હરકિસન મહેતાની અદ્રુત નવલ ‘લય-પ્રલય’

સ્વ. શ્રી હરકિસન મહેતાની નવલકથાઓનો હું બાળપણથી ગાંડો આશિક, શાળાના પુસ્તકાલયમાં કેટલીય વખત અભ્યાસને બદલે તેમની નવલકથાઓ વાંચી છે, વેકેશનમાં ખાધા પીધા વગર તેમની નવલકથાઓ વાંચ્યાનું પણ સ્મરણ છે. એટલે હવે મારા પોતાના ઘરમાં જ ઉભા થઈ ગયેલા પુસ્તકાલયમાં જ્યારે તેમની નવલકથાઓનો આખોય સેટ વસાવ્યો ત્યારે એક અજબનો રોમાંચ થઈ ગયેલો. તુલસી ને ચિંતન, અનાર અને હાઈનેસ, ઓમકાર અને તાન્યા, આમિરઅલી અને જગ્ગા…. કેટકેટલા પાત્રો આળસ મરડીને વિચારતંત્રમાં બેઠા થઈ ગયા.

ઉત્સાહપૂર્વક વાંચનની શરૂઆત કરાઈ, પ્રતિભાએ વાંચવાની શરૂઆત ‘જડ-ચેતન’થી કરી અને મેં ‘લય-પ્રલય’થી.

લય-પ્રલયની શરૂઆતથી જ ઓમકારનું નબળુ મનોબળ અને અનિશ્ચિત માનસીકતા વાચકને અવઢવમાં મૂકી દે છે, એની સાથે થઈ રહેલા પ્રસંગો અને ઘટનાઓ જાણે આપણી સાથે થઈ રહ્યા હોય એટલી સહજતાથી એ વાચકના મનને જકડે છે, અને સાવ સરળતાથી હાઈનેસના સ્વાંગમાં ફરતા કમાલના જાળમાં જ્યારે તે સપડાઈ જાય છે ત્યારથી શરૂ થતી પકડાપકડી છેક નવલકથાના ત્રીજા ભાગના અંત સુધી જકડી રાખે છે.

અધધધ કહી શકાય એવા કુલ પંદરસો પેજ, ત્રણ બૃહદ વિભાગોમાં વહેંચાયેલી આ નવલકથા અનોખી સર્જનાત્મકતાનો પરિચય કરાવે છે. અપાર વૈવિધ્ય ભરેલી પાત્રસૃષ્ટી સ્વ. હરકિસન મહેતા જેવી વિકસાવી અને ગૂંથી જાણે છે એવી પાત્રોની વૈવિધ્યતા ભાગ્યે જ કોઈ અન્ય લેખક વિકસાવી શક્યા હશે. યોગ્ય સમયે પાત્રપ્રવેશ તેમની હથોટી છે, તો ઘટનાઓને આધારે આવતા-જતા પાત્રો, નહીં કે પાત્રોને લીધે અસર પામતી ઘટનાઓ – વાર્તાના રસને સતત જાળવી રાખે છે. કથાનો મૂળ પ્લોટ સજ્જડ અને રસપ્રદ છે, તેમાં સાથે વણાયેલી અનેક ઘટનાઓ વાચકની ઉત્સુકતામાં વધારો કરે છે અને ચરમસીમા સુધી જતા અનેક સબ-પ્લોટ વાચકોના રૂંવાડા ઉભા કરી ઘટના સાથે તેમને ઓતપ્રોત કરી દે છે.

