અક્ષરનાદની રીડીઝાઈનનો પ્રયત્ન… – એક નવી શરૂઆત…

aksharnaad engravedઅક્ષરનાદ ગત એક મહીનામાં અધધધ ડાઊનટાઈમનો ભોગ બન્યું, થોડુંક અમારા હોસ્ટ બ્લ્યૂહોસ્ટને લીધે અને થોડુંક (તેમના કહેવા મુજબ) વેબસાઈટ ટ્રોલ થવાને લીધે જેના મૂળમાં હું હજુ સુધી પહોંચી શક્યો નથી…

લગભગ બે વર્ષથી અક્ષરનાદ એક જ થીમ, ડીઝાઈન અને ફોર્મેટ સાથે ચાલે છે, થીમ અપડેટ થઈ શકી નથી અને તેના લીધે પણ ઘણી મુશ્કેલીઓ છે. આથી સમયની સાથે સતત અપડેટેડ રહેવા અક્ષરનાદ રીડીઝાઈન થવા જઈ રહી છે, દેશની અગ્રગણ્ય ડિઝાઈન સંસ્થાઓથી લઈને ફ્રિલાન્સર્સ પાસેથી આ માટે ક્વોટ્સ મંગાવાયા છે, આ ક્ષેત્રના જાણકાર મિત્રોનો સંપર્ક કરાઈ રહ્યો છે અને એના માટે યોગ્ય બજેટ પણ ફાળવી દેવામાં આવ્યું છે. Continue reading

દોડ દરમ્યાન માણવાના ગીતોનું મારું પ્લેલિસ્ટ

ઈન્ટરનેટ પર આ પ્લેલિસ્ટ માટે કરેલી શોધ નિષ્ફળતામાં પરિણમી કારણ આવી બધી યાદી પૂર્ણપણે યુરોપિયન અથવા અમેરીકન લોકો દ્વારા બનાવાયેલી હતી જેમાં ભાગ્યે જ કોઈ ગીત મને ગમ્યું.

એટલે પછી મેં મારી પોતાની યાદી બનાવવાનું નક્કી કર્યું, અહીં હિન્દી – અંગ્રેજી ગીતોની ભેળસેળ છે, અને મેં જાણીતા અને ગમતા ગીતો એકઠા કરવાનો પ્રયત્ન કર્યો છે. કોલેજકાળના ગમતા ગીતો અને દોડવા માટે યોગ્ય રહે તેવા ગીતોનો એક સંગ્રહ કરવાનો આ પ્રયત્ન છે.

યાદી આ મુજબ છે. Continue reading

દોડવાની પૂર્વતૈયારીઓ..

Columbus sports shoes for running

આવતીકાલે એટલે કે પંદરમી ઓગસ્ટ 2012થી દોડવાની પ્રવૃત્તિ શરૂ કરાઈ રહી છે.

આ પહેલા પણ એક વખત દોડવાનો વિચાર કર્યો હતો, પરંતુ બે દિવસ પ્રયત્ન છતાં આળસના લીધે અલાર્મ બંધ કરીને ફરી સૂઈ ગયો.

આ વખતે એવું ન થાય એ માટે પૂર્વતૈયારીઓ અને ઓળખીતાઓને આ વાત કહી રાખવા વિચાર્યું હતું. એ મુજબ બ્લોગ પર પણ એ નિર્ણયનો જાહેર સ્વીકાર કરેલો જેથી દોડવા માટે વહેલા ઉઠવાનું થાય તો મન પાછું ન પડે.

પૂર્વતૈયારીઓ રૂપે વડોદરામાં જન્માષ્ટમીની બે દિવસની મુલાકાત દરમ્યાન ખરીદી કરવામાં આવી. મુખ્યત્વે કોલંબસ(કંપની)ના શૂઝ ખરીદવામાં આવ્યા.

હાફપેન્ટ અને નાઈકનું એક સરસ ટી-શર્ટ મિત્ર સુબાસ દ્વારા ભેટમાં આપવામાં આવેલા અને વપરાયા વગરના પડી રહ્યા હતા તેનો ઉપયોગ કરવાનું સરસ બહાનું પણ મળ્યું છે.

