સૂરત પુસ્તકમેળામાંથી પુસ્તકોની ખરીદી..

તો આ વખતે સૂરત પુસ્તક મેળો ૨૦૧૬, જેમાં મેં સોશિઅલ મીડિયામાં સાહિત્ય અને પત્રકારત્વ એ વિષય પર મારા વિચારો જૂથચર્ચામાં પ્રસ્તુત કર્યા, એ પહેલા પાંચેક કલાક અનેકવિધ ડોમમાં ફરવા મળ્યું. લાકડીને ટેકે ધીમે ધીમે ચાલતા બધા જ ડોમની મુલાકાત લીધી અને અનેક પુસ્તકોની ખરીદી કરવામાં આવી, જેમાં

  • સંજય ચૌધરીની ‘ગિરનાર’
  • ભગવતીચરણ વર્માની ‘ચિત્રલેખા’
  • જૉસેફ મૅકવાનની ‘મારી પરણેતર’
  • ભા. દ. ખેરની ‘યુગદ્રષ્ટા’ જે ચાણક્ય પર આધારિત છે.
  • સુરેશ દલાલ સંપાદિત ‘બૃહદ ગુજરાતી કાવ્યસમૃદ્ધિ’
  • ઓશોના ‘ધમ્મપદ’ પરના પ્રવચનોનો ચાર પુસ્તકોનો સેટ
  • ઓશોના ‘બુદ્ધ’ પરના પ્રવચનોની છ ડીવીડીનો સેટ
  • ઓશોના ‘ગીતા’ પરના પ્રવચનોની ચાર ડીવીડીનો સેટ
  • હરકિશન મહેતાની ‘સંભવ અસંભવ’
  • અશ્વિની ભટ્ટની ‘અંગાર’નો ત્રણ પુસ્તકોનો સેટ

આ સાથે મારી પાસે હરકિશન મહેતા અને અશ્વિની ભટ્ટના બધા પુસ્તકોનો સેટ પૂરો થયો હોય એમ લાગે છે, ધ્રુવ ભટ્ટના બધા પુસ્તકોનો સેટ મારી પાસે છે જ..

અનેક પુસ્તકો લેવામાં આવ્યા અને આ વખતે પણ ખર્ચનો વિચાર બાજુએ મૂકી દેવામાં આવ્યો. ‘હાજી કાસમની વીજળી’ એ પુસ્તક હજુ પણ મળી શક્યું નથી. ધમ્મપદ વિશેના ઓશોના વિચારો વાંચવાનું શરૂ કરી દેવાયું છે, અને એ ખરીદી સાર્થક નીવડી છે. તો વાચન માટે લગભગ બે મહીના ચાલે એટલો ખોરાક તો આવી ચૂક્યો છે.. ત્યાર બાદ ફરી કોઈક મેળામાં બાકીના પુસ્તકો શોધવામાં આવશે. જો કે હવે એ અનુભવાય છે કે મોટેભાગે આવા પુસ્તકમેળાઓમાં મહદંશે બધા જ સ્ટૉલ પર અમુક ચોક્કસ પુસ્તકો જોવા મળે જ! અને એ અકળાવનારું હોય છે, વળી આવા મેળાઓમાં ધર્મ પરના પુસ્તકોના પ્રચારને બદલે ધર્મનો પ્રચાર થતો હોય એવું પણ લાગે છે, જે મને તદ્દન બિનજરૂરી લાગે છે.

વધુ એક ‘હેપ્પી બર્થડે’…

આમ તો સામાન્ય દિવસો જેવો જ એક દિવસ, પણ આજે જીવનના જીવાઈ ગયેલા વર્ષોની ગણતરી વધુ એક પૂર્ણાંકે પહોંચી છે, એ દ્રષ્ટિએ જન્મદિવસ પાછળના જીવન પર નજર નાખવાનો એક અવસર આપે છે.

