સરળ જીવનની માર્ગદર્શિકા… Smile & Breathe…

આમ તો જીવન ક્યાંય સ્ટીરીયોટાઈપ, એક જ બીબામાં ઢાળ્યું ઢળાતું નથી, એ તો દરેક ક્ષણે નવી તકો, નવી વિટંબણાઓ અને નવા પડકારો સતત આપ્યા જ કરે છે. જો તમે ધ્યાન ન આપો તો એ ભયંકર રીતે ગૂંચવણભર્યું બની જાય, અને જો ધ્યાન આપો અને વ્યવસ્થિતતા લાવો તો ખૂબ સરળ અને સહજ.

મારા મનપસંબ બ્લોગર લિયો બબૌતાના બ્લોગનું સબટાઈટલ છે … Breathe અને એ તેને મળ્યું છે થિચ ન્હાટ હાનના એ વાક્ય પરથી જેમાં તે કહે છે, “સ્મિત કરો, શ્વાસ લો અને ધીરેથી આગળ વધો…” થિચ ન્હાટ હાન્ન બૌદ્ધ સાધુ છે, લેખક, કવિ, વિચારક, શિક્ષક અને વિશ્વશાંતિ માટેના કાર્યકર છે. ઝેન પરંપરાના જીવીત લોકોમાં તેઓ સૌથી પ્રભાવશાળી માનવામાં આવે છે, તેમની બીજી એક કણિકા છે, “હું શ્વાસ લઉં છું ત્યારે હું મનને અને શરીરને શાંત કરું છું અને હું શ્વાસ છોડું છું ત્યારે હું સ્મિત કરું છું, હું અત્યારે જે મળી છે તે અમૂલ્ય ક્ષણમાં જીવું છું. આપણે ધારીએ છીએ એથી ક્યાંય વધારે સંભાવનાઓ સાથે દરેક ક્ષણ આવે છે.”

ઝેન વિચારપદ્ધતિ અને લિયો બબૌતાના અનુભવોના જ પ્રતાપે હવે મેં પણ જીવનમાં થોડા બદલાવ કરવાનું નક્કી કર્યું છે. અક્ષરનાદ તો ગમતું વહેંચવાની જગ્યા છે એટલે અંગત વાતો કદાચ કોઈને એ સ્થળે યોગ્ય ન પણ લાગે, એ જ કારણે અહીં મારા વિશેના વિચારો અને વાતો લખી રહ્યો છું, કદાચ એ મિત્રોને વાંચવા – પ્રતિભાવ આપવાનું માધ્યમ બને અને ભવિષ્યમાં મારા માટે એક માર્ગદર્શિકાની ગરજ સારે….

તો હવે પછીના સમય માટેની એક નાનકડી માર્ગદર્શિકા એક To Do List… મારા માટે… જોઈએ જીવન કેટલું સરળ બની શકે છે…

ઓછું ટીવી, વધુ વાંચન
ઓછી ખરીદી, વધુ ભ્રમણ
ઓછી ગૂંચવણ અને અવ્યવસ્થા, વધુ મોકળાશ
ઓછી ભાગદોડ, વધુ ધીરજ
ઓછું બોલવું, વધુ વિચારવું
ઓછો ગુસ્સો, વધુ સ્મિત
ઓછો વેડફાટ, વધુ સર્જન
ઓછી જરૂરતો, વધુ ઉપયોગીતા
બહારનું ઓછું ખાવાનું, સાદો આહાર વધુ
ઓછી ચા-કોફી, વધુ પાણી
ઓછી ગાડી, વધુ ચાલવાનું
ભવિષ્ય વિશે ઓછું વિચારવું, વર્તમાનમાં વધુ જીવવું.
ઓછી વાતો, વધુ કામ

Breathe…

Thanks Leo (ZenHabits)

11 thoughts on “સરળ જીવનની માર્ગદર્શિકા… Smile & Breathe…

  1. પિંગબેક: ‘ઓપ્ટિમમ’ જરૂરીયાતો સાથેના જીવન તરફ પ્રથમ પગલું… « અધ્યારૂનું જગત

Leave a comment