ઓપરેશન Vs ડાન્સ : યોગાનુયોગ

તા. ૪ નવેમ્બર ૨૦૧૫ના રોજ મારો અકસ્માત થયો, જેમાં પગનું હાડકું ભાંગ્યું, અને તા. ૫ નવેમ્બરના રોજ ઑપરેશન હતું જેમાં પગમાં પ્લેટ બેસાડી હાડકું સાંધવામાં આવ્યું. બરાબર એ જ દિવસે અને એ જ સમયે ક્વચિતની શાળાના વાર્ષિક દિવસની ઉજવણીમાં તેનો ડાન્સ હતો. ક્વચિત પ્રથમ હરોળમાં અને સેંટર સ્ટેજ પર હતો એટલે તેને મોકલવો લગભગ જરૂરી હતું, તો વળી મારી પત્નીએ ઑપરેશન વખતે હોસ્પિટલમાં હાજર રહેવું હતું.

આખરે સમજાવીને તેને ક્વચિત સાથે એ ફંક્શનમાં મોકલી, ક્વચિત પણ પપ્પા માટે રડતો ત્યાં ગયેલો. મારું ઑપરેશન ચાલુ થયું એ ફોન પ્રતિભાને ગયો એ જ સમયે ક્વચિતનો ડાન્સ શરૂ થવામાં હતો. અમે ક્વચિત નાનો હતો ત્યારથી જ તેના ડાન્સના ફેન રહ્યા છીએ, એટલે હું એકાદ દિવસ પછી જોઈ શકું એ માટે થઈને તેને મોબાઈલ દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો. આજે ફરીથી એ જ વિડીયો જોવા મળ્યો એટલે તેને વહેંચવાનું મન થયું..

જો કે અમારા બાપ દિકરા વચ્ચે આ અજબનો યોગ રચાતો રહ્યો છે. આ પહેલા પણ ક્વચિતનો જન્મ થયો એ દિવસે અમે શોર્ટફિલ્મ ગાંધી વર્સિસ મોહનનું શૂટીંગ કરેલું જેમાં મેં ગાંધીની ભૂમિકા ભજવી હતી..

એટલે બાપ દિકરામાંથી એક હોસ્પિટલમાં હોય ત્યારે બીજો પરફોર્મ કરતો હોય એવી ગોઠવણ અનાયાસ જ થઈ જાય છે એ પણ કેવો યોગાનુયોગ..

Advertisements

પીપાવાવ શિપયાર્ડમાં આઠ વર્ષ…

૨૯ ઓગસ્ટ ૨૦૦૭ના રોજ પીપાવાવ શિપયાર્ડમાં સિનીયર એન્જીનીયર તરીકે જોડાયો હતો, એ જોડાણને આજે આઠ આઠ વર્ષ પૂરા થયા. આમ તો પીપાવાવ પોર્ટમાં કન્સલ્ટન્સી આપતી સ્કોટ વિલ્સનમાં ૧૭ જૂન ૨૦૦૬ના રોજ સાઈટ એન્જીનીયર તરીકે આવ્યો હતો, એટલે સ્થળ તરીકે પીપાવાવમાં નવ વર્ષ પૂરા થઈને આ દસમું વર્ષ ચાલે છે, પણ હવે પીપાવાવ ડિફેન્સ એન્ડ ઑફશોર એન્જીનીયરીંગ કંપની (અને ટૂંક સમયમાં રિલાયન્સ ડિફેન્સ) સાથેના આ મારા જીવનના સૌથી મોટા વ્યવસાયિક કાર્યકાળની વાત જ અલગ છે. મહુવામાં અમારા નિવાસને પણ આ સમયમાં જ આઠ વર્ષ થશે…

અમે બેચલર્સ (અને માસ્ટર્સ) ડિગ્રી કરીને નીકળ્યા ત્યારે લોકો કહેતા, કે હવે એક જ કંપનીમાં દસ – વીસ વર્ષ રહેતા ‘કંપનીને વફાદાર’ લોકોનો સમય નથી, હવે તો એક કંપનીમાં ત્રણ વર્ષ રહી ગયા તોય ઘણું. એની સામે અને સતત નોકરી બદલવા શરૂઆતના ત્રણ વર્ષોમાં બદનામ એવા મને આ આઠ વર્ષનો મારો સમયગાળો ખરેખર આશ્ચર્યજનક લાગે છે.