જીવનના ઘણાં વર્ષો વીતી ગયા – કેટલા બાકી છે કોને ખબર… હવે ક્યારેક ‘કાકા’ના સંબોધનો મળવા લાગ્યા છે, થોડાક વાળ અત્યારથી સફેદ થવા ઉતાવળા થઈ ગયા અને જવાબદારીઓની સંખ્યા AAPની સભ્યસંખ્યાની જેમ સતત વધતી રહી, મિત્ર અને સહકાર્યકર હસમુખભાઈના મૃત્યુનો શોક સ્મશાન વૈરાગ્યની સીમાઓથી થોડો વધુ વિકસ્યો અને વ્યાવસાયિક જીવનમાં કાયદાકીય મુશ્કેલીઓ અને તેથી ભરચક તણાવની સ્થિતિ છેલ્લા થોડાક દિવસોમાં રહી હોઈ ઉજવણી કરવાનું કોઈ વિશેષ મન નહોતું, પણ મહુવામાં ઘરનાં બધા સભ્યો ભેગા થયાં અને સાથે પૂજાનું આયોજન કર્યું, ખીર ખાવામાં આવી, ડીવીડીની મદદથી ગુજરાતી નાટક જોવામાં આવ્યું અને એમ કમસેકમ આજનો દિવસ તો કોઈ માનસીક તાણ વગર પસાર થયો એ નસીબ. આજે રાત્રે ફરીથી રાજકોટ ત્યાંથી વહેલી સવારની ફ્લાઈટમાં મુંબઈ… એમ વ્યવસાયિક ભાગદોડ શરૂ…. આ પ્લેન / ટ્રેન / મોબાઈલ જેણે શોધ્યા છે એ મને મળી જાય તો…. Continue reading

કેમેરાની ખરીદી… –

મારો સૌપ્રથમ ખરીદેલ કેમેરો હતો Sony Cybershot DSC S730 જે સાઈટ પર ફોટોગ્રાફી માટે વાપરેલા  Sony Cybershot DSC S600 ના એક વર્ષથી વધુ ઉપયોગ બાદ ખરીદ્યો હતો. સાઈટ પર સોનીના કેમેરાએ દરેક સંજોગોમાં સરસ ફોટોગ્રાફ્સ આપ્યા, કોંક્રીટ, પાણી, સિમેંટ વચ્ચે, દિવસે હોય કે રાત્રે – દરેક સંજોગોમાં તેની ફોટોગ્રાફી સચોટ હતી. અને તેને જોઈને ખરીદવામાં આવેલા મારા પર્સનલ કેમેરાએ પણ સરસ રીઝલ્ટ્સ આપ્યા. લગભગ ત્રણથી વધુ વર્ષ સુધી સતત સેવા આપ્યા બાદ હવે તેના પર્ફોર્મન્સમાં વાંધો આવવા લાગ્યો છે અને એટલે નવો કેમેરો જોવાનું શરૂ કર્યું છે. ૨૦ ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી અમારી ફેમિલી આઉટીંગ પહેલા કેમેરો ખરીદવાનું મન છે… Continue reading

એક નાટક જે ભજવાયું નહીં…

ખૂબ ઉત્સાહ અને ધગશથી તૈયાર કરેલ હાસ્યપ્રધાન નાટક “દસ કરોડનો વીમો..” અમારી કંપનીમાં સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ યોજાનાર સાંસ્કૄતિક કાર્યક્રમમાં ભજવવાનું હતું. એ માટેની બધી જ તૈયારીઓ કરી હતી. મિત્ર હાર્દિકભાઈ યાજ્ઞિકે મોકલેલી ત્રણ સ્ક્રિપ્ટમાંથી એક પસંદ કરીને તેમાં જરૂરી ફેરફાર કર્યા, મારી સાથે પીપાવાવની મારી કંપનીમાંથી સહકર્મચારીઓ

રીપલ મકવાણા
ભાવેશ જોબનપુત્રા
મેહુલ પંડ્યા
પિનાકીન ભટ્ટ
ભાગ્યશ્રી જોશી તથા
જયેન્દ્રસિંહ જાડેજા

આ નાટકમાં વિવિધ પાત્રો ભજવવાનાં હતાં જેના માટે અમે સાત દિવસ, નોકરીના સમય દરમ્યાન રિહર્સલના મળેલા સમય ઉપરાત નોકરીના સમય સિવાય (હા, શનિવાર અને રવિવારે પણ નોકરીએ આવીને) રિહર્સલ કર્યા, એકબીજાની ખામીઓ શોધીને તેને દૂર કરવાનો પ્રયત્ન કર્યો… સ્ક્રિપ્ટને પણ મઠારી.

