પીપાવાવ શિપયાર્ડમાં આઠ વર્ષ…

૨૯ ઓગસ્ટ ૨૦૦૭ના રોજ પીપાવાવ શિપયાર્ડમાં સિનીયર એન્જીનીયર તરીકે જોડાયો હતો, એ જોડાણને આજે આઠ આઠ વર્ષ પૂરા થયા. આમ તો પીપાવાવ પોર્ટમાં કન્સલ્ટન્સી આપતી સ્કોટ વિલ્સનમાં ૧૭ જૂન ૨૦૦૬ના રોજ સાઈટ એન્જીનીયર તરીકે આવ્યો હતો, એટલે સ્થળ તરીકે પીપાવાવમાં નવ વર્ષ પૂરા થઈને આ દસમું વર્ષ ચાલે છે, પણ હવે પીપાવાવ ડિફેન્સ એન્ડ ઑફશોર એન્જીનીયરીંગ કંપની (અને ટૂંક સમયમાં રિલાયન્સ ડિફેન્સ) સાથેના આ મારા જીવનના સૌથી મોટા વ્યવસાયિક કાર્યકાળની વાત જ અલગ છે. મહુવામાં અમારા નિવાસને પણ આ સમયમાં જ આઠ વર્ષ થશે…

અમે બેચલર્સ (અને માસ્ટર્સ) ડિગ્રી કરીને નીકળ્યા ત્યારે લોકો કહેતા, કે હવે એક જ કંપનીમાં દસ – વીસ વર્ષ રહેતા ‘કંપનીને વફાદાર’ લોકોનો સમય નથી, હવે તો એક કંપનીમાં ત્રણ વર્ષ રહી ગયા તોય ઘણું. એની સામે અને સતત નોકરી બદલવા શરૂઆતના ત્રણ વર્ષોમાં બદનામ એવા મને આ આઠ વર્ષનો મારો સમયગાળો ખરેખર આશ્ચર્યજનક લાગે છે.

સિવિલ એન્જીનીયરને જે જોઈએ એ પ્રકારના બધા જ પ્રકારના પડકારભર્યા પણ કામને અંતે સ્વસંતોષ આપે એવા પ્રોજેક્ટ્સમાં મહત્વનો ભાગ ભજવવાનો સતત અવસર મને પીપાવાવ શિપયાર્ડમાં મળતો રહ્યો છે. ઉપરીઓનો અને મેનેજમેન્ટનો મારા પર એ માટે મૂકાયેલો ભરોસો મહત્વની વાત છે. આવનારા સમયમાં પણ એ જ રીતે સંતોષપ્રદ કામ કરવા મળશે એવા ચિહ્નો દેખાઈ રહ્યાં છે. અવરોધો અને મુશ્કેલીઓ તો કામનો અભિન્ન હિસ્સો છે, એની સામે સતત ટકી રહેવાની હિંમત મળતી રહે એ જ અપેક્ષા સાથે આ નવમાં વર્ષમાં આગળ વધી રહ્યો છું. અહીંથી નોકરી બદલીને વધુ પગાર અને ઊંચી પોસ્ટ પર બહાર જવાનો ખૂબ લલચામણો વિકલ્પ ત્રણેક વખત મળ્યો છે, એ લાલચને રોકવી ખૂબ મુશ્કેલ થઈ પડી હતી, પણ છતાંય આજે અહીં રોકાઈ રહ્યો / શક્યો એ માટે મારા પરનો સિનીયર્સ અને પ્રમોટર્સનો દ્રઢ વિશ્વાસ વધુ મોટો ભાગ ભજવી ગયો.

જીવનનો એક ખૂબ મોટો ભાગ જીવાઈ ચૂક્યો છે. હું ખૂબ દ્રઢપણે માનું છું કે હું કાંઈ સિત્તેર પંચોતેર વર્ષ જીવવાનો નથી, પણ જેટલું જીવન બાકી રહ્યું છે એમાં ‘વર્ક સેટિસફેક્શન’ મહત્વનું રહેશે. એ મને રાત્રે શાંતિની ઊંઘ અને દિવસે મહેનત કરવાનો જુસ્સો આપે છે. આમ પણ રોજબરોજ જીવાતા જીવનના આ મોટા વ્યવસાયિક ભાગમાં બીજુ શું જોઈએ? આંતરીક રાજકારણ ન હોય અને પારદર્શક સ્પર્ધાત્મક્તા મળે તો બીજુ શું જોઈએ? તમારું કામ જ તમારો સંતોષ છે, એની સામે બીજી બધી વસ્તુઓ ગૌણ થઈ જાય છે.