ઓમકાર લાસવેગાસમાં રહે છે, તે એક અણુવિજ્ઞાની છે, જુગાર રમવાની લતને લઈને દેવાળીયા થઈ ગયો હોવાથી આત્મહત્યા કરવા સુધીનું પગલું ભરવા એ તૈયાર થાય છે. અણીના સમયે તેને ભરપૂર નાણાંકીય મદદ કરનાર હિઝ હાઈનેસ કમાલસિંહ સૂર્યવંશી બદલામાં તેને એક મિશનમાં મદદ થવાનું કહે છે. ઓમકારને એ કહે છે કે દેશભક્તિનું આ મિશન છે કરાંચી બંદરે અણુવિસ્ફોટની ધમકી આપી કાશ્મિરને પાકિસ્તાનના કબજામાંથી મુક્ત કરાવવું. જો કે હાઈનેસના સ્વાંગમાં ફરતી વ્યક્તિ છે આતંકવાદી કમાલ હસન કાશ્મીરી અને મકસદ છે મુંબઈના કિનારે અણુહુમલાની ધમકી આપી કાશ્મિરને ભારત અને પાકિસ્તાન બંનેના કબજામાંથી મુક્ત કરાવવાની.

આ આખીય નવલકથાની સનસનાટી શરૂ થાય છે એ બધાંયના શિપ ‘ઑશન કિંગ ૧’ ની યાત્રાથી અને સાથે વાચક માટે શરૂ થાય છે ક્ષણે ક્ષણે આતુરતા વધારતી ઘટનાઓની શૃંખલા. ક્યારેક પાત્રોને અને તેમની છબીને વિકસાવવાની હરકિસન મહેતાની હથોટીની ઈર્ષ્યા પણ થઈ આવે, કેટકેટલા પાત્રો તેમણે વિકસાવ્યા છે જેમના ગુણધર્મો અને સ્વભાવ એકબીજાથી તદ્દન ભિન્ન છે, ઓમકાર, આત્મા, કમલ હસન કાશ્મીરી ઉર્ફે હિઝ હાઈનેસ કમલસિંહ સૂર્યવંશી, વહીદા, તાન્યા, અમૃતા, અનાર, લેડી ગેટી, સિદ્ધિ, યોગી તાંત્રિક કૃષ્ણમૂર્તિ, મૌલાના સરફરાઝ ફઝલ, ગુલઝાર, મેક્સવેલ, કેથરીન, ઝુલ્ફીકાર… કેટકેટલા પાત્રો અને તેમની અનેક કહાનીઓ ઑકે વનના એક તાંતણે ગૂંથાઈને બનાવે છે એક અદ્રુત નવલકથા, લય-પ્રલય.

વહીદાનું રહસ્યમય આગમન અને કમકમાટીભર્યું મોત, મેક્સવેલ – ઈન્ટરપોલ એજન્ટની બાહોશીભરી કામગીરી, તાન્યાનું ઓમકારની નજીક આવવું અને મેક્સવેલની સાથે અચાનક જ દુશ્મનોને શોધવાના અભિયાનમાં જોડાઈ જવું, સ્વામીજીની તાંત્રિક વિધિ અને હાઈનેસનો ભૂતકાળ, હીરાના હારની ચોરી, બાર્બરાના માધ્યમથી અમેરીકાની આ આખાય કાવતરામાં શંકાસ્પદ સંડોવણી, અમૃતા અને આત્માનું લાગણીસભર જોડાણ, સિદ્ધિનું તેના પતિ વિમલ સાથે શિપ પર આગમન, શિપમાં ફીટ કરેલ અણુબોમ્બ, વીસ તમિલ આતંકીઓનો કબજો અને ત્યાર પછી સતત ઉપર વધતો વાચકની ઉત્તેજનાનો પારો આખરે હાઈનેસ શિપનો કબજો લઈ લે છે ત્યાં સુધી પહોંચે છે. છેલ્લા ત્રણસો પાના વાંચી જવાની લાલચ સરકારી અધિકારીને મળતી લાંચની લાલચ જેટલી સખત થઈ જાય છે.