આખરે એ દિવસ આવ્યો જ્યારે આ નાટક ભજવવાનું હતું, અમારા પ્રયત્નને જોઈને – તેની સફળતા વિશે નિશ્ચિંત સીનીયર્સને લીધે એ નાટક અમારા ગૃપ ચેરમેન શ્રી નિખિલભાઈ ગાંધી અને એક્ઝેક્યુટીવ વાઈસ ચેરમેન શ્રી ભાવેશભાઈ ગાંધી સહિતના અન્ય બોર્ડ ડિરેક્ટર્સની સમક્ષ ભજવાય એવી રીતે શેડ્યુલ કરાયું, પણ… Continue reading

નિર્ણાયક @ અમૂલ વૉલ્કેનો 2013

Amul Volcano 2013

Got the memento for being a Jury in Amul Volcano 2013 Movie enactment competition.

ગત વર્ષની જેમ આ વર્ષે પણ રોટરી ક્લબ ઓફ આણંદ રાઉન્ડ ટાઉન અને આણંદ મ્યુનિસીપાલટીના સંયુક્ત ઉપક્રમે વિદ્યાનગરની લગભગ 18 કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે યોજાયેલ અનેક વૈવિધ્યપૂર્ણ સ્પર્ધાઓના શંભુમેળા “અમૂલ વૉલ્કેનો 2013” માં મને જ્યુરી તરીકે આમંત્રણ અપાયું હતું.

મારે જે વિભાગમાં ગુણ આપવાના હતા તે હતો “મૂવી ઇનેક્ટ્મન્ટ” જેને નામ અપાયું હતું, Scene-e-magic.

સ્પર્ધા અંતર્ગત પ્રતિયોગીઓને પ્રચલિત હિન્દી ફિલ્મનું એક દ્રશ્ય આપવામાં આવેલું જેનો અવાજ બંધ કરી દેવાયેલો. સ્પર્ધકોએ એ જ દ્રશ્યમાં પોતાના સંવાદો મૂકવાના હતા. સ્પર્ધાના બે રાઉન્ડ હતા,  પ્રથમ રાઉન્ડમાં તેમણે તેમને બે-ત્રણ દિવસો પહેલા અપાયેલ સી.ડી.માં આપેલા દ્રશ્યોમાંથી એક પસંદ કરીને તેમાં પોતાના સંવાદો મૂકવાના હતા, જ્યારે બીજા રાઉન્ડમાં અડધો કલાક પહેલા અગિયાર દ્રશ્યોમાંથી ચિઠ્ઠી ઉપાડીને તેમને મળેલ દ્રશ્યમાં સંવાદો પૂરવાના હતા.

મુખ્યત્વે ઝિંદગી ન મિલેગી દોબારા, શોલે, નમસ્તે લંડન, દીવાના મસ્તાના અને જમાઈરાજા જેવી ફિલ્મોના દ્રશ્યો હતા. સ્પર્ધકોએ પ્રયત્નો કરીને તેમાં સંવાદો દ્વારા હાસ્ય ઉત્પન્ન કરવાનો સારો પ્રયત્ન કર્યો. અહીં ADIT, GCET, BVM અને MBICT વગેરે જેવી અનેક કોલેજના મજબૂત સ્પર્ધકો હતા.

Amul Volcano 2013

Amul Volcano 2013

મારી સાથે જ્યૂરીમાં હાર્દિકભાઈ યાજ્ઞિક હતા, અને તેમને હવે કોઈ પરિચયની જરૂર નથી. બીજા હતા મુકેશભાઈ મેકવાન, ટેકનોલોજી કંપનીના માલિક કે જેમણે હમણાં જ વાઈબ્રન્ટમાં સો કરોડથી વધુના એમ.ઓ.યુ કર્યા છે, અને ત્રીજા હતા અભિષેક જૈન.

જેમને ફિલ્મ ‘કેવી રીતે જઈશ’ યાદ હશે તેમને એ ફિલ્મના યુવાન અને ઉત્સાહી ડાયરેક્ટર અભિષેક જૈન તો ચોક્કસ યાદ હશે જ. અભિષેકભાઈ પણ અમારી સાથે પેનલમાં હતા. બધાય સ્પર્ધકોની પ્રસ્તુતિ પછી જ્યુરી તરીકે અમે એ વિશાળ શ્રોતાવર્ગને સંબોધીત કર્યો. મેં જ્યાં અક્ષરનાદના ગઈ કાલના લેખને ટાંકીને કહ્યું કે 125 વર્ષ પહેલા જે નાટકની મર્યાદાઓ – તકલીફો અને દ્રષ્ટિ હતી તે આજે પણ આપણી ગુજરાતી ફિલ્મો વંશપરંપરા ગણીને લઈ આવી છે. તેમને એ પણ કહ્યું કે આટલા મોટા મંચ પર કોની કાબેલીયત તેમને એક અલગ વિશ્વમાં લઈ જાય તે કોઈ કહી શક્તું નથી ત્યારે પોતાનું શ્રેષ્ઠ આપવું અને મળેલી તકનો ભરપૂર ઉપયોગ કરવો એ જરૂરી બાબત બની રહે છે.