અને જીવન છે ત્યાં સુધી… થિચ ન્હાટ હાન્હ કહે છે તેમ…. ઉંડો શ્વાસ લેતા રહીએ અને સ્મિત વેરતા રહીએ…

Advertisements

ધ્રુવભાઈ ભટ્ટ સાથે સવાઈબેટની યાત્રા…

પોતાના પ્રિય લેખકને મળવાનો આનંદ અને ઉત્સાહ કોને ન હોય? એમાંય તમારી આસપાસના સ્થળો અને લોકો સાથે જોડાયેલા સર્જકને તેમણે જે જગ્યાઓ વર્ષો પહેલા જોઈ હતી ત્યાં લઈ જવાનો, એ સ્થળો પરની તેમની સજીવન થતી યાદોના સાક્ષી બનવાનો આનંદ અનોખો જ હોય છે.

‘સમુદ્રાન્તિકે’ વાંચ્યા બાદ ધ્રુવભાઈ ભટ્ટની સાથે શિયાળબેટ પર જવાની અદમ્ય ઇચ્છા અને તેમની આંખે વર્ષો પહેલાના શિયાળબેટ, સવાઈબેટ અને ભેંસલાની યાદો જોવાની, ભૌગોલિક ફેરફારો વિશે જાણવા-સમજવાની ઇચ્છા તેમણે સામેથી પૂરી કરી આપી. અને ગત મહીને ધ્રુવભાઈ, અદીતિબેન અને દેવવ્રતભાઈ સાથે પીપાવાવથી હોડી કરીને સવાઈબેટ પર જવા નીકળ્યા.

રસ્તામાં ધ્રુવભાઈ સાથે ઘણી વાતો થઈ, ‘સમુદ્રાન્તિકે’ વિશે, તેમાં આલેખાયેલ સ્થળો વિશે, ‘અકૂપાર’ વિશે, ‘ગીર’ વિશે અને ‘લીલાપાણી’ નેસ વિશે, કાના વિશે, અકૂપારના નાટક વિશે, સમુદ્રાન્તિકેના નાટકની તૈયારીઓ વિશે, વર્ષો પહેલાના શિયાળબેટ અને સવાઈબેટ વિશે… આમ અનેક વાતો થઈ. Continue reading

સફળતા, પ્રતિષ્ઠા, પુરસ્કાર…. મારા વ્યાવસાયિક જીવનનો સીમાસ્તંભ…

Received Motivated Employee award and praise from Group Chairman Shri. Nikhilbhai Gandhi.

પીપાવાવ ડિફેન્સ એન્ડ ઑફશોર એન્જીનીયરીંગ કંપની લિ. ના ગૄપ ચેરમેન શ્રી નિખિલભાઈ ગાંધીના હસ્તે ગત ૧૪મી ઓગસ્ટે “મોટીવેટેડ એમ્પ્લોઈ” માટેનો એવોર્ડ મને આપવામાં આવ્યો. મારા વ્યાવસાયિક જીવનની આ એક મોટી ઉપલબ્ધિ કહી શકાય કારણ કે જે કામ માટે મને આ પુરસ્કાર અપાયો તે મારા મૂળ ડોમેઈન ઉપરાંત મને વધારામાં અપાયું હતું. સિવિલ એન્જીનીયરીંગને લગતા, જીઓટેકનીકલ એન્જીનીયરીંગને લગતા કામ ઉપરાંત ડ્રેજીંગની સમગ્ર વ્યવસ્થા સંભાળવાનું કામ મને ગત વર્ષે અપાયું હતું. Continue reading

એક નાટક જે ભજવાયું નહીં…

ખૂબ ઉત્સાહ અને ધગશથી તૈયાર કરેલ હાસ્યપ્રધાન નાટક “દસ કરોડનો વીમો..” અમારી કંપનીમાં સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ યોજાનાર સાંસ્કૄતિક કાર્યક્રમમાં ભજવવાનું હતું. એ માટેની બધી જ તૈયારીઓ કરી હતી. મિત્ર હાર્દિકભાઈ યાજ્ઞિકે મોકલેલી ત્રણ સ્ક્રિપ્ટમાંથી એક પસંદ કરીને તેમાં જરૂરી ફેરફાર કર્યા, મારી સાથે પીપાવાવની મારી કંપનીમાંથી સહકર્મચારીઓ

