સ્પન્ક – બોલ્ડ વિનોદી ‘આજની પેઢી’ માટેનું નાટક

Play Spunk by Akarsh Khurana

Play ‘Spunk’ by Akarsh Khurana

સ્પન્ક એટલે ધૈર્ય, હિંમત, જુસ્સો, ઓસ્ટ્રેલીયા કે ન્યૂઝીલેન્ડમાં ચીડવવા માટે વપરાતો શબ્દ, પણ જે નાટકના સંદર્ભમાં હું આ વાત કરી રહ્યો છું એ રીતે તેનો અર્થ થાય છે પ્રજોત્પત્તિ કરનારું પુરુષબીજ.

સ્પન્ક વાત છે બ્રિજેશ (અમોલ પરાશર)ની, જે ટીવી / ફિલ્મ માટે ઑડીશન આપવા ફરે છે. એ દરમ્યાનમાં એક ઑડીશનમાં તે નિર્માતા અંજલી (ગીતિકા ત્યાગી) ને મળે છે જે ઑડીશન લઈ રહી છે. તેની અંદર છુપાયેલ સ્પાર્કને જોવા અંજલી તેને અભિનય છોડી સાવ સામાન્યપણે પોતાના વિશે જણાવવા કહે છે – એ દરમ્યાનમાં જ બ્રિજેશ તેને પોતાની એક આગવી ખાસીયતની વાત કહે છે જેથી અંજલી ચોંકી જાય છે. વૈજ્ઞાનિક રીતે પાયાવિહોણી એવી આ ખાસીયત છે બ્રિજેશમાં રહેલા ફક્ત Y ક્રોમોસોમની. પુરુષમાં બે પ્રકારના ક્રોમોસોમ હોય છે, X અને Y, જે સ્ત્રીના X ક્રોમોસોમ સાથે મળે છે, XX હોય તો પુત્રી અને XY હોય તો પુત્ર જન્મે છે. પરંતુ સ્પર્મબેંકમાં નિયમિત ડૉનર એવા બ્રિજેશને ખ્યાલ આવે છે કે તેનામાં ફક્ત Y ક્રોમોસોમ જ છે, અને તેનાથી થયેલ બધા બાળકો નર છે એવુ તેને જણાવે છે સ્પર્મબેંકની કર્મચારી રીયા (મલાઈકા શિનોય). રીયા અને બ્રિજેશ એક યોજના બનાવે છે જે અંતર્ગત સ્પર્મબેંકની સેવાઓ લેતી મહિલાઓને રીયા અંગત રીતે એ વાતની જાણ કરે છે કે જો તેમને પુત્ર જોઈતો હોય તો એ વાતની ખાત્રી તે આપી શકે છે. અને આમ તેમની પાસેથી એ વિશેષ સેવાના ટેબલ નીચેથી વધુ પૈસા ઉઘરાવે છે અને ભારતમાં જેમને ફક્ત પુત્ર જોઈએ છે એવા લોકોની ક્યાં તંગી છે? તેમની પાસે લોકોની લાંબી યાદી છે જેમને ફક્ત પુત્ર જોઈએ છે.

રીયા તેના પતિથી અલગ તેમની પુત્રી સાથે રહે છે અને એ પુત્રીનો કબજો મેળવવા તેનો પતિ સતત કાયદાકીય પગલા લઈ રહ્યો છે એ વાતે તે ચિંતિત પણ છે. સરળતાથી ચાલતી તેમની જિંદગીમાં અંજલી આવે છે જેને બ્રિજેશમાં રસ છે કારણકે તેને પણ પુત્ર જોઈએ છે, પરંતુ સ્પર્મબેંકથી નહીં, એટલે એ બ્રિજેશ સાથે ગાઢ નિકટતા કેળવે છે. જેથી રીયા માટે કે તેમની ગ્રાહકોની લાંબી કતાર માટે બ્રિજેશ સમય ફાળવી શક્તો નથી. અને થોડાક સમય પછી ખબર પડે છે કે અંજલી પણ ગર્ભવતી થઈ રહી નથી.