અભિષેકભાઈએ તેમને સદાય ઉત્સાહભેર આગળ વધવાની – મહેનત કરવાની વાત કહી. બીજી અગત્યની વાત હતી પાયરસી અને આતંકવાદ સાથે સંકળાયેલી. પાયરેટેડ સીડી લેવાથી, પાયરેટેડ ફિલ્મો અને ગીતો ડાઉનલોડ કરવાથી ઉપલબ્ધ થતા પૈસા દેશની અને આપણી જ સામે વપરાય છે – તેથી પાયરેટેડ સીડી ન ખરીદવા અને એવા સંગીત – ફિલ્મોને ડાઉનલોડ ન કરવાના શપથ લેવડાવ્યા. અંતે જ્યુરીને રોટરી ક્લબ તરફથી મોમેન્ટો અપાયા.

આમંત્રણ અને સન્માન બદલ રોટેરીયન આતિશભાઈનો, રોટરી ક્લબ સભ્યો, અમૂલ વોલ્કેનો આયોજકોનો અને વિદ્યાર્થીઓનો ખૂબ આભાર. મારા માટે આ પ્રેરણાદાયક દિવસ બની રહ્યો. ખૂબ મજા આવી.

પીપાવાવમાં રામકથા…

પીપાવાવ પોર્ટ અને પીપાવાવ શિપયાર્ડનું નામ જેના પરથી પડ્યું છે તે પીપા ભગત – તેમણે સ્થાપેલ કૃષ્ણ મંદિર અને બનાવેલ વાવ જે તેમના નામે પીપા વાવ તરીકે ઓળખાય છે – ત્યાં તા. 16 થી 24 માર્ચ મોરારીબાપુની રામકથાનું આયોજન થયું છે. (માહિતિ – મોરારીબાપુની વેબસાઈટ – Moraribapu.org) Continue reading

દોડવાની પૂર્વતૈયારીઓ..

Columbus sports shoes for running

આવતીકાલે એટલે કે પંદરમી ઓગસ્ટ 2012થી દોડવાની પ્રવૃત્તિ શરૂ કરાઈ રહી છે.

આ પહેલા પણ એક વખત દોડવાનો વિચાર કર્યો હતો, પરંતુ બે દિવસ પ્રયત્ન છતાં આળસના લીધે અલાર્મ બંધ કરીને ફરી સૂઈ ગયો.

આ વખતે એવું ન થાય એ માટે પૂર્વતૈયારીઓ અને ઓળખીતાઓને આ વાત કહી રાખવા વિચાર્યું હતું. એ મુજબ બ્લોગ પર પણ એ નિર્ણયનો જાહેર સ્વીકાર કરેલો જેથી દોડવા માટે વહેલા ઉઠવાનું થાય તો મન પાછું ન પડે.

પૂર્વતૈયારીઓ રૂપે વડોદરામાં જન્માષ્ટમીની બે દિવસની મુલાકાત દરમ્યાન ખરીદી કરવામાં આવી. મુખ્યત્વે કોલંબસ(કંપની)ના શૂઝ ખરીદવામાં આવ્યા.

હાફપેન્ટ અને નાઈકનું એક સરસ ટી-શર્ટ મિત્ર સુબાસ દ્વારા ભેટમાં આપવામાં આવેલા અને વપરાયા વગરના પડી રહ્યા હતા તેનો ઉપયોગ કરવાનું સરસ બહાનું પણ મળ્યું છે.

અને હા, એક મોટી તૈયારી છે ગીતોની જે એક અલગ પોસ્ટ દ્વારા પ્રસ્તુત કરીશ.

ચલો આઝાદીના દિવસથી એક નવી પ્રવૃત્તિ…

(2012) મે મહીનાની પ્રવૃત્તિઓ…

મે મહીનામાં અને એ પહેલા એપ્રિલમાં પણ પારિવારિક વ્યસ્તતાઓને લીધે અને “251 ઉપયોગી અને અનોખી વેબસાઈટ્સ” પુસ્તક લખાઈ રહ્યું હોવાથી અન્ય પ્રવૃત્તિઓ ખૂબ ઘટી ગઈ છે – જેમાં અક્ષરનાદ પણ ઘણુંખરું અનિયમિત થઈ ગયું છે. પણ આ બધા વચ્ચે વાંચનને ખોરવાઈ જવા દીધું નથી એ વાતનો આનંદ છે.