સિવિલ એન્જીનીયરને જે જોઈએ એ પ્રકારના બધા જ પ્રકારના પડકારભર્યા પણ કામને અંતે સ્વસંતોષ આપે એવા પ્રોજેક્ટ્સમાં મહત્વનો ભાગ ભજવવાનો સતત અવસર મને પીપાવાવ શિપયાર્ડમાં મળતો રહ્યો છે. ઉપરીઓનો અને મેનેજમેન્ટનો મારા પર એ માટે મૂકાયેલો ભરોસો મહત્વની વાત છે. આવનારા સમયમાં પણ એ જ રીતે સંતોષપ્રદ કામ કરવા મળશે એવા ચિહ્નો દેખાઈ રહ્યાં છે. અવરોધો અને મુશ્કેલીઓ તો કામનો અભિન્ન હિસ્સો છે, એની સામે સતત ટકી રહેવાની હિંમત મળતી રહે એ જ અપેક્ષા સાથે આ નવમાં વર્ષમાં આગળ વધી રહ્યો છું. અહીંથી નોકરી બદલીને વધુ પગાર અને ઊંચી પોસ્ટ પર બહાર જવાનો ખૂબ લલચામણો વિકલ્પ ત્રણેક વખત મળ્યો છે, એ લાલચને રોકવી ખૂબ મુશ્કેલ થઈ પડી હતી, પણ છતાંય આજે અહીં રોકાઈ રહ્યો / શક્યો એ માટે મારા પરનો સિનીયર્સ અને પ્રમોટર્સનો દ્રઢ વિશ્વાસ વધુ મોટો ભાગ ભજવી ગયો.

જીવનનો એક ખૂબ મોટો ભાગ જીવાઈ ચૂક્યો છે. હું ખૂબ દ્રઢપણે માનું છું કે હું કાંઈ સિત્તેર પંચોતેર વર્ષ જીવવાનો નથી, પણ જેટલું જીવન બાકી રહ્યું છે એમાં ‘વર્ક સેટિસફેક્શન’ મહત્વનું રહેશે. એ મને રાત્રે શાંતિની ઊંઘ અને દિવસે મહેનત કરવાનો જુસ્સો આપે છે. આમ પણ રોજબરોજ જીવાતા જીવનના આ મોટા વ્યવસાયિક ભાગમાં બીજુ શું જોઈએ? આંતરીક રાજકારણ ન હોય અને પારદર્શક સ્પર્ધાત્મક્તા મળે તો બીજુ શું જોઈએ? તમારું કામ જ તમારો સંતોષ છે, એની સામે બીજી બધી વસ્તુઓ ગૌણ થઈ જાય છે.

અને જીવન છે ત્યાં સુધી… થિચ ન્હાટ હાન્હ કહે છે તેમ…. ઉંડો શ્વાસ લેતા રહીએ અને સ્મિત વેરતા રહીએ…

બુક્સઓનક્લિક.કોમનો પ્રથમ અનુભવ..

બુક્સઓનક્લિક.કોમ વેબસાઈટના પ્રથમ અનુભવ રૂપે શ્રી અશ્વિની ભટ્ટના બે પુસ્તકો –

– નીરજા ભાર્ગવ અને
– શૈલજા સાગર

મંગાવ્યા હતા. અનુભવ સરસ રહ્યો, ચાર દિવસમાં મહુવામાં સરસ પરિસ્થિતિમાં પુસ્તકો પહોંચ્યા. હવે અહીં એક મોટો ઓર્ડર આપવામાં આવશે. આવી સરસ સગવડ ઉપલબ્ધ કરાવવા બદલ શ્રી નમન છાયાનો આભાર.

આ ખરીદી સાથે અશ્વિની ભટ્ટની નવલકથાઓમાં અંગાર, કટિબંધ અને લજ્જા સન્યાલ ખરીદવાની અને વાંચવાની બાકી રહેશે. એ ત્રણ ખરીદાયા પછી મારી લાઈબ્રેરીમાં અશ્વિનિ ભટ્ટનો આખોય સંપુટ પૂર્ણ થઈ જશે.

અત્યારે વંચાઈ રહેલ પુસ્તકોમાં ગુણવંતરાય આચાર્યની દરિયાપાર (બીજી વાર) અને પરમહંસ યોગાનંદની રચના એવી અદભુત અને આધ્યાત્મિક પુસ્તક ‘યોગી કથામૃત’ છે. એ પછી રિવ્યુ માટે આવેલા બે પુસ્તકો હાથ પર લેવામાં આવશે.

દોડ દરમ્યાન માણવાના ગીતોનું મારું પ્લેલિસ્ટ

ઈન્ટરનેટ પર આ પ્લેલિસ્ટ માટે કરેલી શોધ નિષ્ફળતામાં પરિણમી કારણ આવી બધી યાદી પૂર્ણપણે યુરોપિયન અથવા અમેરીકન લોકો દ્વારા બનાવાયેલી હતી જેમાં ભાગ્યે જ કોઈ ગીત મને ગમ્યું.