અહીં સુધી મને નાટક રસપ્રદ લાગ્યું હતું, પરંતુ પછી એક મરાઠી સ્ત્રીનું પુત્રવાંછના સાથે આગમન, તેના પતિથી વાત છુપાવવાની રિયાની સલાહ, થોડાક મરાઠી – હિન્દી મિશ્ર ડાયલોગ અને એવી આખીય સીકવન્સ વધારે પડતી લાગે છે જે હાસ્યનો ઓવરડોઝ કરવાના પ્રયત્નમાં નિષ્પ્રાય થઈ જતી જણાય છે. અંજલી અને બ્રિજેશ વચ્ચેના ‘ઈમરાન હાશ્મી’ પ્રકારના અને એથીય વધુ સાહસિક દ્રશ્યો નાટકમાં જોયા ન હોવાને લીધે મને અને વિનયભાઈ ઓઝાને અજુગતુ લાગ્યું હતું, પણ એ દ્રશ્યોમાં સ્મશાનવત શાંતિ પથરાઈ ગઈ હતી.

નાટકની સૌથી રસપ્રદ અને મજેદાર ઘટના બને છે જ્યારે અંજલી બ્રિજેશને તેના ‘ભવિષ્યવેતા’ (સુમિત વ્યાસ) પાસે લઈ જાય છે. એ બંને અંજલી વિશે, બ્રિજેશ વિશે અને તેની વિશેષતા વિશે અંજલીની ગેરહાજરીમાં વિગતે વાતો કરે છે એ આખુંય દ્રશ્ય નાટકનો પ્રાણ છે, સાવ સહજ રીતે બોલાયેલ લાંબા ડાયલોગ, અભિનય અને સૂક્ષ્મ હાસ્ય નિષ્પન્ન કરાવવાની બધા અભિનેતા-અભિનેત્રીઓની હથોટી એ દ્રશ્યને મજેદાર બનાવે છે અને વચ્ચે થોડીક વાર શુષ્કતા અનુભવી રહેલ પ્રેક્ષક ફરી જીવંત થાય છે.

અંતે પેલી મરાઠી બાઈના પતિને આખીય ઘટના અને બાળક વિશે ખબર પડે છે અને તે બ્રિજેશને મારે છે જેથી તેની અનોખી ભેટ નકામી થઈ જાય છે. નાટકમાં પેલા ‘ભવિષ્યવેતા’ દ્વારા બોલાયેલ શબ્દો આખાય નાટકનો હાર્દ કહી જતા લાગે છે, તેનો અભિનય અને આત્મવિશ્વાસ આખાય નાટકમાં ઉડીને આંખે વળગે છે.

બોલ્ડ ડાયલોગ / દ્રશ્યોની જરૂરત વિશે મતાંતર હોઈ શકે છે, વાર્તાના પ્રવાહ અને દિશા વિશે પણ મતાંતરો હોઈ શકે છે પણ આ આખાય નાટકની પ્રસ્તુતિ, દિગ્દર્શન, સહજતા અને ડાયલોગ્સ ખરેખર નોંધપાત્ર છે અને એ માટે લેખક / દિગ્દર્શક સિદ્ધાર્થ કુમાર અને આકર્ષ ખુરાના અભિનંદનને પાત્ર છે. પૃથ્વીની મર્યાદીત સ્ટેજસ્પેસ અને ખૂબ ઓછી સાધનસામગ્રી વડે બધા દ્રશ્યોને લાઈટના અદભુત સમન્વયથી પ્રસ્તુત કરવા બદલ પૃથ્વી થિયેટરનો સ્ટાફ પણ એટલો જ અભિનંદનને પાત્ર છે.

akvarious productions is at @AkvariousProdns on twitter, writer Siddharth is at @artofsid and Brijesh played by Amol Parashar is at @amolparashar

1 thoughts on “સ્પન્ક – બોલ્ડ વિનોદી ‘આજની પેઢી’ માટેનું નાટક

Leave a comment