આ મહીને વંચાઈ રહેલા / પૂર્ણ થયેલ પુસ્તકોમાં –

એલિસ્ટર મેક્લીનનું “ધ ગન્સ ઓફ નેવેરોન”
પ્રભાશંકર ફડકે દ્વારા સંપાદિત અને સંકલિત કચ્છી સાહિત્યનો પરિચયગ્રંથ “શબ્દને સથવારે”
કાજલબેનની સુંદર નવલકથા “છલ”
અશ્વિનિ ભટ્ટ લિખિત “ઓથાર”
ભાણદેવજી દ્વારા સંકલિત “અધ્યાત્મ કથાઓ” અને
એન્ડ્રોઈડ કિન્ડલમાં ડેવિડ ગૌઘરાનની “હાઉ ટુ સેલ્ફ પબ્લિશ એન્ડ વ્હાય યુ શુડ” યાદીમાં છે.

આ ઉપરાંત હું એલિસ્ટર મેક્લીનની નવલકથા વાંચી રહ્યો છું એ જાણી અમારા બૉસે તેમના વિશાળ ડીવીડી સંગ્રહમાંથી તેની ફિલ્મ અને સાથે બીજી ત્રણ એવી જ સરસ સદાબહાર ફિલ્મોની ડીવીડી કાઢી આપી છે – આ ઉપરાંત આ મહીને પ્રવાસમાં જોવાઈ રહેલી / જોવાઈ ગયેલ ફિલ્મોમાં

ધ ગન્સ ઓફ નેવેરોન
બ્રિજ ઓન ધ રિવર ક્વાઈ
ધ મિસ્ટ
હોલી સ્મોક
ધ થ્રી મસ્કેટીયર્સ
ધ ગોડફાધર
અને મનોજ શ્યામલાનની ‘સાઈન્સ’ સમાવિષ્ટ છે.

અને આ સમયમાં ફિલ્મી ગીતોને બદલે ગેરફિલ્મી અને ગંભીર પ્રકારના ગીતો વધારે ગણગણી રહ્યો છું, જેમાંથી એક છે આમિરખાનના ટીવી શો ‘સત્યમેવ જયતે’ના પ્રથમ ભાગને અંતે પ્રસ્તુત ગીત – ઓ રી ચિરૈયા, નન્હી સી ચિડીયા, અંગના મેં ફિર આજા રે….”

સાથે 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલી અર્પતા ખૂબ પ્રચલિત થયેલ હ્રદયસ્પર્શી ગીત જે કદાચ આમિર ફિલ્મનું છે તે –

“એક લૌ ઈસ તરહ ક્યોં બુઝી મેરે મૌલા…” સતત સાંભળી રહ્યો છું. આશા છે આપને પણ એ ગમશે.

અભિવ્યક્તિની રીતો… બાળકો પાસેથી…

નાના બાળકોની અભિવ્યક્તિની દુનિયા અનોખી હોય છે, છેલ્લા મહીનામાં અમારા બંને બાળકોએ અલગ અલગ રીતે તેમના આનંદની અભિવ્યક્તિની રીતો શીખી લીધી છે, ક્વચિતને 10 એપ્રિલે એક વર્ષ પૂરું થશે, અભિવ્યક્તિની તેની પોતાની રીત છે, અને એ આનંદને સમજાવવા વિડીયો સિવાય બીજુ કોઈ માધ્યમ ચાલે તેમ નથી….  વિડીયો જોશો એટલે આપોઆપ જાણી જશો….

Continue reading

રક્તદાન…. અચ્છા લગતા હૈ…

રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહની અમારી કંપનીમાં ઉજવણી થઈ રહી છે, 4થી માર્ચથી વિવિધ આયોજનો કરાયા છે એ અંતર્ગત નિબંધ સ્પર્ધા, સૂત્ર સ્પર્ધા, પોસ્ટર સ્પર્ધા વગેરે યોજાયા, એકાંકી પ્રસ્તુત થઈ, અમારા ડિપાર્ટમેન્ટ હેડના કહેવાથી મેં યથાશક્તિ જજની ભૂમિકા અદા કરી.

