‘સર્જન’ વોટ્સએપ ગૃપના નિયમો (અપડેટેડ)

Sarjan Whatsapp group logo

નિયમો –

 1. સર્જન વોટ્સએપ ગૃપ માઇક્રોફિક્શન વાર્તા પ્રકારને વિકસાવવા તેમજ એ પ્રકારને શીખવા માટે સર્જન ગૃપની રચના કરવામાં આવી છે. માટે અહીં બીજા કોઈ પણ પ્રકારના સાહિત્ય સ્વરૂપ મૂકીને ગૃપને રંજાડશો નહીં.
 2. ગૃપમાં સક્રિય રહો. નિષ્ક્રીય મેમ્બરોને ગૃપમાં સ્થાન નથી. નવા મેમ્બરોને શિખવા, જાણવા, માણવા પુરતો સમય ગાળો ફાળવવામાં આવે છે. ગૃપમાં જોડાયેલા સભ્યોએ અઠવાડીયે ઓછામા ઓછી એક માઈક્રોફિક્શન મૂકવી જરૂરી છે, અપવાદરૂપ કિસ્સાઓને બાદ કરતા એક વોર્નિંગ પછી આવા સભ્યને બંને ગૃપમાંથી દૂર કરાશે.
 3. ‘ગ્રુપમાં કઈ થીમ ચાલે છે?’ એ જાતે જાણ્યા બાદ એજ થીમની પોસ્ટ મૂકવી. એ સિવાયની બીજી કોઇ પોસ્ટ વચ્ચે મૂકવી નહીં. ગૃપની થીમ અને આયોજન મુજબ માઈક્રોફિક્શન સર્જન કરવું અને. અપાયેલ ફોર્મેટ મુજબ અને સમયે સબમિટ કરવી.
 4. ગૃપમાં કોઈ પણ મેમ્બર, એડમિન, મૉડરેટરના જન્મદિવસના, કોઈની કંઈ સિધ્ધીના, હોળી, દિવાળી કે બીજા કોઈ તહેવારોના તેમજ ગુડ મોર્નીંગ, આફ્ટરનુન, કે શુભરાત્રી વગેરેના મેસેજ મૂકવા નહીં. ગૃપમાં માઈક્રોફિક્શન સિવાયની ચર્ચા ન કરવી.
 5. જેમ બને તેમ ઓછી પોસ્ટમાં વધુ વાતો કરવાનો પ્રયત્ન કરવો. ઇમોજીનો વધુ ઉપયોગ કરવો નહીં.
 6. અન્ય મેમ્બરોની વાર્તા પર પ્રતિભાવ આપવામાં કંજૂસી ના કરશો. આહ, વાહ, ઉત્તમ, સરસ જેવા એકાક્ષરી શબ્દો કે ઇમોજી મૂકવાને બદલે તમને શું ગમ્યું? કેમ ગમ્યું? એ વિસ્તારપૂર્વક લખીને તમારી કલમને ધાર કાઢજો. ભૂલ હોય તો વિનમ્રતા સે.. બતાવજો. તમારી માઈક્રોફિક્શન મૂકવાની સાથે અન્ય સભ્યોની રચનાઓ વિશે ચર્ચા કરશો અને તમારો મત આપશો તો સર્જન એક ગૃપ તરીકે વધુ ખીલશે.
 7. કોઈ પણ મેમ્બર પાસેથી પર્સનલ મેસેજમાં પ્રતિભાવ કે સુઝાવ માંગવો નહીં. ગૃપમાં તમારી વાર્તાને પ્રતિભાવ સામેથી, સ્વેચ્છાએ મળે તો આનંદ માણવો. પ્રતિભાવ નથી મળ્યો એટલે મુંઝાવું નહીં.