અને હા, એક મોટી તૈયારી છે ગીતોની જે એક અલગ પોસ્ટ દ્વારા પ્રસ્તુત કરીશ.

ચલો આઝાદીના દિવસથી એક નવી પ્રવૃત્તિ…

‘ઓપ્ટિમમ’ જરૂરીયાતો સાથેના જીવન તરફ પ્રથમ પગલું…

અલ્પ – ઓપ્ટિમમ – લઘુત્તમ અને મહત્તમ વચ્ચેની એક એવી સ્થિતિ જેમાં જીવન સ્થિરતાપૂર્વક જીવી શકાય એટલી જરૂરીયાતો સાથે જીવનને સરળ બનાવવાની વાત વિશે લખવાનું મન હતું જ. એક શરૂઆત રૂપે પ્રથમ પોસ્ટ “સરળ જીવનની માર્ગદર્શિકા… Smile & Breathe…” લખી હતી.

એ માટે લિઓની ઝેનહેબિટ્સનો આશરો લીધેલો એ પણ ન રાખવો જોઈએ એમ લાગે છે. આપણું જીવન અને પદ્ધતિ પશ્ચિમથી ઘણી અલગ છે તો તેમની રીતો આપણે કઈ રીતે ઉપયોગી થઈ શકે? એ તો આપણે પોતે જ નક્કી કરવું પડે. એટલે હવેથી આ ક્ષેત્રમાં વિચારપૂર્વક અને વધુ સુદ્રઢ લખવું પણ પોતાના જ અનુભવ અને વિચારધારાને વળગી રહેવું એમ નક્કી કર્યું છે. પ્રસ્તુત પોસ્ટ એ દિશામાં પ્રથમ પગલું છે.

આપણું જીવન કેટલુ કોમ્પ્લેક્સ છે? જીવનને સરળ કરવા તેમાંની ગૂંચવણભરી બાબતોને દૂર કરવી જોઈએ, સરળતામાં ઉમેરો કરવો જોઈએ અને જરૂરીયાતો બને તેટલી ઓછી કરવી જોઈએ એવા પ્રાથમિક તારણો સાથે કેટલીક ટેવો, જરૂરીયાતો, માન્યતાઓ, ઈચ્છાઓ અને પદ્ધતિઓમાં ફેરફાર જરૂરી થઈ પડે છે.

મિલિયોનેર બનવાની કે સફળ થવાની ગેરેંટી આપતા અનેક પુસ્તકો ‘પોઝિટીવ થિંકીંગ’ના નામે ઉપલબ્ધ છે, પણ એ વાંચવાથી કોને ફાયદો થાય છે એ વિશે કોઈ જાણકારી નથી. મોટાભાગના પુસ્તકો પશ્ચિમની ઉપજ છે, તેમના ભાષાંતરો આપણી પાસે ઉપલબ્ધ થઈ રહ્યા છે પણ એને જોઈને લાગે છે કે એ આપણા માટે ગૂંચવણ ઓછી કરવાને બદલે વધારે છે. અને એવા પુસ્તકો આપણા ભારતીય લેખકો દ્વારા લખાયેલ હોય તો પણ મને લાગે છે કે સમયના એક નાનકડા ભાગમાં, ખૂબ નાનકડા ભાગમાં એ પુસ્તકો પોતાનો પ્રભાવ છોડે એ શક્ય છે, પરંતુ એ પ્રભાવ કે અસર અલ્પજીવી હોય છે.

હવે વાત મારી – અમારી – આપણી. પ્રયત્ન છે જીવનને સરળ કરવાનો, આ દિશામાં ફક્ત વિચારો નહીં, અનુભવો લખવાનો હેતુ છે, અને એ અનુભવો લખતા પહેલા અમલમાં મૂકવાનો પણ પ્રયત્ન કરવો છે. આ સફરમાં આપ સર્વે વડીલો અને મિત્રોનો સાથ જરૂરી છે.

જરૂરીયાતોને મિનિમાઈઝ કરવાની વાત કરતા મને અમારા પ્રોજેક્ટ મેનેજમેન્ટ દરમ્યાન શીખવવામાં આવેલ ઓપ્ટિમાઈઝેશન ઓફ રિસોર્સીસ વધુ તર્કસંગત લાગે છે. જે જરૂરી છે એવી વસ્તુઓ ન હોય તો પણ ખરીદવી, સામે પક્ષે બિનજરૂરી વ્યય ઘટાડવો આમ જરૂરીયાતોનું સ્તર મિનિમમ કે મેક્સિમમને બદલે ઓપ્ટિમમ રાખવું.

