શટર આયલેન્ડ – ફિલ્મ સમીક્ષા

યુ.એસ માર્શલ એડવર્ડ ડેનિયલ અને તેનો મિત્ર ચક એક ટાપુ પર આવેલ ઘાતક માનસીક રોગીઓને કેદ કરી સારવાર માટે રખાય છે એ હોસ્પિટલમાંથી ગાયબ થયેલી એવી જ એક દર્દી રેચલ સૉલેન્ડોની તપાસ માટે આવે છે જેણે પોતાના ત્રણેય બાળકોને ડુબાવીને મારી નાંખ્યા હોય છે. તપાસ દરમ્યાનમાં વાવાઝોડાને લીધે તેમને ટાપુ પર વધારે રોકાવું પડે છે અને દરમ્યાનમાં ડેનિયલને રેકોર્ડ આપવામાં આવતા નથી, દર્દી વિશેની વાતો પણ અચરજભરી લાગે છે. તેને બધુ શંકાસ્પદ લાગે છે, અને એ તપાસમાં ઉંડે ને ઉંડે ઉતરતો જાય છે.

લિયોનાર્ડો દ કેપ્રિઓ અને બેન કિંગ્સ્લેને સાથે જોવાની લાલચે આ ફિલ્મ જોવી શરૂ કરી, પણ શરૂઆતથી જ વાર્તા અસરકારક પકડ જમાવીને તેના પ્રવાહમાં ખેંચી રાખે છે, વાર્તાનો ફ્લો ધીમો છે અને નવલકથા પરથી બની હોવાને લીધે ફિલ્મ ક્યારેક વધુ પડતી વિવરણાત્મક બની જતી દેખાય છે પણ એ નાનકડી નબળાઇઓ સિવાય આખી ફિલ્મ સરસ છે.

ફિલ્મ એક સાયકોલોજીકલ થ્રિલર છે અને કેટલાક દ્રશ્યો ખરેખર કેમેરાની અદભુત કમાલ દેખાડે છે. સિનેમેટોગ્રાફી અને એડીટીંગની કમાલે ફિલ્મ ખરેખર સુંદર બની છે.

ફિલ્મમાં આગળ ખબર પડે છે કે ડેનિયલ પોતે ‘એન્ડ્ર્યુ લેડ્ડિસ’ નામનો દર્દી છે, તેની પત્નીએ તેમના ત્રણ બાળકોને તળાવમાં ડુબાડીને મારી નાંખ્યા હોય છે જેથી તેની પત્નીની તેણે હત્યા કરી હોય છે અને તેના માનસિક વિશ્વમાં એ પોતાની જાતને લડાઈની એક અદભુત સફળતાનો હીરો માને છે. તેના મગજનું ઓપરેશન કરી તેને નિર્દોષ કરી દેવાની પ્રક્રિયા ન કરી દેવી પડે તે માટે તેને અસલીયત સ્વીકારવાની સલાહ અપાય છે, અને બધુંય સાચું બોલી ગયા પછી ફરીથી તે ભ્રમણાના વિશ્વમાં પાછો ફરે છે. ફિલ્મનો અંત એક અજબનો સવાલ મૂકી જાય છે – ‘શું વધુ ખરાબ છે? – એક શયતાન તરીકે જીવવું કે એક સારા માણસ તરીકે મરી જવું?’ અંત પ્રેક્ષકો પર છોડી દેવાય છે.

દ કેપ્રિયોની ટાઈટેનિક સિવાય એવીએટર અને ગેંગ્સ ઓફ ન્યૂયોર્ક જોઈ છે, મહદંશે તેની ફિલ્મો મને ગમી છે – એ યાદીમાં આ ફિલ્મ એક ઉમેરો છે. ચોક્કસ જોવા જેવી, માણવા લાયક ફિલ્મ. આશ્ચર્ય છે કે આવી સુંદર વાર્તાની બોલિવુડમાં કેમ હજુ સુધી નકલ ન થઈ?

4 thoughts on “શટર આયલેન્ડ – ફિલ્મ સમીક્ષા

  1. શટર આઇલેન્ડ જ્યારે જોયું ત્યારે દિવસો સુધી તમે પૂછેલો સવાલ મનમાં ઉદ્ભવતો રહેતો હતો!!

    લિયોનાર્ડોની બીજી મસ્ત મુવી જોવી હોય તો ‘જાંગો અનચેઇન્ડ’ જોઇ લેજો! હંમેશ મુજબ તેની એક્ટિંગ અદ્ભૂત છે એમાં.

    Like

Leave a comment