 8. પ્રશંસા કે ટીકા થાય તો એ માત્ર વાર્તા માટે થતી હોય છે. મેમ્બરોએ બંધબેસતી પાઘડી પહેરીને મનદુઃખ કરવું નહીં.
 9. ગૃપમાં કોઈ મહત્વની ચર્ચા (લંબાણપૂર્વકની) થવાની હોય એની આગોતરી જાણ કરવામાં આવે છે. એ ચર્ચામાં ભાગ લો. દરમ્યાન અધવચ્ચે બીજી પોસ્ટ મૂકીને ખલેલ પહોંચાડશો નહીં. ચર્ચામાં તમારા પ્રશ્નનો ખાતરીપૂર્વક સંતોષજનક ઉત્તર આપવામાં આવશે.
 10. જોડણી દોષ, વાક્ય દોષ પર આંખ આડા કાન કરી લેવામાં નહીં આવે. બે થી ચાર વાર ચકાસીને વાર્તા પોસ્ટ કરવી. ત્રણથી વધુ ભૂલો વાળી વાર્તાનો સ્વીકાર કરવામાં નહીં આવે.
 11. ‘૧. સર્જનઃ’ આ મુળ ગૃપ ફક્ત માઈક્રોફિક્શન ફાઇનલ પોસ્ટ કરવા માટે છે, જ્યારે ‘૨. સર્જન – ચર્ચા’ આપની કૃતિઓ પર મિત્રોના પ્રતિભાવો લેવા, તેમાં સુધારા વધારા કરવા, વ્યાકરણ, વાક્યરચના અને અન્ય ચર્ચાઓ માટે છે.
 12. તમારી માઈક્રોફિક્શન વિશે ચર્ચા કરવી હોય કે પ્રતિભાવ જોઈતા હોય તો તેને ‘૨. સર્જન – ચર્ચા ગૃપ’માં મૂકવી. એ પછી સુધારા વધારા સાથેની કૃતિ ફક્ત એક જ વખત ફાઈનલ સબમિશન વખતે મૂળ ‘સર્જન’માં, અંતિમ પરિણામરૂપ જ મૂકવી. ત્યાં ચર્ચાઓ કરવી નહીં. એકની એક માઈક્રોફિક્શન સુધારા વધારા સાથે કોઈ પણ ગૃપમાં એકથી વધુ વખત ન મૂકવી.
 13. ‘સર્જન’ગૃપ વિશે અથવા અહીંની રચનાઓ મીડીયામાં કે અન્ય ક્યાંય પણ પ્રકાશન કરતા પહેલા એડમિનની પરવાનગી લેવી જરૂરી છે. ગૃપની રચનાઓ ફેસબુક કે વોટ્સએપના અન્ય ગૃપમાં કે અન્યત્ર ક્યાંય પણ એડમિનની પરવાનગી વગર ન વહેંચવી. જાણકારી વગર આમ થવાથી એ સભ્યને વગર ચેતવણીએ ગૃપમાંથી દૂર કરાશે.
 14. પસંદગીની રચનાઓ http://aksharnaad.com પર મૂકાશે, અને એમાંથી પસંદગીની રચનાઓ સર્જન ઈ-સામયિક, અન્ય પ્રિન્ટ સામયિકો / મીડિયા, સર્જન પ્રિન્ટ પુસ્તક અથવા અન્ય પ્રકાશન વિકલ્પ મળ્યે પ્રકાશિત કરાશે.

