ગુજરાત એસ.ટી…. વડોદરા દીવ….. અગ્નિપથ

ના, ત્રણેયને એક સાથે વાંચીને કોઈ અર્થ કાઢવાનો પ્રયત્ન કરવો નહીં. જો કે એ પ્રયત્ન કરો તો પણ કોઈ વાંધો નથી. એ સદા સર્વદા સત્ય છે જ.

આવો વિષય પસંદ કરવા પાછળના જવાબદાર કારણો…

એસ.ટી રિઝર્વેશન સેન્ટર પર બે દિવસ ટિકિટ બુકિંગ બંધ હતું – કારણ સર્વર ડાઊન, રાત્રે સાડા દસની વડોદરા દીવ બસ પોણા અગિયારે આવી, ડ્રાઈવર – કંડક્ટર અજાણ્યા અને ત્રણ બસના પેસેન્જરો એ જ બસ પર તૂટેલા. બસ સ્ટેન્ડ પર આવે એ પહેલા જ ભરાવા માંડી. ઘણા વખતે ભીડમાંથી રસ્તો કરીને છેલ્લેથી બીજી હારમાં બારી પાસેની સીટ મળી. થોડીક વાર પછી ખબર પડી કે ૫૨ સીટની બસમાં ૩૬ રિઝર્વેશન છે.. (સારુ થયું આગળ જગ્યા ન મળી.) બેઠેલાઓ ઉભા થયા અને રિઝર્વેશન વાળા બેઠા. (પણ જો બે દિવસથી રિઝર્વેશન બંધ હતું તો આટલા લોકોને કઈ રીતે મળ્યું?)

બસ ચાલૂ થઈ ત્યારે ખબર પડી કે કાચ અને બારીની ફ્રેમનો કાયમી મિલાપ શક્ય નથી, એટલે ઠંડી હવા સતત મળ્યા કરશે… અને ડ્રાઈવર કદાચ અમેરિકા કે લંડનથી ઈમ્પોર્ટ કર્યો હશે – એમને રસ્તા પર ખાડા અથવા બમ્પ હોય છે એ હકીકતનું કોઈ ભાન નહીં – બસને બ્રેક જેવી કોઈ વસ્તુ હોય છે એવી જાણકારી એમને નહીં મળી હોય – એટલે જાહેરમાં છેલ્લી સીટો વાળાએ બૂમો પાડીને તેમની માતાજી અને બહેનને યાદ કર્યા પણ તોય એ ગતિમાં અને ઉછાળમાં અને મહત્તમ ગતિએ લેવાતા વળાંકોમાં કોઈ ફરક ન પડ્યો, અને બાકી હોય તેમ ઉભેલા અનેક લોકો, ઉપરથી પડતો સામાન અને નાના બાળકોના રડવાના અવાજે મુસાફરીને હોરર ફિલ્મ બનાવી દીધી.

વળી પીપળીથી ભાવનગરનો આખો રસ્તો ખોદાયેલો છે (બને છે) એટલે મને બીજા દિવસે ન્યૂઝપેપરની એક કોલમમાં સ્થાન ચોક્કસ લાગ્યું –

“વડોદરાથી દીવ જતી બસ પલટી ખાઈ જતા ફલાણી જગ્યાએ ગંભીર અકસ્માત – અમુક મર્યા અને અમુક ઘાયલ…”

એ ખૂણામાં આવતા સમાચારની ભયાનકતા ત્યારે સમજાઈ. એસ ટી બસના છાસવારે થતા અકસ્માતો અમે જોયા છે અને મહદંશે તેમાંથી બચ્યા છીએ – પણ લાગે છે કે ગંભીર ઘાયલ થઈએ કે ઉકલી જઈએ એ સ્થિતિની રાહ જોવા દર વખતે આવી ભયાનક મુસાફરી કરીએ છીએ. આ આપણું તંત્ર છે? કોઈ વ્યવસ્થા નહીં? ડ્રાઈવરના કોઈ ઠેકાણાં નહીં? ત્રણ બસના લોકોને જવા માટે એકથી વધુ બસ નહીં? (અને આ તકલીફ તો વળી બારમાસી છે.) વડોદરા ડેપોની બસની હાલત અને તેના ડ્રાઈવરોનું વાહન હાંકવુ આમેય કુખ્યાત છે – ક્યારેય એ સુધરશે?

