગિરનાર’
 • ભગવતીચરણ વર્માની ‘ચિત્રલેખા’
 • જૉસેફ મૅકવાનની ‘મારી પરણેતર’
 • ભા. દ. ખેરની ‘યુગદ્રષ્ટા’ જે ચાણક્ય પર આધારિત છે.
 • સુરેશ દલાલ સંપાદિત ‘બૃહદ ગુજરાતી કાવ્યસમૃદ્ધિ’
 • ઓશોના ‘ધમ્મપદ’ પરના પ્રવચનોનો ચાર પુસ્તકોનો સેટ
 • ઓશોના ‘બુદ્ધ’ પરના પ્રવચનોની છ ડીવીડીનો સેટ
 • ઓશોના ‘ગીતા’ પરના પ્રવચનોની ચાર ડીવીડીનો સેટ
 • હરકિશન મહેતાની ‘સંભવ અસંભવ’
 • અશ્વિની ભટ્ટની ‘અંગાર’નો ત્રણ પુસ્તકોનો સેટ

આ સાથે મારી પાસે હરકિશન મહેતા અને અશ્વિની ભટ્ટના બધા પુસ્તકોનો સેટ પૂરો થયો હોય એમ લાગે છે, ધ્રુવ ભટ્ટના બધા પુસ્તકોનો સેટ મારી પાસે છે જ..

અનેક પુસ્તકો લેવામાં આવ્યા અને આ વખતે પણ ખર્ચનો વિચાર બાજુએ મૂકી દેવામાં આવ્યો. ‘હાજી કાસમની વીજળી’ એ પુસ્તક હજુ પણ મળી શક્યું નથી. ધમ્મપદ વિશેના ઓશોના વિચારો વાંચવાનું શરૂ કરી દેવાયું છે, અને એ ખરીદી સાર્થક નીવડી છે. તો વાચન માટે લગભગ બે મહીના ચાલે એટલો ખોરાક તો આવી ચૂક્યો છે.. ત્યાર બાદ ફરી કોઈક મેળામાં બાકીના પુસ્તકો શોધવામાં આવશે. જો કે હવે એ અનુભવાય છે કે મોટેભાગે આવા પુસ્તકમેળાઓમાં મહદંશે બધા જ સ્ટૉલ પર અમુક ચોક્કસ પુસ્તકો જોવા મળે જ! અને એ અકળાવનારું હોય છે, વળી આવા મેળાઓમાં ધર્મ પરના પુસ્તકોના પ્રચારને બદલે ધર્મનો પ્રચાર થતો હોય એવું પણ લાગે છે, જે મને તદ્દન બિનજરૂરી લાગે છે.

ઓનલાઈન ગુજરાતી પુસ્તક ખરીદી..

અંગ્રેજી પુસ્તકો ઓનલાઈન મંગાવ્યાની કોઈ નવાઈ હવે નથી રહી અને ગુજરાતી પુસ્તકો મહદંશે ભૂજથી જ મંગાવ્યા છે (૩૦ થી ૪૦ ટકા ડિસ્કાઉન્ટ અને ખૂબ સરસ પેકેજીંગ સાથે સમયસરની એસ.ટી પાર્સલ ડિલીવરી) પણ આ વખતે થયું કે ગુજરાતી પુસ્તકોની પણ ઓનલાઈન ખરીદી કરી જોઈએ..

ગયા વખતે અમેઝોન પરથી થિચ ન્હાટ હાન્હના બે અતિપ્રચલિત પુસ્તકો, The heart of Buddha’s Teaching અને The miracle of mindfulness સાથે અમીષનું Scion of Ikshvaku મંગાવ્યા હતા.

ગુજરાતી પુસ્તકો માટે અમેઝોન પર શું કામ જવું એમ વિચારી ધૂમખરીદી.કોમ પર પહેલી વાર લટાર મારી. પુસ્તકોનું કલેક્શન સરસ છે… પાંચ પુસ્તકોનો ઓર્ડર આપ્યો.. જેમાં,

વાર્તાવિશેષ – હિમાંશી શેલત
વિશ્વકક્ષાની ગુજરાતી વાર્તાઓ..
રખે વિસરાય ગુજરાતી સાહિત્યની આ સદાબહાર વાર્તાઓ
વીણેલી નવલિકાઓ – પન્નાલાલ પટેલ
ગુજરાતી પ્રતિનિધિ વાર્તાઓ..