~ એડમિન ટીમ : જીજ્ઞેશ અધ્યારૂ, ધવલ સોની, સંજય ગુંદલાવકર

ઓપરેશન Vs ડાન્સ : યોગાનુયોગ

તા. ૪ નવેમ્બર ૨૦૧૫ના રોજ મારો અકસ્માત થયો, જેમાં પગનું હાડકું ભાંગ્યું, અને તા. ૫ નવેમ્બરના રોજ ઑપરેશન હતું જેમાં પગમાં પ્લેટ બેસાડી હાડકું સાંધવામાં આવ્યું. બરાબર એ જ દિવસે અને એ જ સમયે ક્વચિતની શાળાના વાર્ષિક દિવસની ઉજવણીમાં તેનો ડાન્સ હતો. ક્વચિત પ્રથમ હરોળમાં અને સેંટર સ્ટેજ પર હતો એટલે તેને મોકલવો લગભગ જરૂરી હતું, તો વળી મારી પત્નીએ ઑપરેશન વખતે હોસ્પિટલમાં હાજર રહેવું હતું.

આખરે સમજાવીને તેને ક્વચિત સાથે એ ફંક્શનમાં મોકલી, ક્વચિત પણ પપ્પા માટે રડતો ત્યાં ગયેલો. મારું ઑપરેશન ચાલુ થયું એ ફોન પ્રતિભાને ગયો એ જ સમયે ક્વચિતનો ડાન્સ શરૂ થવામાં હતો. અમે ક્વચિત નાનો હતો ત્યારથી જ તેના ડાન્સના ફેન રહ્યા છીએ, એટલે હું એકાદ દિવસ પછી જોઈ શકું એ માટે થઈને તેને મોબાઈલ દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો. આજે ફરીથી એ જ વિડીયો જોવા મળ્યો એટલે તેને વહેંચવાનું મન થયું..

જો કે અમારા બાપ દિકરા વચ્ચે આ અજબનો યોગ રચાતો રહ્યો છે. આ પહેલા પણ ક્વચિતનો જન્મ થયો એ દિવસે અમે શોર્ટફિલ્મ ગાંધી વર્સિસ મોહનનું શૂટીંગ કરેલું જેમાં મેં ગાંધીની ભૂમિકા ભજવી હતી..

એટલે બાપ દિકરામાંથી એક હોસ્પિટલમાં હોય ત્યારે બીજો પરફોર્મ કરતો હોય એવી ગોઠવણ અનાયાસ જ થઈ જાય છે એ પણ કેવો યોગાનુયોગ..

સૂરત પુસ્તકમેળામાંથી પુસ્તકોની ખરીદી..

તો આ વખતે સૂરત પુસ્તક મેળો ૨૦૧૬, જેમાં મેં સોશિઅલ મીડિયામાં સાહિત્ય અને પત્રકારત્વ એ વિષય પર મારા વિચારો જૂથચર્ચામાં પ્રસ્તુત કર્યા, એ પહેલા પાંચેક કલાક અનેકવિધ ડોમમાં ફરવા મળ્યું. લાકડીને ટેકે ધીમે ધીમે ચાલતા બધા જ ડોમની મુલાકાત લીધી અને અનેક પુસ્તકોની ખરીદી કરવામાં આવી, જેમાં

 • સંજય ચૌધરીની ‘ગિરનાર’
 • ભગવતીચરણ વર્માની ‘ચિત્રલેખા’
 • જૉસેફ મૅકવાનની ‘મારી પરણેતર’
 • ભા. દ. ખેરની ‘યુગદ્રષ્ટા’ જે ચાણક્ય પર આધારિત છે.
 • સુરેશ દલાલ સંપાદિત ‘બૃહદ ગુજરાતી કાવ્યસમૃદ્ધિ’
 • ઓશોના ‘ધમ્મપદ’ પરના પ્રવચનોનો ચાર પુસ્તકોનો સેટ
 • ઓશોના ‘બુદ્ધ’ પરના પ્રવચનોની છ ડીવીડીનો સેટ
 • ઓશોના ‘ગીતા’ પરના પ્રવચનોની ચાર ડીવીડીનો સેટ
 • હરકિશન મહેતાની ‘સંભવ અસંભવ’
 • અશ્વિની ભટ્ટની ‘અંગાર’નો ત્રણ પુસ્તકોનો સેટ

આ સાથે મારી પાસે હરકિશન મહેતા અને અશ્વિની ભટ્ટના બધા પુસ્તકોનો સેટ પૂરો થયો હોય એમ લાગે છે, ધ્રુવ ભટ્ટના બધા પુસ્તકોનો સેટ મારી પાસે છે જ..