એટલે પછી મેં મારી પોતાની યાદી બનાવવાનું નક્કી કર્યું, અહીં હિન્દી – અંગ્રેજી ગીતોની ભેળસેળ છે, અને મેં જાણીતા અને ગમતા ગીતો એકઠા કરવાનો પ્રયત્ન કર્યો છે. કોલેજકાળના ગમતા ગીતો અને દોડવા માટે યોગ્ય રહે તેવા ગીતોનો એક સંગ્રહ કરવાનો આ પ્રયત્ન છે.

યાદી આ મુજબ છે. Continue reading

મહુવાના ચમત્કારી અને ‘પ્રેક્ટિકલ’ ડોક્ટર…..

આમ તો કોઈની નકારાત્મક બાજુ તરફ આંગળી ચીંધવી એ મારો સ્વભાવ નથી, પરંતુ ગત અઠવાડીયે થયેલ અનુભવે આ લખવા મજબૂર કર્યો છે. ખાસ કરીને મારા બાળકોને નિશાન બનાવી કમાવા માંગતા ડોક્ટરો વિશે હું અહીં લખી રહ્યો છું. બીજુ કાંઈ કરી શકાય તેવી શક્યતાને અભાવે આ બળાપો અહીં કાઢ્યો છે.

મહુવામાં આમ પણ ડોક્ટરો ખૂબ ઓછા છે, તેમાંય સારા અને જેમના ઈલાજ પર ભરોસો કરી શકાય તેવા ડોક્ટરો આંગળીના વેઢે ગણી શકાય એટલા જ છે. બાળકોના ડોક્ટરો વિશે પણ ચિત્ર એવું જ છે.

ગયા અઠવાડીયે મારા સવા વર્ષના પુત્ર ક્વચિતને એક દિવસ સવારે અચાનક જ ખૂબ ઝાડા શરૂ થઈ ગયા. લગભગ કલાકમાં ચારેક વખત, હું ત્યારે નોકરી પર જવા નીકળ્યો હતો એટલે એ સવા કલાકના રસ્તે ચાર વખત ફોન આવ્યો કે તેની તબિયત ખરાબ થઈ રહી હોય એમ લાગે છે. સામાન્ય રીતે તે એકલો અથવા તેની બહેન સાથે રમ્યા કરતો હોય છે, પણ એ દિવસે ચિત્ર અલગ હતું, એ સતત રડ્યા કરતો. લગભગ બે-ત્રણ કલાક એવું ચાલ્યુ એટલે અમારા મકાનમાલિક અને આસપાસના લોકો ઘરે આવ્યા અને તેને ડોક્ટરને બતાવવા લઈ જવા કહ્યું. Continue reading

મારે રહેવું ભાડાના મકાનમાં…

વિશ્વમાં મારા માટે સૌથી વધુ કંટાળાજનક પ્રક્રિયા જો હોય તો એ છે ભાડાના એક મકાનમાંથી બીજા મકાનમાં સામાન ફેરવવો.. મહુવામાં અમે ભાડે રહીએ છીએ, છેલ્લા સાડા ચાર વર્ષમાં બે મકાનોમાં રહ્યા છીએ, 14મી માર્ચથી ત્રીજા મકાનમાં પ્રવેશ કર્યો, સામાન (ભેગો કરવો, બાંધવો, ફેરવવો, છોડવો અને ગોઠવવો), દૂધવાળાને, કેબલવાળાને, હાર્દીની શાળાની વેનના ડ્રાઈવરને વગેરે વગેરેને નવા સરનામે આવવા કહેવું, પંખા – ટ્યૂબલાઈટ કાઢવા – લગાવવા જેવી અનેક બાબતો ભયાનક કંટાળો અને થાક આપે છે. Continue reading

હાર્દીનો પ્રથમ સ્ટેજ ડાન્સ

મહુવાની સેઈન્ટ થોમસ શાળામાં 21 જાન્યુઆરીના રોજ યોજાઈ ગયેલ વાર્ષિકોત્સવ – 2012 માં અમારી પુત્રી હાર્દીએ ભાગ લીધેલો અને ફિલ્મ રા.વન ના એક ગીત – ક્રિમિનલ પર એના વર્ગના ઘણા વિદ્યાર્થીઓએ નૃત્ય કર્યું. એ વિડીયો આજે પ્રસ્તુત છે…. જો કે શૂટીંગ કરવાવાળા એટલા અવ્યવસાયિક છે કે તેમણે ફક્ત વચ્ચેની એક જ હારનું શૂટીંગ કર્યા રાખ્યું છે, હાર્દી ડાબી તરફની હારમાં છેલ્લેથી ત્રીજા ક્રમે છે. રિહર્સલમાં તે પ્રથમ પંક્તિમાં હતી પણ તેના ચશ્માને લીધે શિક્ષિકાએ તેને ત્રીજી હારમાં ગોઠવી દીધેલી…