Dhoomkharidi.com પર ખરીદી સરળ રહી.. ગુજરાતી પુસ્તકો માટે એ અમેઝોનથી ઓછી નથી..

અફસોસ, જે પુસ્તક ક્યાંય ઓનલાઈન ખરીદવા ન મળ્યું તે.. શ્રી હિમાંશી શેલતનો વાર્તાસંગ્રહ ‘એ લોકો’ (ઈ.સ.૧૯૯૭) – ગુર્જર ગ્રંથરત્નની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ નથી..

નિષ્ફળતાના આનુષંગિક લાભ – જે. કે. રોલિંગ

અકસ્માતને લીધે પથારીમાં પડ્યા પડ્યા યૂટ્યૂબ પર સહજ સર્ફિંગ કરતા ‘હેરી પોટર’ લેખિકા જે. કે. રોલિંગનો આ મજેદાર અને અનુભવસભર સુંદર વિડીયો જોવા મળ્યો. હાવર્ડ યુનિવર્સિટીના 2008 બેચના કમેન્સમેન્ટ કાર્યક્રમમાં તેમણે આ સુંદર સ્પીચ આપી છે… નિષ્ફળતાઓને સહજતાથી પચાવી સફળતા માટે સતત પ્રયત્નશીલ રહેવાનો સુંદર સંદેશ એ આપે છે.. શીર્ષક છે નિષ્ફળતાના આનુષંગિક લાભ

આશા છે આપને પણ આ ગમશે…

પીપાવાવ શિપયાર્ડમાં આઠ વર્ષ…

૨૯ ઓગસ્ટ ૨૦૦૭ના રોજ પીપાવાવ શિપયાર્ડમાં સિનીયર એન્જીનીયર તરીકે જોડાયો હતો, એ જોડાણને આજે આઠ આઠ વર્ષ પૂરા થયા. આમ તો પીપાવાવ પોર્ટમાં કન્સલ્ટન્સી આપતી સ્કોટ વિલ્સનમાં ૧૭ જૂન ૨૦૦૬ના રોજ સાઈટ એન્જીનીયર તરીકે આવ્યો હતો, એટલે સ્થળ તરીકે પીપાવાવમાં નવ વર્ષ પૂરા થઈને આ દસમું વર્ષ ચાલે છે, પણ હવે પીપાવાવ ડિફેન્સ એન્ડ ઑફશોર એન્જીનીયરીંગ કંપની (અને ટૂંક સમયમાં રિલાયન્સ ડિફેન્સ) સાથેના આ મારા જીવનના સૌથી મોટા વ્યવસાયિક કાર્યકાળની વાત જ અલગ છે. મહુવામાં અમારા નિવાસને પણ આ સમયમાં જ આઠ વર્ષ થશે…

અમે બેચલર્સ (અને માસ્ટર્સ) ડિગ્રી કરીને નીકળ્યા ત્યારે લોકો કહેતા, કે હવે એક જ કંપનીમાં દસ – વીસ વર્ષ રહેતા ‘કંપનીને વફાદાર’ લોકોનો સમય નથી, હવે તો એક કંપનીમાં ત્રણ વર્ષ રહી ગયા તોય ઘણું. એની સામે અને સતત નોકરી બદલવા શરૂઆતના ત્રણ વર્ષોમાં બદનામ એવા મને આ આઠ વર્ષનો મારો સમયગાળો ખરેખર આશ્ચર્યજનક લાગે છે.