અનેક પુસ્તકો લેવામાં આવ્યા અને આ વખતે પણ ખર્ચનો વિચાર બાજુએ મૂકી દેવામાં આવ્યો. ‘હાજી કાસમની વીજળી’ એ પુસ્તક હજુ પણ મળી શક્યું નથી. ધમ્મપદ વિશેના ઓશોના વિચારો વાંચવાનું શરૂ કરી દેવાયું છે, અને એ ખરીદી સાર્થક નીવડી છે. તો વાચન માટે લગભગ બે મહીના ચાલે એટલો ખોરાક તો આવી ચૂક્યો છે.. ત્યાર બાદ ફરી કોઈક મેળામાં બાકીના પુસ્તકો શોધવામાં આવશે. જો કે હવે એ અનુભવાય છે કે મોટેભાગે આવા પુસ્તકમેળાઓમાં મહદંશે બધા જ સ્ટૉલ પર અમુક ચોક્કસ પુસ્તકો જોવા મળે જ! અને એ અકળાવનારું હોય છે, વળી આવા મેળાઓમાં ધર્મ પરના પુસ્તકોના પ્રચારને બદલે ધર્મનો પ્રચાર થતો હોય એવું પણ લાગે છે, જે મને તદ્દન બિનજરૂરી લાગે છે.

ઓનલાઈન ગુજરાતી પુસ્તક ખરીદી..

અંગ્રેજી પુસ્તકો ઓનલાઈન મંગાવ્યાની કોઈ નવાઈ હવે નથી રહી અને ગુજરાતી પુસ્તકો મહદંશે ભૂજથી જ મંગાવ્યા છે (૩૦ થી ૪૦ ટકા ડિસ્કાઉન્ટ અને ખૂબ સરસ પેકેજીંગ સાથે સમયસરની એસ.ટી પાર્સલ ડિલીવરી) પણ આ વખતે થયું કે ગુજરાતી પુસ્તકોની પણ ઓનલાઈન ખરીદી કરી જોઈએ..

ગયા વખતે અમેઝોન પરથી થિચ ન્હાટ હાન્હના બે અતિપ્રચલિત પુસ્તકો, The heart of Buddha’s Teaching અને The miracle of mindfulness સાથે અમીષનું Scion of Ikshvaku મંગાવ્યા હતા.

ગુજરાતી પુસ્તકો માટે અમેઝોન પર શું કામ જવું એમ વિચારી ધૂમખરીદી.કોમ પર પહેલી વાર લટાર મારી. પુસ્તકોનું કલેક્શન સરસ છે… પાંચ પુસ્તકોનો ઓર્ડર આપ્યો.. જેમાં,

વાર્તાવિશેષ – હિમાંશી શેલત
વિશ્વકક્ષાની ગુજરાતી વાર્તાઓ..
રખે વિસરાય ગુજરાતી સાહિત્યની આ સદાબહાર વાર્તાઓ
વીણેલી નવલિકાઓ – પન્નાલાલ પટેલ
ગુજરાતી પ્રતિનિધિ વાર્તાઓ..

Dhoomkharidi.com પર ખરીદી સરળ રહી.. ગુજરાતી પુસ્તકો માટે એ અમેઝોનથી ઓછી નથી..

અફસોસ, જે પુસ્તક ક્યાંય ઓનલાઈન ખરીદવા ન મળ્યું તે.. શ્રી હિમાંશી શેલતનો વાર્તાસંગ્રહ ‘એ લોકો’ (ઈ.સ.૧૯૯૭) – ગુર્જર ગ્રંથરત્નની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ નથી..

મોબાઈલથી પ્રથમ પોસ્ટ

સંપૂર્ણપણે મોબાઈલ દ્વારા કરાયેલી આ પોસ્ટ મારા સેમસંગ ગેલેક્સી નોટ 4 દ્વારા પોસ્ટનો આ પહેલો પ્રયાસ છે.

નોટ4 ના ઈનબિલ્ટ ગુજરાતી IME દ્વારા સરસ ઇનપુટ કરી શકાય છે. પણ છતાંય લાંબા લખાણ માટે આ પદ્ધતિ અગવડભરી છે.

લાંબી મુસાફરી દરમિયાન આ વિકલ્પ ઉપલબ્ધ હોવાથી સર્જન પ્રક્રિયા આગળ વધતી રહે છે એ તેની વિશેષતા છે. આ રીતે વધુ પોસ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.

