ABCD 2 – ડાન્સથી લથબથ..

ABCD 2 poster.jpeg

ABCD 2 poster” by Source. Licensed under Fair use via Wikipedia.

આજે મહુવાના એકમાત્ર જોવાલાયક થિયેટરમાં ABCD 2 જોઈ. ડાન્સથી લથબથ આ ફિલ્મ જોવા ડાન્સ માટે ગાંડપણ જેવો પ્રેમ હોવો જરૂરી છે, કારણ કે આ અન્ય ફિલ્મોથી એ વિષયવસ્તુને લીધે જ અલગ છે. ABCD ભાગ ૧ કરતા વાર્તા થોડી નબળી છે, પાત્રો સ્પષ્ટપણે ઉપસતા નથી, પણ ડાન્સ ભાગ ૧ કરતા વધારે છે. તેને હેપ્પી ન્યૂ યર સાથે પણ સરખાવાઈ હતી પણ એ હથોડા કરતા આ ફિલ્મ ક્યાંય સારી છે.

મહુવામાં ફિલ્મ જોવી એ સજા જેવું જ છે, થિએટરમાં જાવ એટલે અહીં સખત ગરમી સ્વાભાવિક છે. તદ્દન સાંકડી અને ફાટેલી સીટ અને મોબાઈલથી સતત ફ્લેશ ઝળકાવીને ફોટો પાડ્યા કરતા લોકો… પણ છતાંય કહેવું પડે એકમાત્ર ફિલ્મ જોવાલાયક થિયેટર…

વાર્તા સત્યકથા પર આધારિત છે અને રેમો તેનો પૂરો યશ ફિલ્મની શરૂઆતમા અને અંતમાં નાલાસોપારાના એ ફિક્ટીશીયસ ગૃપને આપે છે જેમણે બૂગીવૂગી અને ઈન્ડીયા’સ ગોટ ટેલેન્ટમાં પોતાની કળા પ્રસ્તુત કરેલી અને છેલ્લે લાસ વેગાસમાં હિપહોપ ડાન્સ કોમ્પિટીશનમાં ૨૦૧૨માં ભાગ લીધેલો.

ABCD ભાગ ૧ અને ABCD ૨ માં સમાનતા જોઈએ તો બંને ફિલ્મમાં ડાન્સની સ્પર્ધાની જ વાત છે, બંનેમાં ધર્મેશ, લૉરેન, પુનીત અને પ્રભુદેવા છે. ફિલ્મમાં વરુણ કે શ્રદ્ધા ન હોત તો પણ કોઈ જ ફરક ન પડ્યો હોત, કારણ વરુણના ડાન્સની ખામીઓ અન્ય એક્સપર્ટ ડાન્સરોના ગૃપમાં ઢંકાઈ જાય છે અને શ્રદ્ધા તો ફક્ત હીરોઈનની જરૂરત પૂરી કરવા જ આવે છે. ફીમેલ લીડ ડાન્સ તો લૉરેન જ કરી જાય છે.

મને તો ફિલ્મ જોવાની મજા આવી, ગણપતિનું સરસ રીતે રીમિક્સ કરી ડાન્સ માટે કોરિઓગ્રાફ કરેલું ગીત, રેપ સ્વરૂપમાં શ્લોકો અને અંતમાં વંદેમાતરમનું રીમિક્સ નવું સ્વરૂપ જોવાની મજા આવી.. એ જ વસ્તુને જો નકારાત્મક રીતે જુઓ તો લાગે કે શ્લોકોને કે ગીતને આમ વેસ્ટર્નાઈઝ કરવાની જરૂર શું? મને લાગે છે કે શ્લોકો અને ગીતનો આ રીતે સુંદર ઉપયોગ કર્યો એ જોવું જોઈએ બાકી વાંધા કાઢવા ક્રિટિક્સ માટે જ જરૂરી છે..

નબળી વાર્તા, ચાલી જાય તેવા ડાયલોગ્સ અને અભિનય કરવાનો પ્રયત્ન કરતા વરુણ અને શ્રદ્ધા જેવા સ્ટાર્સને સહન કરી શકવા માટે ઈન્ટરનેશનલ કક્ષાનો ડાન્સ દર્શાવતા અનેક વિભાગો ફિલ્મની નબળાઈ ઢાંકી દે છે, કોરીઓગ્રાફી સરસ છે, રેમો ભલે ડાયરેક્શન ન કરી શકે પણ ભારતની ડાન્સ ફિલ્મને તેમણે એક ઈન્ટરનેશનલ ક્લાસ આપ્યો એ ચોક્કસ છે. એક સાથે ઘણા બધા ડાન્સ, સરસ કોરિઓગ્રાફી અને સચિન જીગરનું સંગીત મજા કરાવે છે..

યે જવાની હૈ દીવાની, આશિકી ૨, બોમ્બે ટૉકીઝ અને ફ્યુરીયસ ૬

ચાર ફિલ્મો જોવાઈ – યે જવાની હૈ દીવાની, આશિકી ૨, બોમ્બે ટૉકીઝ અને ફ્યુરીયસ ૬ – એમના વિશે થોડુંક, કાર્તિકભાઈની કોપીરાઈટ સ્ટાઈલમાં… Continue reading

ફિલ્મ રીવ્યુ – Django Unchained

કાર્તિકભાઈએ સૂચવેલ આ ફિલ્મ વિશે ઘણાં સરસ પ્રતિભાવો સાંભળ્યા હતા એટલે જોવાની ઉત્સુકતા ખૂબ હતી. એક સહકર્મચારી મિત્ર પાસેથી તેની સરસ કૉપી મળી આવી એટલે ટૅબમાં લોડ કરી લેવામાં આવી અને મહુવાથી પીપાવાવની આવન જાવનમાં ‘જૅન્ગો’ની જીવનકથા મન ભરીને માણવામાં આવી.