લય-પ્રલયના પ્રથમ ભાગને હાથમાં લીધો ત્યાં જ કારમાં મારી સાથે ઑફિસ સુધી આવતા સહકર્મચારી સૂર્યકાંતભાઈએ વાંચવા માંગી, તેમણે એ વાંચવાની શરૂઆત કરી, પ્રથમ ભાગ પૂરો કર્યો એ અમારા એક સહકર્મચારી રાજેશભાઈએ માંગ્યો, તેમની પાસેથી એ તેમના મોટા ભાઈ અને અમારી જ કંપનીની અન્ય એક સહયોગી સંસ્થાના ડાયરેક્ટર ચંદ્રેશભાઈએ માંગ્યો, એમ મુસાફરી પછી પહેલો ભાગ મારા સુધી પહોંચ્યો ત્યાં તો પ્રતિભાએ જડ-ચેતન પૂરી કરી લીધી, એટલે તેણે લય-પ્રલય વાંચવાનું શરૂ કર્યું.

આખરે તેના પછી લય-પ્રલય વાંચવાનો મારો વારો આવ્યો. ત્રણ ભાગ લગભગ છ દિવસમાં વાંચ્યા, ઉત્તેજના અને ઈંતેજારી રોકી શકવાની અસમર્થતાને લીધે નોકરી પછી રાત્રે બબ્બે વાગ્યા સુધી વાંચવાનું ચાલ્યુ. અને અંત આવ્યો ત્યારે જાણે કોઈક ખૂબ અગત્યનો ઘટનાક્રમ પૂરો થઈ ગયો હોય એમ ખાલીપાનો અહેસાસ પણ થયો, ઓમકાર, આત્મા, તાન્યા, અમૃતા અને યોગી કૃષ્ણમૂર્તિ જાણે આસપાસના જ પાત્રો હોય એમ લાગવા માંડ્યુ છે. એક નવલકથાના રોમાંચને, ઉત્સુકતાને, પાત્રસૃષ્ટીને કથાના મૂળભૂત તંતુની સાથે સતત બાંધેલા રાખીને આવડો મોટો બૃહદ ગ્રંથ સર્જી શકવાની ક્ષમતા ગુજરાતી લેખકોમાં તો ફક્ત હરકિસનભાઈએ જ હાંસલ કરી જાણી.

હવે વાંચવામાં આવી રહી છે રહોન્ડા બ્રાયનની ‘ધ સીક્રેટ’ જે મારા ટેબમાં ઈ-પુસ્તક તથા ઑડીયો પુસ્તક સ્વરૂપે છે. થોડાક દિવસમાં તેનો પણ પરિચય કરીશું.

Advertisements

15 thoughts on “હરકિસન મહેતાની અદ્રુત નવલ ‘લય-પ્રલય’

 1. લય-પ્રલય મેં ચિત્રલેખામાં હપ્તાવાર વાંચેલી પછી ફરી એક વખત વાંચેલી. એમની નવલકથાઓમાં પીળા રુમાલની ગાંઠ અને જગ્ગા ડાકુના વેરનાં વળામણાં મને સૌથી વધુ ગમી છે.

  Like

  • હં, જો કે મને સૌથી વધુ સ્પર્શી છે જડ ચેતન, એમાંય ખાસ કરીને તુલસીને હોશ આવ્યા પછી મળેલી અનોખી શક્તિને લીધે થતો ઘટનાક્રમ ખૂબ મજેદાર વાંચન છે.

   એ અલગ અને દુ:ખદ વાત છે કે જેના પરથી આ આખીય નવલ લખાઈ છે એ અરુણા શાનબાગ કદી હોશમાં આવી શક્યા નથી… નાનપણમાં પીળા રૂમાલની ગાંઠ વાંચી ક્યારેક ખભે રૂમાલ લટકાવી દીધાનું યાદ છે ખરું… 😉

   Like

 2. જ્યારે ‘ચિત્રલેખા’ના તંત્રી સ્વ. હરકિશન મહેતા સાહેબ પોતે હતા અને જ્યારે ‘ચિત્રલેખા’ ખરા અર્થમાં સદા અગ્રેસર હતું ત્યારે ‘જડ-ચેતન’ નવલકથા હપ્તાવાર છપાતી (1984/85) ત્યારે નિયમિત વાંચતો. તે પછી લાયબ્રેરીમાંથી પુસ્તકો લાવીને તેમની નવલકથાઓ રાતના ઉજાગરા કરીને વાંચી છે.