ઘરવાપસી…

ના, આ રાજકીય રીતે ગરમાગરમ મુદ્દો છે એ ઘરવાપસીની વાત નથી, પણ મારા આ ઘરબ્લોગની વાત છે. આજે અચાનક જોયું તો ખ્યાલ આવ્યો કે અહીં પોસ્ટ કર્યે મહીનાઓ વીતી ગયા છે.

અતિશય વ્યસ્તતા અને અધધધ ભારણ છતાંય અહીં આવવાની ઇચ્છા રોકી શકવી અશક્ય છે. એટલે હવે અહીં નિયમિત લખવા કાંઈક અલગ પદ્ધતિ રાખવી પડશે…

આજે ઘરવાપસી થઈ, હવે અહીં રોકાવું પડશે.

દાવડા સાહેબની ‘મળવા જેવા માણસ’ શ્રેણીમાં મારો પરીચય…

શ્રી પી. કે. દાવડા સાહેબની ઈ-મેલ શ્રેણી ‘મળવા જેવા માણસ’ ના એક મણકામાં તેમણે મારો વિગતે પરીચય અને અક્ષરનાદની વાત મૂકી. મારા જેવા પાર્ટ ટાઈમ શોખ ખાતર અક્ષરનું સેવન કરતા માણસ માટે તો આ ખૂબ મોટી વાત કહેવાય. વળી તેમની આ શ્રેણીમાં અત્યાર સુધી જેમનો પરિચય આવ્યો  છે એ બધાંય વડીલો છે, ઉંમરના એક એવા પડાવ પર પહોંચ્યા છે જે અનુભવમાં અને સમજણમાં મારાથી ક્યાંય મોટા છે… Continue reading

R.I.P. હસુભાઈ…

Crushed Car

આમ તો આ પોસ્ટ અનેક અન્ય રાહ જોઈ રહેલ સમાચારો અને વિષયો પર મૂકી શકાઈ હોત, પરંતુ ગત તા. ૨૯ ડીસેમ્બરના રોજ સાત વર્ષથી મારી સાથે કામ કરનાર સહકર્મચારી મિત્ર શ્રી હસમુખભાઈ ટાંક એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા, તેમને શ્રદ્ધાંજલી અને યાદ કરવા છે.

૨૦૦૭માં પીપાવાવ શિપયાર્ડમાં નોકરી લીધી ત્યારે પહેલા દિવસથી હસમુખભાઈ સાથે હતાં, જ્યારે હું સીનીયર એન્જીનીયર હતો ત્યારે તે એન્જીનીયર હતા, અને બંનેનું પ્રમોશન થયું ત્યારે હું ડેપ્યુટી મેનેજર બન્યો અને તેઓ સીનીયર એન્જીનીયર બન્યા. અમે બંને આશા રાખી રહ્યા હતા કે મહીનાઓથી રાહ જોવાઈ રહી છે તે પ્રમોશનમાં આ વખતે તેઓ ડેપ્યુટી મેનેજર બનશે, પણ….

દ્વારકાથી દર્શન કરી ચોટીલા જતી વખતે દ્વારકા પાસે એક અકસ્માતમાં તેઓ સ્થળ પર જ મૃત્યુને ભેટ્યા, તેમની સ્વિફ્ટ ગાડી એક લક્ઝરી બસ સાથે ભયાનક રીતે અકસ્માતગ્રસ્ત થઈ ગઈ. તેમના પત્ની, તેમની ગાડીમાં સાથે બેઠેલા તેમના અને અન્ય બાળકો વગેરે બધા ગંભીર હાલતમાં દ્વારકા હોસ્પિટલમાં, ત્યાંથી જામનગર હોસ્પિટલમાં અને ત્યાંથી અંતે રાજકોટ દાખલ કરવામાં આવ્યા જ્યાં તેમનો ઈલાજ થઈ રહ્યો છે. તેમના પત્નીને હજુ પણ એ વાતનો ખ્યાલ નથી કે હસુભાઈ હવે હયાત નથી.

