ઓપરેશન Vs ડાન્સ : યોગાનુયોગ

તા. ૪ નવેમ્બર ૨૦૧૫ના રોજ મારો અકસ્માત થયો, જેમાં પગનું હાડકું ભાંગ્યું, અને તા. ૫ નવેમ્બરના રોજ ઑપરેશન હતું જેમાં પગમાં પ્લેટ બેસાડી હાડકું સાંધવામાં આવ્યું. બરાબર એ જ દિવસે અને એ જ સમયે ક્વચિતની શાળાના વાર્ષિક દિવસની ઉજવણીમાં તેનો ડાન્સ હતો. ક્વચિત પ્રથમ હરોળમાં અને સેંટર સ્ટેજ પર હતો એટલે તેને મોકલવો લગભગ જરૂરી હતું, તો વળી મારી પત્નીએ ઑપરેશન વખતે હોસ્પિટલમાં હાજર રહેવું હતું.

આખરે સમજાવીને તેને ક્વચિત સાથે એ ફંક્શનમાં મોકલી, ક્વચિત પણ પપ્પા માટે રડતો ત્યાં ગયેલો. મારું ઑપરેશન ચાલુ થયું એ ફોન પ્રતિભાને ગયો એ જ સમયે ક્વચિતનો ડાન્સ શરૂ થવામાં હતો. અમે ક્વચિત નાનો હતો ત્યારથી જ તેના ડાન્સના ફેન રહ્યા છીએ, એટલે હું એકાદ દિવસ પછી જોઈ શકું એ માટે થઈને તેને મોબાઈલ દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો. આજે ફરીથી એ જ વિડીયો જોવા મળ્યો એટલે તેને વહેંચવાનું મન થયું..

જો કે અમારા બાપ દિકરા વચ્ચે આ અજબનો યોગ રચાતો રહ્યો છે. આ પહેલા પણ ક્વચિતનો જન્મ થયો એ દિવસે અમે શોર્ટફિલ્મ ગાંધી વર્સિસ મોહનનું શૂટીંગ કરેલું જેમાં મેં ગાંધીની ભૂમિકા ભજવી હતી..

એટલે બાપ દિકરામાંથી એક હોસ્પિટલમાં હોય ત્યારે બીજો પરફોર્મ કરતો હોય એવી ગોઠવણ અનાયાસ જ થઈ જાય છે એ પણ કેવો યોગાનુયોગ..

Advertisements

હાર્દીનો પ્રથમ સ્ટેજ ડાન્સ

મહુવાની સેઈન્ટ થોમસ શાળામાં 21 જાન્યુઆરીના રોજ યોજાઈ ગયેલ વાર્ષિકોત્સવ – 2012 માં અમારી પુત્રી હાર્દીએ ભાગ લીધેલો અને ફિલ્મ રા.વન ના એક ગીત – ક્રિમિનલ પર એના વર્ગના ઘણા વિદ્યાર્થીઓએ નૃત્ય કર્યું. એ વિડીયો આજે પ્રસ્તુત છે…. જો કે શૂટીંગ કરવાવાળા એટલા અવ્યવસાયિક છે કે તેમણે ફક્ત વચ્ચેની એક જ હારનું શૂટીંગ કર્યા રાખ્યું છે, હાર્દી ડાબી તરફની હારમાં છેલ્લેથી ત્રીજા ક્રમે છે. રિહર્સલમાં તે પ્રથમ પંક્તિમાં હતી પણ તેના ચશ્માને લીધે શિક્ષિકાએ તેને ત્રીજી હારમાં ગોઠવી દીધેલી…