મહાબળેશ્વરમાં બે દિવસ..

એક પ્રસંગને અનુલક્ષીને મુંબઈ જવાનું થયું અને એ અવસરનો ફાયદો લઈને અમે બે દિવસનો મહાબળેશ્વરનો પ્રવાસ પણ ગોઠવી દીધો. પોતાના જ વ્યસ્ત સમયમાંથી આનંદની કેટલીક ક્ષણો ચોરવી પડે છે, પણ એ બે દિવસ મન ભરીને મહાબળેશ્વર – પંચગીની ભમ્યા, ફર્યા, જોયા.

મુંબઈથી જ એક પેકેજ ટૂર બુક કરાવી લીધી હતી જેમાં આવવા-જવા માટે વોલ્વો, રહેવાની, જમવાની અને સાઈટ-સીઈંગની વ્યવસ્થા સામેલ હતી. મુંબઈથી એક રાતની મુસાફરી પછી મહાબળેશ્વર પહોંચ્યા. સવારે રૂમ મળ્યો એટલે તૈયાર થઈને તપાસ કરી તો સાઈટ-સીઈંગ ફક્ત બીજા દિવસના ચાર કલાક પૂરતું જ છે એમ કહેવામાં આવ્યુ. અમે ટેક્સી કરીને મહાબળેશ્વરના મુખ્ય બજાર – બસ સ્ટેશન પાસે પહોંચ્યા, ત્યાં ટેક્ષી યુનિયનનો એક સરસ સ્ટોલ છે, વિવિધ સાઈટ-સીઈંગ પેકેજના ભાવ અને સમય લખેલા છે. અમે પણ અમારા પેકેજમાં નહોતું એ પેકેજ પસંદ કર્યું. ભાવ તો નક્કી જ હતા એટલે ટોકન દસ રૂપિયા આપીને ટેક્સી મેળવવાની હતી, એ પછી શરૂ થઈ મહાબળેશ્વર ભ્રમણની પ્રવૃત્તિ.

બોબિંગ્ટન પોઈન્ટ, ગણેશ મંદિર, પ્લેટો પોઈન્ટ, કિંગ્સ ચેર, કેટ્સ પોઈન્ટ, ઈકો પોઈન્ટ, નીડલ પોઈન્ટ, પારસી પોઈન્ટ અને ભીલારનો ધોધ જોવાનું આખુંય પેકેજ અમે નક્કી કર્યું અને નીકળી પડ્યા.

બોબિંગ્ટન પોઈન્ટ પહાડી રસ્તાના કિનારે એક ઉંચો ચબૂતરો છે, ત્યાંથી પહાડોને, આસપાસના જંગલો તથા નદીને જોવાની જગ્યા છે. અમે ત્યાં થોડીક ક્ષણો ગાળી અને આગળ વધ્યા. મચુતર નામના ગામડા પાસે હાઈવેની નજીક જ એક ગણેશ મંદિર છે, જેની પાછળથી જંગલમાં થઈને રસ્તો કિંગ્સ ચેર નામે ઓળખાતા સ્થળે જાય છે. મંદિરે દર્શન કરી અમે પણ જંગલના એ રસ્તે ચાલી નીકળ્યા. અહીં ટેકરીની સપાટ ટોચ પર બેસવાની સગવડ છે જ્યાંથી આસપાસના જંગલોથી ગાઢ રીતે આચ્છાદીત પહાડો સુંદર દ્રશ્ય આપે છે. અહીં અમે ફોટા પાડવાની મેરેથોન શરૂઆત કરી.

ઈકો પોઈન્ટ અને નીડલ હોલ પોઈન્ટ પાસેપાસે જ આવેલા છે. ઈકો પોઈન્ટ પરથી બૂમ પાડીએ એટલે ત્રણ ચાર પડઘા સંભળાય, જો કે લોકોનો ઘોંઘાટ એટલો હોય છે કે ભાગ્યે જ એક પડઘો તમે સાંભળી શકો. હાથીના મસ્તક જેવા પથ્થરના આકાર પર ઉભા રહેવાની જગ્યા બનાવાઈ છે તેને કેટ્સ પોઈન્ટ કહે છે. અહીંથી એસ્ટ્રોનોમીકલ બાઈનોક્યૂલરથી અમે આસપાસનો ઘણો વિસ્તાર વ્યવસ્થિત રીતે જોઈ શક્યા. અહીંથી જોયેલ મુખ્ય પોઈન્ટ્સ

1. કોઈ મિલ ગયા ફિલ્મનું પ્રીતી ઝિન્ટાનું ઘર જોયું જ્યાં હ્રિતિક રોશન બોર્નવીટા માંગતો દેખાડાયો છે.
2. રબ ને બનાદી જોડી ફિલ્મના ટાઈટલ ગીત ‘તુજમેં રબ દીખતા હૈ’ નું શૂટીંગ થયું છે તે મંદિર જોયું.
3. ક્રિષ્ના નદી પરનો ડેમ જોયો
4. સિંઘમના ટાઈટલ ગીતમાં બતાવાયુ છે તે મંદિર જોયું.

