પિપાવાવ શિપયાર્ડમાં પાંચ વર્ષ…

મેં પિપાવાવ ડિફેન્સ એન્ડ ઑફશોર એન્જીનીયરીંગ કંપની લિમિટેડ (જૂનું નામ પિપાવાવ શિપયાર્ડ લિમિટેડ, પ્રેમથી પી.એસ.એલ.) માં નોકરીના પાંચ વર્ષ 29 ઓગસ્ટે પૂરા કર્યા.

એક સમય હતો (કોલેજના મિત્રોને ખાસ યાદ હશે) જ્યારે મને સતત એવા મહેણા મારવામાં આવતા કે ‘તું ક્યાંય ટકીને રહેવાનો નથી’, ‘ક્યાંક હવે એડજસ્ટ થઈ જા.’, ‘અધ્યારૂનો દસ હજાર સેલેરી છે….’ અને પછી હસીને કહેતા ‘પર એનમ…’ કારણ કે 2001 માં મારો પહેલો પગાર હતો 800 રૂપિયા.

એ લોકો ખોટા પણ નહોતા, અને કહેવાનો તેમને પૂરેપૂરો હક હતો. એમના મહેણાં પાછળ હતી મારા માટેની, મારી કારકિર્દી માટેની તેમની ચિંતા. ભૂજની ડી.પી.ઈ.પી ની પંદર દિવસની નોકરી, વડોદરા – અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર આઠ દિવસ, દિલ્હીમાં એક વર્ષ એસ્ટિમેશન અને ટેન્ડરિંગની નોકરી કે વડોદરામાં જીઓટેકનીકલ ડિઝાઈન એન્જીનીયરની સવા વર્ષની નોકરી જેવા ટૂંકા ગાળાના અનેક કારનામા મારે નામ બોલતા હતા, પણ દરેક જગ્યાએ મને કાંઈક ને કાંઈક ખટક્યું. ક્યાંક કશુંય કામ નહોતું (જેના પ્રતાપે મારો નેટ સાથે પ્રગાઢ પરિચય થયો) તો ક્યાંક ખૂબ કામ અને જવાબદારી પણ કોઈ સત્તા નહીં, ક્યાંક નકરું રાજકારણ, ક્યાંક નેતાઓની દાદાગીરી અને લુખ્ખાગીરી તો ક્યાંક જબ્બર કરપ્શન….. જવા દો એ બધી નઠારી વાતો…

મને યાદ છે સ્કોટ વિલ્સનમાં નોકરીનો 2006, 17 જુલાઈનો એ દિવસ જ્યારે હું વહેલી સવારે રાજુલા પહોંચેલો  ત્યાં આવીને તરત એક ગાડી, એક સરસ વેલફર્નિશ્ડ ટી.વી, ફ્રિજ, વોશિંગ મશીન, બેડશીટ, ટોવેલ, રસોડા સાથેનું ગેસ્ટ હાઉસ, રસોઈયો, માળી અને ખૂબ બધી જવાબદારીઓ એક સાથે મળી, સાથે મળી ટેકનીકલી ચાર નવાસવા સિવિલ એન્જીનીયરોને ટ્રેઈન કરીને અને કુલ સાત જણના સ્ટાફ સાથે પીપાવાવની જેટ્ટી કન્સલ્ટન્ટ તરીકે દોઢ વર્ષમાં બનાવવાની જવાબદારી, પણ એક વિદેશી કંપનીના વિદેશી બોસ સાથે મને બીજા કોઈ પણ ઉપરી કરતા સારું ફાવ્યું, ટેકનીકલી એ અમારા જેવા જ – પણ મેનેજમેન્ટ ડી.એન.એમાં મળેલ હશે, એટલે મને એટલી સત્તા પણ મળી કે સાઈટ આખી કંટ્રોલ કરી શકું, મહત્વના નિર્ણય લઈ શકું અને છતાંય નવું શીખી શકું. દિવસના ચૌદથી સોળ કલાક (ક્યારેક સળંગ અડતાલીસ કલાક કે તેથીય વધુ સાઈટ પર સતત) પણ… કોઈ ઉસ મૌજકો જાને…

વર્ષ 2006ના 17 જુલાઈના રોજ જ્યારે પીપાવાવમાં પહેલી વાર પગ મૂક્યો ત્યારથી આ જગ્યાનું મને ઘેલું લાગ્યું છે, અને એ હજુ યથાવત છે. દોઢ વર્ષમાં એ જેટ્ટી પૂરી કરી અને સ્કોટ વિલ્સન તરફથી ઓરિસ્સાના ધામરા પોર્ટ પર એથીય મોટી પોઝીશન અને સારા પેકેજ સાથે જવાની ઓફર મળી. પણ એ સાથે પીપાવાવ પોર્ટની પડોશમાં જ પીપાવાવના મૂળ સ્વપ્નદ્રષ્ટા, વિકાસકાર એવા શ્રી નિખિલભાઈ ગાંધીના તથા તેમના નાનાભાઈ શ્રી ભાવેશભાઈ ગાંધીના સાહસરૂપ આ કંપની શરૂ થઈ રહી હતી. તેમાં કંપનીના ટેકનીકલ ડાયરેક્ટર સ્વ. શ્રી દીક્ષીત સાહેબને મળવાનું થયું, અમદાવાદની અમારી સાકાર – 2 ની ઓફિસે પાંચ મિનિટનો નાનકડો ઈન્ટર્વ્યુ થયો અને હું પીપાવાવ શિપયાર્ડમાં જોડાઈ ગયો.