રીપલ મકવાણા
ભાવેશ જોબનપુત્રા
મેહુલ પંડ્યા
પિનાકીન ભટ્ટ
ભાગ્યશ્રી જોશી તથા
જયેન્દ્રસિંહ જાડેજા

આ નાટકમાં વિવિધ પાત્રો ભજવવાનાં હતાં જેના માટે અમે સાત દિવસ, નોકરીના સમય દરમ્યાન રિહર્સલના મળેલા સમય ઉપરાત નોકરીના સમય સિવાય (હા, શનિવાર અને રવિવારે પણ નોકરીએ આવીને) રિહર્સલ કર્યા, એકબીજાની ખામીઓ શોધીને તેને દૂર કરવાનો પ્રયત્ન કર્યો… સ્ક્રિપ્ટને પણ મઠારી.

આખરે એ દિવસ આવ્યો જ્યારે આ નાટક ભજવવાનું હતું, અમારા પ્રયત્નને જોઈને – તેની સફળતા વિશે નિશ્ચિંત સીનીયર્સને લીધે એ નાટક અમારા ગૃપ ચેરમેન શ્રી નિખિલભાઈ ગાંધી અને એક્ઝેક્યુટીવ વાઈસ ચેરમેન શ્રી ભાવેશભાઈ ગાંધી સહિતના અન્ય બોર્ડ ડિરેક્ટર્સની સમક્ષ ભજવાય એવી રીતે શેડ્યુલ કરાયું, પણ… Continue reading

પીપાવાવમાં રામકથા…

પીપાવાવ પોર્ટ અને પીપાવાવ શિપયાર્ડનું નામ જેના પરથી પડ્યું છે તે પીપા ભગત – તેમણે સ્થાપેલ કૃષ્ણ મંદિર અને બનાવેલ વાવ જે તેમના નામે પીપા વાવ તરીકે ઓળખાય છે – ત્યાં તા. 16 થી 24 માર્ચ મોરારીબાપુની રામકથાનું આયોજન થયું છે. (માહિતિ – મોરારીબાપુની વેબસાઈટ – Moraribapu.org) Continue reading

એક સંવાદ મેનેજમેન્ટના એડવાઈઝર સાથે…

પોઝિટીવ થિંકીંગ અને લીડરશીપ – ટીમ બિલ્ડીંગ વિશે ઘણા બધા વક્તવ્યો સાંભળ્યા છે, ઘણા પુસ્તકો અને પ્રેઝન્ટેશન જોયા છે, પરંતુ ગઈ 29 ડિસેમ્બરે અમારી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંના એક અને એડવાઈઝરી બોર્ડમાં સભ્ય એવા શ્રી આર. કે. સોની સાહેબે આપેલ વક્તવ્ય ખૂબ અસરકારક અને મજેદાર રહ્યું.

અહીં આ પ્રકારના વક્તવ્યો ખૂબ ઓછા થાય છે, જે થાય એ મહદંશે ટેકનીકલ અથવા તો સેફ્ટીને લગતા અથવા મેનેજમેન્ટને લગતા જ હોય છે અને એટલે બોરીંગ થઈ પડે છે.

પણ ભારતીય મધ્યરેલ્વેમાં મહત્વપૂર્ણ સેવાઓ અને નવીન શરૂઆતો બદલ પ્રસંશા પામેલા એવા સોની સાહેબનું વક્તવ્ય શરૂ થયું એ અંગે આગલા દિવસે ઈ-મેલ મળ્યો હતો, ’50 વર્ષથી ઉપરની ઉંમરના કોઈ નહીં, મારે મિડલ મેનેજમેન્ટ લેવલના છોકરાઓ જ જોઈએ છે’ એ વાતે ઘણા સીનીયરોના મોઢા ચડી ગયેલા. અને અમને પહેલી વાર ‘ખાસ’ હોવાનો અહેસાસ થયો હતો, ત્યારથી જ બધા પૂછતા હતા, ‘લેક્ચર શેના વિશે છે ?’ Continue reading

