અંત આરંભ (નવલકથા) – હરકિસન મહેતા

Ant Aarambh Harkishan Mehtaહરકિસન મહેતાની કેટકેટલી નવલકથાઓ વર્ષોથી વાંચતો આવ્યો છું.. પીળા રૂમાલની ગાંઠ, જગ્ગા ડાકુના વેરના વળામણાં, જોગ સંજોગ, જડ ચેતન વગેરે…

પણ આ શ્રેણીમાં બાકી રહી ગયેલી ‘અંત આરંભ’ હમણાં વડોદરા ક્રોસવર્ડમાં દેખાઈ, ફોન પર પત્નીને પૂછીને ખાત્રી કરાઈ કે એ પહેલા ખરીદાઈ કે વંચાઈ નથી, એટલે તત્કાલ રૂ. ૯૦૦/-માં ખરીદાઈ અને પીપાવાવ જતાં આવતા બસમાં વાંચવામાં આવી.

હરકિસન મહેતાની પોતાની આગવી અદા છે જે લગભગ તેમની દરેક નવલકથામાં ઝળકે છે, મારા લાંબા સમયના નવલકથા વાંચનમાં ‘અંત આરંભ’ સરળ વાંચન બની રહ્યું. મહેતા સાહેબની નવલકથાઓ લાર્જર ધેન લાઈફ હોય છે, ચમત્કારી સાધુઓ, દેશને સ્પર્શતી વાતો, સતત સર્જાતા યોગાનુયોગ વચ્ચે ઝડપભેર વહેતી વાર્તા વિચારમાં તો મૂકી જ જાય છે. સબળ સ્ત્રી પાત્રો અને તેમની વાર્તામાં સતત ગર્વિષ્ઠ હાજરી પણ મહેતા સાહેબની વિશેષતા છે. અને જેમ અશ્વિની ભટ્ટ સાહેબની નવલકથા વાંચ્યા પછી પાત્રો અને વાર્તા મન પર છાપ મૂકી જાય તેવું જ મહેતા સાહેબની રચનાઓ માટે પણ ખરું.. સુરીલી વાઘેશ્વરી, વીરાંગના, બીજ હોય કે ઈશ્વરી, પાત્રો યાદ રહી જાય, તેમનું ખૂબ ચોક્કસ વર્ણન, વિશેષતાઓ અને પાત્ર આંખ સામે ખડું થઈ જાય એવું સરસ પાત્રાલેખન છે.

બે ભાગમાં અને લગભગ નવસો પાનામાં વિસ્તરેલી આ વાર્તા માણવી ગમે એવી છે.. હવે વાંચવાની લાઈનમાંના પુસ્તકો છે ચંદ્રકાંત બક્ષી સાહેબની ‘પડઘા ડૂબી ગયા’ અને પિંકીબેન દલાલની ‘એક ચાલ તારી, એક ચાલ મારી’

હરકિસન મહેતાની અદ્રુત નવલ ‘લય-પ્રલય’

સ્વ. શ્રી હરકિસન મહેતાની નવલકથાઓનો હું બાળપણથી ગાંડો આશિક, શાળાના પુસ્તકાલયમાં કેટલીય વખત અભ્યાસને બદલે તેમની નવલકથાઓ વાંચી છે, વેકેશનમાં ખાધા પીધા વગર તેમની નવલકથાઓ વાંચ્યાનું પણ સ્મરણ છે. એટલે હવે મારા પોતાના ઘરમાં જ ઉભા થઈ ગયેલા પુસ્તકાલયમાં જ્યારે તેમની નવલકથાઓનો આખોય સેટ વસાવ્યો ત્યારે એક અજબનો રોમાંચ થઈ ગયેલો. તુલસી ને ચિંતન, અનાર અને હાઈનેસ, ઓમકાર અને તાન્યા, આમિરઅલી અને જગ્ગા…. કેટકેટલા પાત્રો આળસ મરડીને વિચારતંત્રમાં બેઠા થઈ ગયા.

ઉત્સાહપૂર્વક વાંચનની શરૂઆત કરાઈ, પ્રતિભાએ વાંચવાની શરૂઆત ‘જડ-ચેતન’થી કરી અને મેં ‘લય-પ્રલય’થી.

લય-પ્રલયની શરૂઆતથી જ ઓમકારનું નબળુ મનોબળ અને અનિશ્ચિત માનસીકતા વાચકને અવઢવમાં મૂકી દે છે, એની સાથે થઈ રહેલા પ્રસંગો અને ઘટનાઓ જાણે આપણી સાથે થઈ રહ્યા હોય એટલી સહજતાથી એ વાચકના મનને જકડે છે, અને સાવ સરળતાથી હાઈનેસના સ્વાંગમાં ફરતા કમાલના જાળમાં જ્યારે તે સપડાઈ જાય છે ત્યારથી શરૂ થતી પકડાપકડી છેક નવલકથાના ત્રીજા ભાગના અંત સુધી જકડી રાખે છે. Continue reading