“અસલામત સવારી, એસ.ટી અમારી”

* * * * *

અગ્નિપથનું ટ્રેલર જોયેલું ત્યારથી હતું કે એ ફિલ્મ જોવી જ છે. યાહૂ વાળાએ બે અને ટાઈમ્સ વાળાએ સાડા ત્રણ પોઈન્ટ આપેલા એટલે રિવ્યુ પર ભરોસો થાય એવું નહોતું. સેવન સી – ફેમમાં ફિલ્મ જોઈ – અને ગમી પણ ખરી..

અમિતાભની ફિલ્મ સાથે તેને સરખાવવી મૂર્ખામી છે. એની સ્ટાઈલ, એનો ગુસ્સો અને ઠંડક બધુંય અનોખું હતું. પણ એ પાત્રને અલગ રીતે સાકાર કરવામાં હ્રિતિક પણ ઉણો ઉતરતો નથી. ઠંડા કલેજે હત્યાઓ કરતો અને છતાંય સાવ અવાચ્ય રહેતો તેનો ચહેરો તેની સરસ એક્ટિંગનું ઉદાહરણ છે. સૌથી સરસ પાત્ર ભજવ્યું છે ઋષિ કપૂરે, અને બીજો નંબર આવે છે સંજય દતનો કે જેણે ચીલાચાલુ વિલનનું પાત્ર નથી ભજવ્યું. મારા મતે પ્રિયંકાના પાત્રના હોવા – ન હોવાથી કોઈ ફરક નથી પડતો. હરિવંશરાય બચ્ચનની કવિતાનો અદભુત ઉપયોગ ફિલ્મના અંતને અનોખો બનાવે છે. જો કે બચ્ચનની જેમ એ કવિતા વાંચવી પણ બીજા કોઈનું ગજુ નથી. ટૂંકમાં ફિલ્મ ‘જોયેબલ’ તો છે જ.

4 thoughts on “ગુજરાત એસ.ટી…. વડોદરા દીવ….. અગ્નિપથ

  1. st ni buses bhale road par chalti bt st nu managmnt kharekhar khada ma j 6…
    Schedule na koi thekana nathi, je route par bapore bus khali dodti hoy te j route par pickhours ma 1 bus ma 2 bus nu passenger hoy..
    bus ma paravar gandki hoy, windows glass kyarey saf n hoy,
    2 vyakti zor lagave tyare to glass khase ne chhatay pavan to ave j.
    driver-conductor em varte k jem emna pitashree bus kharidi lavya hoy..

    Like

  2. હું બને ત્યાં સુધી બસની મુસાફરી ટાળતો આવ્યો છું. પણ, સદ્ભાગ્યે પાલનપુર-અમદાવાદ સિવાય કોઈ ખાસ એસ.ટી. સફર જોડે નાતો પડતો નથી. અમદાવાદ કે પાલનપુરના એસ.ટી. સ્ટેન્ડની ગંદકી જોયા પછી કંઈ કહેવાનું રહેતું નથી અને ખબર નહી આ લોકો બસને ક્યારે સાફ કરતા હશે.

    વ્યવસ્થિત પબ્લિક ટ્રાન્સપોર્ટ હોય એ સ્વર્ગની કલ્પના છે, મારો જરાય વિચાર ન હોવા છતાં કમને હવે પ્રાઈવેટ વ્હીકલ લેવાની માંગણી વધતી જાય છે, જોઉં છું ક્યાં સુધી હું ટક્કર આપી શકુ છું. 😉

    Like

Leave a comment