એ દરમ્યાનમાં મેં રિલાયન્સ પોર્ટ એન્ડ ટર્મિનલ તથા ટાટા એન્જીનીયરીંગ કન્સલ્ટન્સીની ઓફર / નોકરીઓ નકારી. ભારતના સૌથી મોટા અને વિશ્વના ત્રીજા એવા ડ્રાય ડોકના નિર્માણ, છ કિલોમીટરનો રસ્તો, માર્ગમાં એક મોટો પુલ અને અનેક કલવર્ટ (નાળા), જેટ્ટી, ઓફશોર યાર્ડ જેવા અનેક કામની જવાબદારી એક પછી એક મને આપવામાં આવી, એ કરવાની ક્ષમતા દેખાડવાનો અવસર મને મળ્યો અને મેં મારાથી શક્ય એટલી પૂરી શિસ્ત અને લગનથી એ નિભાવ્યો છે. પણ એ સફળતામાં મને અહીં મળેલ સ્વતંત્રતાનો ફાળો નાનોસૂનો નથી, મારા પર મૂકાયેલ વિશ્વાસ એના પાયામાં છે. સિનિયર એન્જીનીયરથી ડેપ્યુટી મેનેજરની અહીંની સફર સરસ રહી છે… વધી રહી છે.

એક વ્યક્તિ તરીકે આગળ આવવું એ એક એન્જીનીયર તરીકે આગળ વધવા કરતા મારા માટે વધુ અગત્યનું હતું. પીપાવાવ આવ્યો ત્યારે એ નક્કી કરીને આવેલો કે મારી જાતને સાબિત કરવા જે હદ સુધી જવું પડે એ જવું, પણ હવે પાછા નથી ફરવું.

મરીન કન્સ્ટ્રક્શનના સાડા છ વર્ષના આ અનુભવે એ ક્ષેત્રના અધધધ ટેકનીકલ જ્ઞાન અને ક્વચિત જ મળે એવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વિવિધતાઓ સાથે, નાણાંકીય સદ્ધરતા સહિત, ખૂબ દોસ્તો અને વિશાળ હ્રદયના સહકર્મચારીઓ – સિનિયર મેનેજમેન્ટ સહિત ઘણુંય આપ્યું છે, અને એ માટે કોઈનોય આભાર માનીને તેમણે મારા પર મૂકેલા વિશ્વાસને હું નાનો કરવા નથી માંગતો.

પીપાવાવ મારા માટે એક વળગણ છે, અને આવનારા પ્રોજેક્ટ અને ભવિષ્યને જોતા હજુ અહીં વર્ષો કાઢવા મળશે એ વાતનો ખૂબ આનંદ પણ ખરો ! વિશ્વનો સૌથી મોટો અને મહાકાય ડ્રાયડોક બનાવવાનો અમારો ધ્યેય શરૂ થવામાં છે…

દસ વર્ષની કારકિર્દીમાં પાંચ વર્ષ એક જ કંપનીમાં પૂરા કર્યા છે, સંતોષ સહિત, સ્મિત સહિત…. કોલેજના મિત્રો… સાંભળો છો?

32 thoughts on “પિપાવાવ શિપયાર્ડમાં પાંચ વર્ષ…

  1. સાંભળું છું…ભળું છુંય ખરો તમારા સંતોષમાં.

    સાગરને કિનારે રહીને તટ–સ્થતા મેળવવાની તક તમે ઝડપી છે. પોતાના વ્યવસાયનો સંતોષ વ્યક્ત કરવો સહેલો નથી. જૉબ ડિસ્સેટિસ્ફેક્શન એ સામાન્ય બાબત ગણાય છે…તમને એનાથી સાવ ઉફરો અનુભવ કરતા ને એને વર્ણવતા જાણીને ખૂબ આનંદ અનુભવાય છે.

    તમારા અધિકારીઓ અભિનંદન અને ધન્યવાદના અધિકારીઓ ગણાય. એમણે તમને દરિયે લાંગરીને એક હાલકડોલક નાવડીને બરાબરની ગોઠવી દીધી છે. પાંચવર્ષની આ પૂર્ણાહૂતિએ તમને નિવૃત્તિ સુધીની શુભેચ્છાઓ પાઠવું છું.

    Like

    • જુ. કાકા, તમારી વાત સાચી છે..