સિવિલ એન્જીનીયરને જે જોઈએ એ પ્રકારના બધા જ પ્રકારના પડકારભર્યા પણ કામને અંતે સ્વસંતોષ આપે એવા પ્રોજેક્ટ્સમાં મહત્વનો ભાગ ભજવવાનો સતત અવસર મને પીપાવાવ શિપયાર્ડમાં મળતો રહ્યો છે. ઉપરીઓનો અને મેનેજમેન્ટનો મારા પર એ માટે મૂકાયેલો ભરોસો મહત્વની વાત છે. આવનારા સમયમાં પણ એ જ રીતે સંતોષપ્રદ કામ કરવા મળશે એવા ચિહ્નો દેખાઈ રહ્યાં છે. અવરોધો અને મુશ્કેલીઓ તો કામનો અભિન્ન હિસ્સો છે, એની સામે સતત ટકી રહેવાની હિંમત મળતી રહે એ જ અપેક્ષા સાથે આ નવમાં વર્ષમાં આગળ વધી રહ્યો છું. અહીંથી નોકરી બદલીને વધુ પગાર અને ઊંચી પોસ્ટ પર બહાર જવાનો ખૂબ લલચામણો વિકલ્પ ત્રણેક વખત મળ્યો છે, એ લાલચને રોકવી ખૂબ મુશ્કેલ થઈ પડી હતી, પણ છતાંય આજે અહીં રોકાઈ રહ્યો / શક્યો એ માટે મારા પરનો સિનીયર્સ અને પ્રમોટર્સનો દ્રઢ વિશ્વાસ વધુ મોટો ભાગ ભજવી ગયો.

જીવનનો એક ખૂબ મોટો ભાગ જીવાઈ ચૂક્યો છે. હું ખૂબ દ્રઢપણે માનું છું કે હું કાંઈ સિત્તેર પંચોતેર વર્ષ જીવવાનો નથી, પણ જેટલું જીવન બાકી રહ્યું છે એમાં ‘વર્ક સેટિસફેક્શન’ મહત્વનું રહેશે. એ મને રાત્રે શાંતિની ઊંઘ અને દિવસે મહેનત કરવાનો જુસ્સો આપે છે. આમ પણ રોજબરોજ જીવાતા જીવનના આ મોટા વ્યવસાયિક ભાગમાં બીજુ શું જોઈએ? આંતરીક રાજકારણ ન હોય અને પારદર્શક સ્પર્ધાત્મક્તા મળે તો બીજુ શું જોઈએ? તમારું કામ જ તમારો સંતોષ છે, એની સામે બીજી બધી વસ્તુઓ ગૌણ થઈ જાય છે.

અને જીવન છે ત્યાં સુધી… થિચ ન્હાટ હાન્હ કહે છે તેમ…. ઉંડો શ્વાસ લેતા રહીએ અને સ્મિત વેરતા રહીએ…

ઇન્ક્રીમેન્ટ.. પ્રમોશન મોહ છે..

બાલ્કનીના
કુંડામાં વાવેલા
મનીપ્લાન્ટને
ફૂટી
એક કુંપણ
ને
મને પ્રશ્ન થયો

આ વખતે
‘કેટલું ઇન્ક્રીમેન્ટ મળશે?’

* * * *

તમારી ક્ષમતાઓ
આવડત
ધગશ
સમર્પણ
પ્રમાણિકતાની
અવગણના
તમે કરશો નહીં
તમારી કંપનીનું
મેનેજમેન્ટ
એ જાતે જ કરી લેશે..

* * * *

વરસાદ – ત્યારે અને અત્યારે

નાના હતા ત્યારે વરસાદ આવતો એટલે ચડ્ડીભેર ગારો ખૂંદતા નહાવા નીકળી પડતા,  કાગળની હોડી વહેળામાં તરતી મૂકતા, વહેતા પાણીમાં પથ્થર કૂદાવતા દેડકી રમતા, Continue reading

અંત આરંભ (નવલકથા) – હરકિસન મહેતા

Ant Aarambh Harkishan Mehtaહરકિસન મહેતાની કેટકેટલી નવલકથાઓ વર્ષોથી વાંચતો આવ્યો છું.. પીળા રૂમાલની ગાંઠ, જગ્ગા ડાકુના વેરના વળામણાં, જોગ સંજોગ, જડ ચેતન વગેરે…

પણ આ શ્રેણીમાં બાકી રહી ગયેલી ‘અંત આરંભ’ હમણાં વડોદરા ક્રોસવર્ડમાં દેખાઈ, ફોન પર પત્નીને પૂછીને ખાત્રી કરાઈ કે એ પહેલા ખરીદાઈ કે વંચાઈ નથી, એટલે તત્કાલ રૂ. ૯૦૦/-માં ખરીદાઈ અને પીપાવાવ જતાં આવતા બસમાં વાંચવામાં આવી.