સતત મારી સાથે હોવાથી અને સિવિલ તથા ડ્રેજીંગના પ્રોજેક્ટ્સ પર સાથે કામ કરતા હોવાથી અમારી નિકટતા છેલ્લા વર્ષોમાં વધી હતી, એમની ગેરહાજરી દરેક ક્ષણે અને શિપયાર્ડના અમારા કામના દરેક સ્થળે વર્તાય છે. પ્રોફેશનલ જીવનમાં બહુ ઓછા લોકો એવા હોય છે જેમની સાથે મેં અંગત વાતો વહેંચી હોય અને જેમની સાથે લાગણીના સંબંધો રહ્યા હોય. આશા કરીએ કે તમે જ્યાં પણ હોવ, પ્રભુ તમને શાંતિ અને મોક્ષ બક્ષે.

R.I.P. હસુભાઈ… Miss You

સર્વકાર્યેષુ સર્વદા સેમસંગ ગેલેક્સી એસ 4 ની ખરીદી…

તો આખરે 29 એપ્રિલે ઘણા વખતથી જેની રાહ જોવાઈ રહી હતી એવો નવો એન્ડ્રોઈડ સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી એસ 4 ખરીદવામાં આવ્યો. વડોદરામાં ક્રોમામાંથી મોબાઈલ લેવા ગયો ત્યારે તેમણે જણાવ્યું કે એસ 4 એના આગલા જ દિવસે રીલીઝ થયો હતો અને હું પહેલો જ ગ્રાહક હતો.

એ પહેલા સોની એક્સપીરીયા ઝેડ, એચટીસી વન અને આઈબોલ એન્ડી જોવામાં આવ્યા પણ એ બધામાં સેમસંગનો ગેલેક્સી એસ 4 જ સૌથી વધુ સરસ અને ઉપયોગી લાગ્યો. જો કે એમ કરવા જતા 41500/- જેવી માતબર રકમ મોબાઈલ માટે અને 1700/- સેમસંગના ઓરીજનલ ફ્લિપ કવર માટે ખર્ચવા પડ્યા. Continue reading

અમારી ૭મી મેરેજ ઍનિવર્સરિ…

આજે અમારા લગ્નની ૭મી વર્ષગાંઠ છે..

નોકરીને લીધે હું પીપાવાવ છું, અને પ્રતિભા, હાર્દી અને ક્વચિત વડોદરા છે, એટલે “મેં યહાં તું વહાં…” વાળો (જો કે એટલો સીરીયસ નહીં એવો) માહોલ છે. Continue reading

‘અક્ષરનો નાદ’ સૌને સંભળાવતો એક શીક્ષકજીવ.

અક્ષરનાદ ડાઉનલોડ વિભાગમાં આ અંગેનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે, આશા છે આપ સર્વેને ઈ-પુસ્તક બનાવવાની પદ્ધતિ ઉપયોગી થઈ રહેશે…

પ્રસ્તુત પોસ્ટ બદલ જુગલકાકાનો આભાર.

મારે રહેવું ભાડાના મકાનમાં…

વિશ્વમાં મારા માટે સૌથી વધુ કંટાળાજનક પ્રક્રિયા જો હોય તો એ છે ભાડાના એક મકાનમાંથી બીજા મકાનમાં સામાન ફેરવવો.. મહુવામાં અમે ભાડે રહીએ છીએ, છેલ્લા સાડા ચાર વર્ષમાં બે મકાનોમાં રહ્યા છીએ, 14મી માર્ચથી ત્રીજા મકાનમાં પ્રવેશ કર્યો, સામાન (ભેગો કરવો, બાંધવો, ફેરવવો, છોડવો અને ગોઠવવો), દૂધવાળાને, કેબલવાળાને, હાર્દીની શાળાની વેનના ડ્રાઈવરને વગેરે વગેરેને નવા સરનામે આવવા કહેવું, પંખા – ટ્યૂબલાઈટ કાઢવા – લગાવવા જેવી અનેક બાબતો ભયાનક કંટાળો અને થાક આપે છે. Continue reading