  Like

 3. મારા પણ પ્રિય લેખક .. એમની લેખનશૈલી .. એમની કૃતિઓના જીવંત પાત્રો .. ખરેખર અદ્ભૂત ..!! જીગ્નેશભાઈ, વીકિપીડીયા પર હરકિસન મહેતાનું પાનું બનાવવાનો વિચાર ખૂબ જ ગમ્યો .. લંડન માં ઓપીનિયન તંત્રીશ્રી વિપૂલભાઈએ એક મીટિંગ અરેન્જ કરેલી ત્યારે શ્રીધવલભાઈ વ્યાસને મલવાનું થયેલ જેઓ ગુજરાતી વિકિપીડિયા (Gujarati Wikipedia) માટે આપને મદદરૂપ થઈ શકે..

  Like

 4. લેખકો તો ઘણા છે, પણ ઘણી વખત હપ્તાવાર લાંબી નવલકથા લખાતી હોય છે ત્યારે આગળ જતાં ઘટનાક્રમમાં બરાબર પકડ રહેતી નથી, પણ શ્રી હરકિશનભાઈની એજ ખુબી છે, કે મુળ વાતથી જરાય ફંટાયા સિવાય ખુબીથી વાર્તા આગળ લઈ જવી અને વાંચકની આગળના પ્રકરણ માટેની કોઈ કલ્પના પણ કામ ન લાગે અને વાંચકની જીજ્ઞાસા, કુતુહલતા અખંડ રાખવી. તેમના “જડ ચેતન”ના “તુલસી-ચિંતન” પાત્રો તો અમર થઈ ગયા છે.

  Like

 5. બે’ક વરસ પહેલા ‘લય-પ્રલય’ વાંચી હતી.
  હવે ફિક્શન કરતા નોન-ફિકશન તરફ વધુ ઢળી રહ્યો છું અને એમાં ય અશ્વિની ભટ્ટ કે હ.મ. ની નવલકથાઓ તો બબ્બે-ત્રણ ત્રણ ભાગમાં હોય એટલે બૂક હાથમાં લેતા અચકાવ.
  હમણા દિનકર જોશીની ‘પ્રતિનાયક’ વાંચું છું જો કે આને ફિકશન તો ના જ કહેવાય ને !

  હ.મ. અને એમના સાહિત્ય વિષે સૌરભ શાહ સંપાદિત “સર્જન-વિસર્જન” પણ વાંચવા જેવી ખરી . જે વાંચી હતી અને (એપ્રિલ 2010માં) પોસ્ટ પણ મૂકી હતી.

  Like

 6. ચિત્રલેખા એક વિવિધતા-સભર ગુજ. મેગેઝિન… ઘણા ચાહકો….સુચારુ સાહિત્યના વાંચનના
  ” કીડા”…સૌરાષ્ટ્રની તળપદી ભાષામાં ‘ “રહનું ગોયું” …”આદુ ખાઈને પાછળ પડી જાય”…જેવું”…= કેડો ના મુકે…તેવું…. જીગ્નેશભાઈએ રોચક-રસભરી બાનીમાં વાતો મૂકી છે…મૂળ વસ્તુ તો સરસ જ છે…સહુનો આભાર…” સારી વાતો..ના શેરિંગ બદલ …-લા’ / ૨૨-૫-૧૩

  Like

 7. હરકિસન મહેતાની દરેક નવલકથા મેં પણ લગભગ પાગલ બનીને માણી છે.. અને લય-પ્રલય– એ તો ઓલ ટાઇમ ફેવરીટ માંની એક.. જીગ્નેશ ભાઇ, તમારો બ્લોગ વાંચવો પણ ખુબ ગમે છે…

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s