હરકિસન મહેતાની પોતાની આગવી અદા છે જે લગભગ તેમની દરેક નવલકથામાં ઝળકે છે, મારા લાંબા સમયના નવલકથા વાંચનમાં ‘અંત આરંભ’ સરળ વાંચન બની રહ્યું. મહેતા સાહેબની નવલકથાઓ લાર્જર ધેન લાઈફ હોય છે, ચમત્કારી સાધુઓ, દેશને સ્પર્શતી વાતો, સતત સર્જાતા યોગાનુયોગ વચ્ચે ઝડપભેર વહેતી વાર્તા વિચારમાં તો મૂકી જ જાય છે. સબળ સ્ત્રી પાત્રો અને તેમની વાર્તામાં સતત ગર્વિષ્ઠ હાજરી પણ મહેતા સાહેબની વિશેષતા છે. અને જેમ અશ્વિની ભટ્ટ સાહેબની નવલકથા વાંચ્યા પછી પાત્રો અને વાર્તા મન પર છાપ મૂકી જાય તેવું જ મહેતા સાહેબની રચનાઓ માટે પણ ખરું.. સુરીલી વાઘેશ્વરી, વીરાંગના, બીજ હોય કે ઈશ્વરી, પાત્રો યાદ રહી જાય, તેમનું ખૂબ ચોક્કસ વર્ણન, વિશેષતાઓ અને પાત્ર આંખ સામે ખડું થઈ જાય એવું સરસ પાત્રાલેખન છે.

બે ભાગમાં અને લગભગ નવસો પાનામાં વિસ્તરેલી આ વાર્તા માણવી ગમે એવી છે.. હવે વાંચવાની લાઈનમાંના પુસ્તકો છે ચંદ્રકાંત બક્ષી સાહેબની ‘પડઘા ડૂબી ગયા’ અને પિંકીબેન દલાલની ‘એક ચાલ તારી, એક ચાલ મારી’

ABCD 2 – ડાન્સથી લથબથ..

ABCD 2 poster.jpeg

ABCD 2 poster” by Source. Licensed under Fair use via Wikipedia.

આજે મહુવાના એકમાત્ર જોવાલાયક થિયેટરમાં ABCD 2 જોઈ. ડાન્સથી લથબથ આ ફિલ્મ જોવા ડાન્સ માટે ગાંડપણ જેવો પ્રેમ હોવો જરૂરી છે, કારણ કે આ અન્ય ફિલ્મોથી એ વિષયવસ્તુને લીધે જ અલગ છે. ABCD ભાગ ૧ કરતા વાર્તા થોડી નબળી છે, પાત્રો સ્પષ્ટપણે ઉપસતા નથી, પણ ડાન્સ ભાગ ૧ કરતા વધારે છે. તેને હેપ્પી ન્યૂ યર સાથે પણ સરખાવાઈ હતી પણ એ હથોડા કરતા આ ફિલ્મ ક્યાંય સારી છે.

મહુવામાં ફિલ્મ જોવી એ સજા જેવું જ છે, થિએટરમાં જાવ એટલે અહીં સખત ગરમી સ્વાભાવિક છે. તદ્દન સાંકડી અને ફાટેલી સીટ અને મોબાઈલથી સતત ફ્લેશ ઝળકાવીને ફોટો પાડ્યા કરતા લોકો… પણ છતાંય કહેવું પડે એકમાત્ર ફિલ્મ જોવાલાયક થિયેટર…

વાર્તા સત્યકથા પર આધારિત છે અને રેમો તેનો પૂરો યશ ફિલ્મની શરૂઆતમા અને અંતમાં નાલાસોપારાના એ ફિક્ટીશીયસ ગૃપને આપે છે જેમણે બૂગીવૂગી અને ઈન્ડીયા’સ ગોટ ટેલેન્ટમાં પોતાની કળા પ્રસ્તુત કરેલી અને છેલ્લે લાસ વેગાસમાં હિપહોપ ડાન્સ કોમ્પિટીશનમાં ૨૦૧૨માં ભાગ લીધેલો.