આ જ અંતર્ગત તા. 6 માર્ચના રોજ રક્તદાન શિબિર યોજાયો. છ મહીના પહેલા આવો જ એક કેમ્પ અહીં થયેલો, એ વખતે પણ મેં રક્તદાન કરેલું. આ વખતે ફરી ભાવનગર બ્લડબેંક તરફથી જ આ શિબિર થયો. રક્તદાન કરવાનો પોતાનો એક આનંદ છે.

આપણું રક્ત કોઈકને જીવવા માટે મદદરૂપ થઈ શકે એ વાત જ કેટલી સુખદાયક છે? રક્તદાન વિશેની કેટલીક ભ્રમણાઓ અને હકીકતો અહીં પ્રસ્તુત કરી છે. હેતુ ફક્ત એટલો કે કોઈકને આ બાબતે ખ્યાલ ન હોય તો જાણ થાય અને પૂરતી સ્પષ્ટતા ન હોય તો એ ચોખ્ખું થાય.

ભ્રમણાઓ અને હકીકતો :

સ્ત્રીઓ રક્તદાન કરી શક્તી નથી.

સ્વેચ્છાએ લોહી આપવું એ એક પવિત્ર કાર્ય છે. આપણા શરીરમાં લગભગ 5000 મિલિ લોહી હોય છે અને રક્તદાન દ્વારા 350 મિલિ લોહી લેવામાં આવે છે. 18 થી 60 વર્ષની ઉંમરના અને 45 કિગ્રાથી વધુ વજનના કોઈ પણ પુખ્ત વ્યક્તિ રક્તદાન કરી શકે છે.

ઘણા રક્તદાતાઓ છે, મારે શું કામ રક્તદાન કરવું જોઈએ?

કુલ જનસંખ્યાના માંડ 5% રક્તદાન કરે છે. રક્ત લેબોરેટરીમાં બનાવી શકાતું નથી, એ ફક્ત સ્વૈચ્છિક રક્તદાતાઓ દ્વારા જ મળી શકે, તેની સામે રોજ અકસ્માતોમાં અથવા અન્ય રીતે જેમને લોહી જોઈએ છે એવા લોકોની સંખ્યા કેટલી હશે?

Continue reading

ફરી એક વખત ….

આ બ્લોગની કિસ્મત પણ અજીબોગરીબ રહી છે. બરાબર ત્રણ વર્ષ પહેલા આજના જ દિવસે શરૂ કરેલો. પછી લગભગ સત્તત લખતો રહ્યો, એ પછી એક મોટો વિરામ અને પછી અક્ષરનાદ.કોમ ના સર્જન પછી આ બ્લોગ બંધ કરી દીધેલો….

આજે ત્રણ વર્ષે થયું આ માધ્યમનો ઉપયોગ કેટલીક અંગત વાતો માટે કેમ ન કરી શકાય? અક્ષરનાદ તો સંપૂર્ણપણે જીવનોપયોગી કે પ્રેરક સાહિત્યને સમર્પિત કરવાનો યત્ન રહ્યો છે. પરંતુ એથી અલગ અહીં એવી કોઈ પ્રવત્તિઓ કરવી નથી. આ બ્લોગ સાહિત્યથી સદંત્તર દૂર રહીને જે થયું, જોયું, અનુભવ્યું, જાણ્યું એવી અંગત કે જાહેર ઘટનાઓ, વ્યક્તિઓ, વસ્તુઓ કે વિચારો વિષે પ્રતિભાવો આપવાનો મંચ બની રહે એવી ઈચ્છા છે. જોઈએ કેટલેક દૂર સુધી જવાય છે !!!

અને એક શે’ર યાદ આવે છે જે લખવાની લાલચ રોકી શક્તો નથી…

અગર એની નજરો ન કહેતે દુબારા,
કવિતા અમર હું સુણાવી ન શક્તે,
ઊઠી જાવું પડતે આ મહેફિલથી આજે,
પળેપળ જો મોઘમ ઈશારા ન હોતે
– ‘અમર’ પાલનપુરી

મારા બ્લોગિંગના ત્રણ વર્ષ આ સાથે પૂરા થયાં અને એક નવી શરૂઆત કરવા જઈ રહ્યો છું. આભાર એ નજરોનો, એના મોઘમ ઈશારાઓનો જેણે આ તરફ જવાનો રાહ ચીંધ્યો …..