હાર્દીનો પ્રથમ સ્ટેજ ડાન્સ

મહુવાની સેઈન્ટ થોમસ શાળામાં 21 જાન્યુઆરીના રોજ યોજાઈ ગયેલ વાર્ષિકોત્સવ – 2012 માં અમારી પુત્રી હાર્દીએ ભાગ લીધેલો અને ફિલ્મ રા.વન ના એક ગીત – ક્રિમિનલ પર એના વર્ગના ઘણા વિદ્યાર્થીઓએ નૃત્ય કર્યું. એ વિડીયો આજે પ્રસ્તુત છે…. જો કે શૂટીંગ કરવાવાળા એટલા અવ્યવસાયિક છે કે તેમણે ફક્ત વચ્ચેની એક જ હારનું શૂટીંગ કર્યા રાખ્યું છે, હાર્દી ડાબી તરફની હારમાં છેલ્લેથી ત્રીજા ક્રમે છે. રિહર્સલમાં તે પ્રથમ પંક્તિમાં હતી પણ તેના ચશ્માને લીધે શિક્ષિકાએ તેને ત્રીજી હારમાં ગોઠવી દીધેલી…

નિર્ણાયક તરીકેનો અનુભવ – અમૂલ વોલ્કેનો ૨૦૧૨ સ્કિટ સ્પર્ધા

Amul Volcano 2012 Skit Jury Momento

આણંદ શહેરમાં તા. 31 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી રોટરી ક્લબ આણંદ અને આણંદ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આંતરકોલેજ યૂથ ફેસ્ટીવલ ‘વૉલ્કેનો 2012’ નું આયોજન થયેલું. કાર્યક્રમના સ્પોંસર હતા એલિકોન, અનુપમ ઇન્ડસ્ટ્રીઝ અને ફાઉડલર. આ જ યૂથ ફેસ્ટીવલ અંતર્ગત બીજી ફેબ્રુઆરીએ સ્કિટ (પ્રહસન) સ્પર્ધા યોજાઈ ગઈ.

આ સ્પર્ધામાં મને નિર્ણાયકોની પેનલમાં પ્રહસનોને ગુણાંક આપવા માટે આમંત્રણ મળ્યું હતું. મિત્ર શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિક તથા મહેશભાઈ સાથે આ સ્પર્ધામાં મેં પરીક્ષક તરીકે ફરજ અદા કરી. સ્કિટ સ્પર્ધા પહેલા યૂથ ફેસ્ટીવલનું સુંદર થીમ ગીત રજૂ થયું અને એ પછી વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા વિષયોને સ્પર્શતા દસ મિનિટની મહત્તમ સમયમર્યદા ધરાવતા સ્કિટ રજૂ થયાં. Continue reading

નેટજગતમાં અખતરાઓ અને અવલોકનો…

બિગરોક.કોમ પર એક નવું ડોમેઈન નોંધાવવાની ઈચ્છા હતી, પણ એક મિત્રનો ગતવર્ષે ખૂબ ખરાબ અનુભવ સાંભળ્યો હતો. વધુ તપાસ કરવા તેમની સાથે ઑનલાઈન ચેટ કરી અને  આખુંય ભોપાળુ ખબર પડી. 2995 રુપિયામાં એક વર્ષ માટે અનલિમિટેડ સ્પેસ (- વિડીયો / ઑડીયો), અનલિમિટેડ બેન્ડવિડ્થ (-પ્રતિ કલાક બંધારણ) અને વધારામાં ઓનલાઈન રિવ્યુ કહે છે તેમ સપોર્ટ બહુ જ ખરાબ છે. નેમસર્વર બદલાતા દિવસ/સો લાગે છે… હોસ્ટીંગ ખરીદો તો વેબસાઈટ બનાવવા તેમનું વેબસાઈટ બિલ્ડર જ વાપરવું પડે…. લાગે છે કે સદીઓ પહેલા શકુની મામાની વેબસાઈટ ત્યાં જ બની હશે. Continue reading