“મરીન સિવિલ એન્જીનીયરીંગ” વિશે જી.ઈ.સી ભાવનગર ખાતે વક્તવ્ય

ગત તા. 26 સપ્ટેમ્બરે ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજ, ભાવનગર ખાતે મને “મરીન સિવિલ એન્જીનીયરીંગ” વિષય પર છેલ્લા (ચોથા) વર્ષના અને ત્રીજા વર્ષના બી.ઈ. સિવિલના વિદ્યાર્થીઓને માર્ગદર્શન, વિષયની જરૂરીયાત, ઉપયોગીતા અને ભવિષ્ય વિશે એક્સપર્ટ લેક્ચર આપવા માટે કોલેજ તરફથી મને આમંત્રિત કરાયો હતો. સિવિલ એન્જીનીયરીંગની ત્યાંની શાખા માટે આ પ્રથમ એક્સપર્ટ લેક્ચર હતું એટલે ઉત્સાહ પણ સરસ હતો અને હાજરી પણ લગભગ પૂરેપૂરી.

માસ્ટર્સ દરમ્યાન ભણવાનો ખર્ચ નીકળી રહે એ માટે એક ખાનગી એન્જીનીયરીંગ ક્લાસિસમાં મેં એક વર્ષ ચાર વિષય, (સર્વે, જીઓટેકનીકલ એન્જીનીયરીંગ, સ્ટ્રક્ચર ડિઝાઈન અને હાયડ્રોલિક્સ) ભણાવ્યા હતા. પણ આ વાત અલગ હતી, જ્યાં મારે લગભગ 180 વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રોફેસર્સ અને લેક્ચરર્સ સમક્ષ આ તદ્દન નવો વિષય મૂકવાનો હતો. મરીન સિવિલ એન્જીનીયરીંગ એ સિવિલ એન્જીનીયરીંગની કોઈ વિશેષ શાખા નથી, પરંતુ સિવિલની જ વિવિધ શાખાઓના સમૂહનો દરિયામાં, નદીમાં અથવા દરિયાકિનારે થતા બાંધકામ માટે વિકાસ અને વપરાશ પર તે આધારીત છે. Continue reading

પિપાવાવ શિપયાર્ડમાં પાંચ વર્ષ…

મેં પિપાવાવ ડિફેન્સ એન્ડ ઑફશોર એન્જીનીયરીંગ કંપની લિમિટેડ (જૂનું નામ પિપાવાવ શિપયાર્ડ લિમિટેડ, પ્રેમથી પી.એસ.એલ.) માં નોકરીના પાંચ વર્ષ 29 ઓગસ્ટે પૂરા કર્યા.

એક સમય હતો (કોલેજના મિત્રોને ખાસ યાદ હશે) જ્યારે મને સતત એવા મહેણા મારવામાં આવતા કે ‘તું ક્યાંય ટકીને રહેવાનો નથી’, ‘ક્યાંક હવે એડજસ્ટ થઈ જા.’, ‘અધ્યારૂનો દસ હજાર સેલેરી છે….’ અને પછી હસીને કહેતા ‘પર એનમ…’ કારણ કે 2001 માં મારો પહેલો પગાર હતો 800 રૂપિયા.

એ લોકો ખોટા પણ નહોતા, અને કહેવાનો તેમને પૂરેપૂરો હક હતો. એમના મહેણાં પાછળ હતી મારા માટેની, મારી કારકિર્દી માટેની તેમની ચિંતા. ભૂજની ડી.પી.ઈ.પી ની પંદર દિવસની નોકરી, વડોદરા – અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર આઠ દિવસ, દિલ્હીમાં એક વર્ષ એસ્ટિમેશન અને ટેન્ડરિંગની નોકરી કે વડોદરામાં જીઓટેકનીકલ ડિઝાઈન એન્જીનીયરની સવા વર્ષની નોકરી જેવા ટૂંકા ગાળાના અનેક કારનામા મારે નામ બોલતા હતા, પણ દરેક જગ્યાએ મને કાંઈક ને કાંઈક ખટક્યું. ક્યાંક કશુંય કામ નહોતું (જેના પ્રતાપે મારો નેટ સાથે પ્રગાઢ પરિચય થયો) તો ક્યાંક ખૂબ કામ અને જવાબદારી પણ કોઈ સત્તા નહીં, ક્યાંક નકરું રાજકારણ, ક્યાંક નેતાઓની દાદાગીરી અને લુખ્ખાગીરી તો ક્યાંક જબ્બર કરપ્શન….. જવા દો એ બધી નઠારી વાતો… Continue reading