મૂળે જૅન્ગો ૧૯૬૬ની ઈટાલીયન વેસ્ટર્ન ફિલ્મ હતી, જેને એ સમયે અતિશય હિંસા દર્શાવવાને લીધે બ્રિટનમાં પ્રદર્શનની મંજૂરી નહોતી મળી, તે પછી ૧૯૯૩માં તેને ૧૮ વર્ષથી ઉપરના દર્શકો માટે પ્રદર્શનની મંજૂરી મળી હતી. એ ફિલ્મમાં ફ્રૅન્કો નીરોએ જૅન્ગોની યાદગાર ભૂમિકા ભજવી હતી (અને જૅન્ગો અનચેઈન્ડમાં પણ તેનો નાનકડો રોલ છે.) Continue reading

રિવ્યુ – જેક: ધ જાયન્ટ સ્લેઈઅર તથા ઓઝ: ઘ ગ્રેટ એન્ડ પાવરફુલ

ગત અઠવાડીયે જોયેલ બે 3ડી ફિલ્મો ખૂબ સરસ અનુભવ હતો. જેક ધ જાયન્ટ સ્લેઈઅર અને ઓઝ ધ ગ્રેટ એન્ડ પાવરફુલ – એ બંને મજેદાર અનુભવ બની રહી. આજે પ્રસ્તુત છે એ બંને વિશે મારો રિવ્યુ તથા સાથે સાથે IMDB પર શરૂ કરેલ ખાતામાં આ બંને ફિલ્મોના ગુણાંક મૂક્યા છે.

જેક ધ જાયન્ટ સ્લેઈઅર

જાયન્ટ એટલે અતિમાનુષ શક્તિ કે કેદવાળો માનવદેહધારી, ખૂબ ઊંચો કદાવર માણસ, પ્રાણી કે રાક્ષસ.

ક્લોઈસ્ટર નામના રાજ્યમાં જેક નામે એક ખેડુ યુવાન રહે છે, જેણે બાળપણમાં વીર રાજા એરિકના પરાક્રમની વાતો સાંભળી હોય છે. એરિકે પુરાતનકાળમાં અતિમાનુષોના આકાશમાંથી એક વિશેષ વૃક્ષના માર્ગે ઉતરી આવેલા દળને મારી ભગાવ્યું હોય છે, તે યુદ્ધને અંતે રાક્ષસોને હરાવવામાં મદદરૂપ એક જાદુઈ મુગટ અને એ વિશ્વ સુધી પહોંચવાનો રસ્તો બનાવતા કેટલાક કઠોળના દાણાં બચે છે જેને કેટલાક પાદરીઓ સાચવીને સંતાડી દે છે. તો એ રાજ્યની રાજકુમારી ઈઝાબેલ પણ રાજા એરિકના પરાક્રમોની વાત સાંભળીને જ મોટી થઈ હોય છે. એક પ્રસંગે જેક તેની રક્ષા કેટલાક ઠગથી કરે છે, તે ઈઝાબેલના પ્રેમમાં પડી જાય છે પણ રાજકુમારી હોવાને લીધે તેનાથી દૂર જ રહે છે. Continue reading

શટર આયલેન્ડ – ફિલ્મ સમીક્ષા

યુ.એસ માર્શલ એડવર્ડ ડેનિયલ અને તેનો મિત્ર ચક એક ટાપુ પર આવેલ ઘાતક માનસીક રોગીઓને કેદ કરી સારવાર માટે રખાય છે એ હોસ્પિટલમાંથી ગાયબ થયેલી એવી જ એક દર્દી રેચલ સૉલેન્ડોની તપાસ માટે આવે છે જેણે પોતાના ત્રણેય બાળકોને ડુબાવીને મારી નાંખ્યા હોય છે. તપાસ દરમ્યાનમાં વાવાઝોડાને લીધે તેમને ટાપુ પર વધારે રોકાવું પડે છે અને દરમ્યાનમાં ડેનિયલને રેકોર્ડ આપવામાં આવતા નથી, દર્દી વિશેની વાતો પણ અચરજભરી લાગે છે. તેને બધુ શંકાસ્પદ લાગે છે, અને એ તપાસમાં ઉંડે ને ઉંડે ઉતરતો જાય છે.

લિયોનાર્ડો દ કેપ્રિઓ અને બેન કિંગ્સ્લેને સાથે જોવાની લાલચે આ ફિલ્મ જોવી શરૂ કરી, પણ શરૂઆતથી જ વાર્તા અસરકારક પકડ જમાવીને તેના પ્રવાહમાં ખેંચી રાખે છે, વાર્તાનો ફ્લો ધીમો છે અને નવલકથા પરથી બની હોવાને લીધે ફિલ્મ ક્યારેક વધુ પડતી વિવરણાત્મક બની જતી દેખાય છે પણ એ નાનકડી નબળાઇઓ સિવાય આખી ફિલ્મ સરસ છે.

ફિલ્મ એક સાયકોલોજીકલ થ્રિલર છે અને કેટલાક દ્રશ્યો ખરેખર કેમેરાની અદભુત કમાલ દેખાડે છે. સિનેમેટોગ્રાફી અને એડીટીંગની કમાલે ફિલ્મ ખરેખર સુંદર બની છે. Continue reading