ABCD ભાગ ૧ અને ABCD ૨ માં સમાનતા જોઈએ તો બંને ફિલ્મમાં ડાન્સની સ્પર્ધાની જ વાત છે, બંનેમાં ધર્મેશ, લૉરેન, પુનીત અને પ્રભુદેવા છે. ફિલ્મમાં વરુણ કે શ્રદ્ધા ન હોત તો પણ કોઈ જ ફરક ન પડ્યો હોત, કારણ વરુણના ડાન્સની ખામીઓ અન્ય એક્સપર્ટ ડાન્સરોના ગૃપમાં ઢંકાઈ જાય છે અને શ્રદ્ધા તો ફક્ત હીરોઈનની જરૂરત પૂરી કરવા જ આવે છે. ફીમેલ લીડ ડાન્સ તો લૉરેન જ કરી જાય છે.

મને તો ફિલ્મ જોવાની મજા આવી, ગણપતિનું સરસ રીતે રીમિક્સ કરી ડાન્સ માટે કોરિઓગ્રાફ કરેલું ગીત, રેપ સ્વરૂપમાં શ્લોકો અને અંતમાં વંદેમાતરમનું રીમિક્સ નવું સ્વરૂપ જોવાની મજા આવી.. એ જ વસ્તુને જો નકારાત્મક રીતે જુઓ તો લાગે કે શ્લોકોને કે ગીતને આમ વેસ્ટર્નાઈઝ કરવાની જરૂર શું? મને લાગે છે કે શ્લોકો અને ગીતનો આ રીતે સુંદર ઉપયોગ કર્યો એ જોવું જોઈએ બાકી વાંધા કાઢવા ક્રિટિક્સ માટે જ જરૂરી છે..

નબળી વાર્તા, ચાલી જાય તેવા ડાયલોગ્સ અને અભિનય કરવાનો પ્રયત્ન કરતા વરુણ અને શ્રદ્ધા જેવા સ્ટાર્સને સહન કરી શકવા માટે ઈન્ટરનેશનલ કક્ષાનો ડાન્સ દર્શાવતા અનેક વિભાગો ફિલ્મની નબળાઈ ઢાંકી દે છે, કોરીઓગ્રાફી સરસ છે, રેમો ભલે ડાયરેક્શન ન કરી શકે પણ ભારતની ડાન્સ ફિલ્મને તેમણે એક ઈન્ટરનેશનલ ક્લાસ આપ્યો એ ચોક્કસ છે. એક સાથે ઘણા બધા ડાન્સ, સરસ કોરિઓગ્રાફી અને સચિન જીગરનું સંગીત મજા કરાવે છે..

મોબાઈલથી પ્રથમ પોસ્ટ

સંપૂર્ણપણે મોબાઈલ દ્વારા કરાયેલી આ પોસ્ટ મારા સેમસંગ ગેલેક્સી નોટ 4 દ્વારા પોસ્ટનો આ પહેલો પ્રયાસ છે.

નોટ4 ના ઈનબિલ્ટ ગુજરાતી IME દ્વારા સરસ ઇનપુટ કરી શકાય છે. પણ છતાંય લાંબા લખાણ માટે આ પદ્ધતિ અગવડભરી છે.

લાંબી મુસાફરી દરમિયાન આ વિકલ્પ ઉપલબ્ધ હોવાથી સર્જન પ્રક્રિયા આગળ વધતી રહે છે એ તેની વિશેષતા છે. આ રીતે વધુ પોસ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.