      જોબ સેટિસફેક્શન અગત્યની વસ્તુ છે, એ હશે તો બીજુ બધું, પૈસા સાથે, આપોઆપ મળી રહેશે.. એ સંતોષ જ ઉત્પાદકતા વધારે છે. અને એના માટે જ કદાચ નોકરીઓ બદલવાનો ક્રમ ચાલ્યો હશે એમ હું ઘણી વખત વિચારું છું. જે તે કામ કરતી વખતે એ સિવાય બીજા કોઈ વિચાર ન હોવા જોઈએ, કાંઈ ‘ખટકતું’ ન હોવું જોઈએ એ જ મારું ધ્યેય હતું, અને હવે જે નવો પ્રોજેક્ટ વિચારાઈ રહ્યો છે – આવી રહ્યો છે એ જોતા મને મારી જાત પ્રત્યે પૂર્ણ સંતોષ છે.

      દરિયાએ મારી નૌકાને સ્થિર કરી છે… અસ્સલ એ પેનામેક્સ શિપની જેમ જે અમારી કંપની બનાવે છે.

      આભાર.

      Like

  2. જીગ્નેશભાઈ , જયારે આપણને અંદરથી સંતોષ પ્રાપ્ત થાય છે , એ વસ્તુઓનો કે જેમાં આપણે કુશળ છીએ , જેમાં આપણે કઈ કરી બતાવવા માંગીએ છીએ , એ માંગણી કે મને તક આપો / મને થોડી દોરવણી આપો / થોડીક સ્વતંત્રતા / થોડીક ભૂલો કરવાની પણ સ્વતંત્રતા . . અને જુઓ પછી હું શું કરી બતાવું છું ! અને આ યાત્રાની અંતમાં જે સંતોષ / ઓડકાર , જે પરમ સંતૃપ્તિનો અહેસાસ થાય છે , એ તમે તમારા લખાણમાં ઝળકાવ્યું છે .

    તો વધતા રહો શિખર તરફ . . .

    Like

  3. આપને જાતે નિર્ણયો લેવાની સ્વતંત્રતા મળી એ ઘણું અગત્યનું છે. એનાથી કામ કરવાની મજા બેવડાઈ જાય છે. પીપાવાવમાં આપે પાંચ વર્ષ પૂરા કર્યા. હવે આપની જ્યાં સુધી અહીં કામ કરવાની ઈચ્છા હોય ત્યાં સુધી આપને અહીં કામ કરવા મળે એવી શુભેચ્છા. ખૂબ પ્રગતિ કરતા રહો.

    Like

  4. good job satisfaction due to free hand it’s good you are lucky , most of indian co never give free hand ,, i visited pipavav , my cousin chintan shukla works in pipavav , a good looking and amazing envelopment ,coz i am from mahuva and i seen pipavav in early 1975 – 80 now too different , but important is you are feel free & you can enjoy as a writer .

    Like

  5. Dear Jignesh,

    There is no other joy for a senior than to watch his colleagues marching ahead in the career with dedicated focus…

    Many congratulations on your 5 year stint with PDOC..

    If dynamism is essential for growth then consistency is the masterkey to success…

    Your consistency of tenure at PDOC, your grit and determination coupled with patience and passion will bear the fruits in times to come as these are the primary milestones of any career-path…

    Wish you a distinguished career in your professional life ahead and all the happiness in your personal life…

    Best Regards,

    SHEKHAR GANDHI

    Like

    • Respected Sir,

      Needless to say, without proper guidance, freedom, support and faith in the working of any person, its impossible for any one to progress. I am lucky enough to get those…

      For an engineer, Bookish technical knowledge is secondary, primary requirement is exposure and I have got that in plenty here… from D/wall to piles, from Stone column to anchors… My masters’ degree has seen all its in book paragraphs executed on site here, I am fortunate enough to have a chance observe your way of working and tackling situations…

      Words can never explain feelings in totality… All I can say is Thank You !!

      Like

  6. જીગ્નેશભાઈ મારી જિંદગી પણ થોડી ઘણી તમારા જેવી જ છે, માત્ર ફર્ક એટલો છે કે મેં કન્સલ્ટન્ટ તરીકે સાત વર્ષ પુરા કર્યા અને એમાં ૭ વખત નોકેરી બદલી છે. આગળની જિંદગી અને કારકિર્દી માટે ઘણી શુભેચ્છા.

    Like

  7. જીગ્નેશભાઈ, હું પીપાવાવ બાજુમાં આવેલા સમઢિયાળા ગામનો વાતની છું અત્યારે વલ્લભ વિદ્યાનગર સ્થિત એલીકોન કંપની માં ક્રિએટીવ વર્કનો હેડ છું, તમે એલીકોન વિષે જાણતા જ હશો કદાચ. મેં અહી થતા પ્રોજેક્ટ અને એન્જીનીયરોની વાતો સાંભળી છે , ખરેખર ધગશ અને તમારા કામ પ્રત્યે સમર્પિત થવાની ભાવનાને સલામ ……આપનો કોઈ સંપર્ક નંબર જણાવજો, હું સૌરાષ્ટ્ર આવું તો તમને મળવાનો પ્રયત્ન કરીશ

    Like

Leave a comment