અહીંથી અમે પારસી પોઈન્ટ તરફ આગળ વધ્યા. પહેલા આ વિસ્તારમાં પારસીઓનો વસવાટ હતો એમ અમારા ડ્રાઈવરનું કહેવું છે, પરંતુ સમય જતાં તેઓ જતા રહ્યા અને તેમનું નામ આ પોઈન્ટ સાથે જોડાયું. અહીંથી ક્રિષ્ણા નદીનું વહેણ, ત્રણ પહાડો અને અનેક ટેકરીઓથી ઘેરાયેલ તેનો વિશાળ વિસ્તાર ખૂબ સરસ રીતે દેખાય છે, ત્યાંથી થોડેક જ દૂર સિડની પોઈન્ટ છે. આ બંને પરથી તળેટીમાંના અનેક નાના ગામ તથા ફિલ્મ્સના સેટ જોયા. અહીં પણ એસ્ટ્રોનોમીકલ બાઈનોક્યૂલરથી

1. રાજા હિન્દુસ્તાની ફિલ્મમાં દેખાડાયેલ પાલનખેટ ગામ
2. બેટા ફિલ્મમાં દેખાડાયેલ મંદિર
3. ટેબલ લેન્ડ, ભારતનો સૌથી મોટો પહાડ પરનો સપાટ વિસ્તાર
જ્યાં અનેક ફિલ્મોના ક્લાઈમેક્સ અને ગીતોનું શૂટીંગ થયું છે.
4. આમિરખાનનો બંગલો
વગેરે દેખાડ્યા, પણ અહીંથી મુખ્ય આકર્ષણ હતું ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસનું થઈ રહેલ શૂટીંગ. શાહરૂખખાન જ્યાં શૂટીંગ કરી રહ્યો હતો તે ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મનો આખો સેટ, યુનિટ, કલાકારોની વાન અને શૂટીંગ અમે ઘણી વાર સુધી જોયું.

ત્યાંથી અમને ડ્રાઈવર ન્યૂ ઈરા હાઈસ્કૂલ લઈ ગયા, જ્યાં ફિલ્મ તારે ઝમીન પર ના હોસ્ટેલ – શાળાના કેટલાક દ્રશ્યોનું શૂટીંગ થયું છે. હાર્દીને એ જોવાનો ખૂબ ઉત્સાહ હતો એટલે તેને મજા પડી ગઈ.

અંતે ભીલારનો ધોધ જોવા ગયા જ્યાં ખાસ્સુ ચાલવું પડ્યું અને કોઈ ન હોવાને લીધે રસ્તો ભૂલી ગયા છીએ એમ પણ લાગ્યું પણ ચાલતા ચાલતા આખરે એક મૃતપ્રાય: ધોધના દર્શન થયા ખરાં. જો કે થોડાક જ દિવસમાં પાણીની અછતને લઈને એ બંધ થઈ જશે તે ચોક્કસ. ત્યાંથી પાછા ફરી હોટલમાં આવ્યા, ગુજરાતી થાળી જમીને સૂઈ ગયા. વળી સાંજે હોટલના જ બગીચામાં હાર્દી અને ક્વચિતને હીંચકા અને લપસણી પર મજા કરાવી, જમ્યા અને ફરીથી સૂઈ ગયા.

બીજે દિવસે પેકેજટૂરના સાઈટ-સીઈંગમાં સૌપ્રથમ પંચગંગા મંદિર અને મહાબલેશ્વર મહાદેવના મંદિરથી શરૂઆત થઈ. પંચગંગા મંદિર એ ક્રિષ્ણા, સાવિત્રી, ગાયત્રી, વેન્ના અને કોયના એ પાંચ નદીઓનો પ્રવાહ અહીંથી શરૂ થાય છે. સરસ્વતી ગુપ્ત નદી છે અને તે દર બાર વર્ષે અહીં પ્રગટ થાય છે એમ માનવામાં આવે છે જ્યારે એ જ રીતે ભાગીરથી પણ ગુપ્ત નદી છે જેનો પ્રવાહ દર સાહીંઠ વર્ષે અહીં પ્રગટ થાય છે. આ મંદિર હજારો વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. પાંચેય પ્રવાહો એક કુંડમાં ખૂબ સુંદર અને શિલ્પ ગૌમુખના માધ્યમથી એકત્ર થાય છે. પાસે જ આવેલ મહાબળેશ્વર મહાદેવના મંદિરમાં ભૂમિસ્થ વિશાળકાય શિવલિંગ છે જેનું શીર્ષ દર્શનીય છે. અહીં વિશાળકાય નંદી પણ ધ્યાન ખેંચે છે.

અહીંથી અમે પારસી પોઈન્ટ, સ્ટ્રોબેરી ગાર્ડન અને જામ ફેક્ટરી ગયા. સ્ટ્રોબેરી ગાર્ડનમાં સ્ટ્રોબેરીક્રીમ, સ્ટ્રોબેરી મિલ્કશેક તથા મલબેરીક્રીમ મન ભરીને માણ્યા, મેપ્રો અને માલા’સ માંથી ક્રશ, જામ, ફજ તથા ચોકલેટ્સ અધધધધધ પ્રમાણમાં ખરીદાયા. સ્ટ્રોબેરી ખરીદાઈ અને ફરી હોટલ તરફ આવ્યા ત્યારે બપોરના બે વાગ્યા હતા. દરમ્યાનમાં બંધૂકથી ફુગ્ગા ફોડવા, રીગ ફેંકવી જેવી ઘણી મસ્તી કરી.

જમ્યા પછી ફરીથી વેન્ના તળાવ તરફ ચાલ્યા જ્યાં પેડલ બોટમાં બોટીંગ તથા પાસેના ગ્રાઉન્ડમાં ઘોડેસવારીનો આનંદ માણ્યો. રાત્રે સાડા આઠ વાગ્યે જમ્યા પછી મુંબઈ તરફ પાછા વળ્યા.

આ પ્રવાસના ફોટોગ્રાફ્સ અહીં જોઈ શકાશે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s