ઘરવાપસી…

ના, આ રાજકીય રીતે ગરમાગરમ મુદ્દો છે એ ઘરવાપસીની વાત નથી, પણ મારા આ ઘરબ્લોગની વાત છે. આજે અચાનક જોયું તો ખ્યાલ આવ્યો કે અહીં પોસ્ટ કર્યે મહીનાઓ વીતી ગયા છે.

અતિશય વ્યસ્તતા અને અધધધ ભારણ છતાંય અહીં આવવાની ઇચ્છા રોકી શકવી અશક્ય છે. એટલે હવે અહીં નિયમિત લખવા કાંઈક અલગ પદ્ધતિ રાખવી પડશે…

આજે ઘરવાપસી થઈ, હવે અહીં રોકાવું પડશે.

અમદાવાદ પુસ્તકમેળામાંથી ખરીદેલા પુસ્તકોની યાદી…

પ્રસ્તુત છે અમદાવાદ પુસ્તકમેળામાંથી મેં ખરીદેલા પુસ્તકોની યાદી…

ચૂંટેલા નિબંધો – કિશનસિંહ ચાવડા
ગુજરાતી સાહિત્યકાર કોશ – ડૉ. કિરીટ એચ. શુક્લ
સ્વપ્નવાસવદત્તમ – વિનુભાઈ પટેલ
અવિસ્મરણીય ભાગ ૨, ૩ અને ૪ – ઇશા કુંદનિકા
રંગભૂમી ૨૦૧૨ – ઉત્પલ ભાયાણી
ગેબી ગિરનાર – અનંતરાય જી. રાવલ
ગિરનારના સિદ્ધ યોગીઓ – અનંતરાય જી. રાવલ
સૌરાષ્ટ્રની રસધાર (બધા ભાગ) – ઝવેરચંદ મેઘાણી
રણમલ લાખા – ગુણવંતરાય આચાર્ય
ઝંખે છે સાથ ભવોભવનો – સુરેશ અને અલકા પ્રજાપતિ
જય હો – જય વસાવડા
મા – મેક્સિમ ગોર્કી અનુ. અતુલ સવાણી
ટૉલ્સ્ટૉયની ૨૩ વાર્તાઓ – જિતેંન્દ્ર દેસાઈ
ગાંધીબાપુ (ફુદસિયા જેદીના ‘ગાંધીબાબા’નો અનુવાદ)
હિંદ સ્વરાજ્ય – મો. ક. ગાંધી
વીસરાતી વિરાસત – જેમ્સ હિલ્ટન, અનુ. ચિન્મય જાની
લોહીની સગાઈ – ઈશ્વર પેટલીકર
બક્ષીનામા – ચંદ્રકાન્ત બક્ષી
લવલી પાન હાઉસ – ધ્રુવ ભટ્ટ
સમુદ્રાન્તિકે – ધ્રુવ ભટ્ટ
જિબ્રાનની જીવનવાણી – ધૂમકેતુ
ક્લીઓપેટ્રા – રાઈગર હોગાર્ડ
કાર્યક્રમનું સંચાલન કઈ રીતે કરશો?
હું પાછો આવીશ

ઑડીયો સી.ડી.
કાવ્ય સંગીત સમારોહ ૨૦૧૧ (ગુજરાત સમાચાર અને સમન્વય પ્રસ્તુત)
અવસર અવાજનો.. રમેશ પારેખની કવિતા – સ્વર અંકિત ત્રિવેદી

ઉપરાંત હાર્દી માટે નવનીતના સટૉલમાંથી ‘જાણવા જેવું’ સામાન્ય જ્ઞાનનું પુસ્તક તથા મારે માટે ઈતિહાસનો અનોખો ખજાનો આપતું ‘હિસ્ટી રીવાઈંડ’ નામનું દળદાર અંગ્રેજી પુસ્તક લેવાયું. ઉપરાંત અનેકો સૂચિપત્રો, નિ:શુલ્ક મળતી નાની પુસ્તિકાઓ અને અન્ય સંદર્ભ સાહિત્ય વગેરે લેવાયા.

ઘણા મિત્રોએ આ સૂચી માંગી હતી એટલે એ અહીં મૂકી છે.