બૃહદ અર્થમાં મિનિમલિઝમ અથવા લઘુત્તમ જરૂરીયાતો સાથેનું જીવન એ કરકસર નથી, એ પોતાની જરૂરીયાતોને ઓળખીને વધારાની બાબતોને કાઢી નાખવાની વાત છે. મારી આ દિશામાં વિચારધારાને મારા આ અંગત બ્લોગના માધ્યમથી અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન મારા પોતાના માટે પણ એક ‘ચેક’ પોઈન્ટ બની રહે એવી ઈચ્છા છે, એક માર્ગદર્શિકા જેનો દરેક જરૂરત સમયે ઉપયોગ કરી શકાય.

જરૂરીયાત ઓછી કરવાની દિશામાં એક એક પગલાં વિચારપૂર્વક લેવાના થાય છે, અને એમાં મારો સૌપ્રથમ પ્રયત્ન છે સમયના ઓપ્ટિમમ ઉપયોગનો.

તો બે અગત્યના નિર્ણયો…

ટીવી જોવાનો સમય ઘટાડીને ફક્ત એક કલાક કરવો, વધેલા સમયમાં પરિવાર સાથે બેસવું, ચાલવા જવું વગેરે… જો કે આ નિર્ણયમાંથી હાલમાં હાર્દીને બાકાત રખાઈ છે અને તેને તેનો એક કલાકનો સાંજે CN માટે મળતો સમય યથાવત રખાયો છે.  અને (છેલ્લા ચાર મહીનાથી કંપની તરફથી મળેલ ટવેરામાં પીપાવાવ જતા સતત વાગતા ગીતને લીધે) છૂટી ગયેલ વાંચન ફરી શરૂ કરવું. એ રીતે લખવાનો સમય પણ વધશે અને છેલ્લા થોડાક દિવસથી ખોરંભે પડેલુ પુસ્તક ‘251 અનોખી અને ઉપયોગી વેબસાઈટ્સ’ સમાપ્ત કરવાનું કામ હાથમાં લેવાશે. એ ઉપરાંત સવાઈબેટ વિશેની ડોક્યુમેન્ટરી તથા અન્ય નવા વિચારેલા પણ કદી શરૂ ન કરી શકાયેલ પ્રોજેક્ટ્સ હાથ પર લેવા.

અને

રોજ સવારે નોકરીએ / શાળાએ પહોંચવાની દોડાદોડી ટાળવા અને પ્રાત:કાર્યો સરળતાથી પૂરા કરવા પૂરતો સમય મળી રહે તે રીતે જાગવું. રોજ સવારે 6.00 વાગ્યે અચૂક ઉઠી જવું. દોડવાનું શરૂ કરવું, કાર્તિકભાઈના બ્લોગ દ્વારા દોડવાની પદ્ધતિ અને ક્ષમતાઓ વગેરે વિશે માહિતિ મળતી રહે છે, એ જ દિશામાં આગળ વધવાની ઈચ્છા છે, રોજ દોડવા જવું. નોંધવાલાયક બાબત એ છે કે દોડવા માટે ગયા અઠવાડીયે મારા જ એક સહકર્મચારી અમૃતભાઈને હા પાડ્યા પછી અને સવારે પાંચ વાગ્યે બે દિવસ તેમનો ફોન આવ્યા છતાં ઉંઘ ઉડી નહોતી અને કંટાળીને તેમણે દોડવાનું છોડી દીધું છે એ પણ ફરી શરૂ કરાવવાનો પ્રયત્ન કરવો છે. આ માટે રેફરન્સ કમ્પ્લીટ રનિંગની વેબસાઈટ પરથી તથા રનર્સ રિસોર્સ પરથી મળી રહી છે.

આ જ અનુસંધાને પિનટરેસ્ટ પર બે ઉપયોગી ફોટા અને કડી પિન કરી છે…

દોડવાનું શરૂ કરવાની તારીખ છે 15 ઓગસ્ટ….